કામની વાત:હોમ લોન માટે અરજી કરતાં પહેલાં યોગ્ય તૈયારી કરો, કો એપ્લિકન્ટ ઉમેરી લોન લિમિટ વધારો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોમ લોન લેતાં પહેલાં પોતાનો ક્રેડિટ સ્કોર જરૂર તપાસો

હોમ લોન માટેનો વ્યાજ દર હાલ ફેસ્ટિવ ઓફરને કારણે ઓછો થયો છે. સામે કોરોના બાદ ગાડી ફરી પાટે ચઢતા પ્રોપર્ટીની કિંમત વધી રહી છે. આ સમયગાળામાં જો તમે નવું ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે કેટલુક હોમ વર્ક કરવાની જરૂર છે. થોડી સાવચેતી રાખી તમે સરવાળે તમારી હોમ લોન સસ્તી કરી શકો છો. પ્રોપર્ટી વેબસાઈટ paisa bazarના હોમ લોનના હેડ રતન ચૌધરી પાસેથી જાણો હોમ લોન લેતા પહેલાંની 4 જરૂરી વાતો...

કો એપ્લિકન્ટ જરૂર રાખો
ઓછી આવક, ઓછો ક્રેડિટ સ્કોર, વધારે ઈન્કમ ટુ ડેટ રેશિયો જેવા કારણોને લીધે હોમ લોન રિજેક્ટ થઈ જાય છે. આવા કારણોસર તમારી હોમ લોન રિજેક્ટ ન થાય તેના માટે તમારી સાથે કો એપ્લિકન્ટ જરૂર રાખો. આમ કરવાથી તમે તમારી યોગ્યતા વધારી શકો છો. કો એપ્લિકન્ટને સાથે રાખવાથી લોન અપ્રૂવ થવાના ચાન્સ વધી જાય છે. આ સિવાય જોઈન્ટ હોમ લોન લેવા પર બંને અરજદાર ઈન્કમ ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકે છે. કો એપ્લિકન્ટથી વધારે રકમની લોન લઈ શકાય છે. મહિલાને કો-એપ્લિકન્ટ બનાવવા પર કેટલીક બેંક લોનનો વ્યાજ દર 0.05% ઓછો કરે છે.

હોમ લોન કમ્પેર કરો

વ્યાજ દર, પ્રોસેસિંગ ફી, સમયગાળો અને અન્ય ખર્ચા સહિત વિવિધ બેંકમાં એકસરખી લોન માટે સરવાળે રકમ અલગ અલગ થાય છે. હોમ લોન લેતાં પહેલાં મેક્સિમમ લોનનું કમ્પેરિઝન કરો. સૌ પ્રથમ એ બેંકમાં તપાસ કરો જેમાં તમારું ક્રેડિટ કે ડિપોઝિટ અકાઉન્ટ હોય. ઘણી બેંક તેમના ગ્રાહકોને વ્યાજ દર પર ઓફર આપે છે. ત્યારબાદ અન્ય બેંક સાથે સરખામણી કરો. આમ કરવાથી તમને કઈ બેંક સસ્તી લોન આપે છે તે તમે જાણી શકો છો.

ક્રેડિટ સ્કોર ચેક કરો

હોમ લોન અરજીનું મુલ્યાંકન કરતાં સમયે બેંક સૌથી પહેલાં તમારો ક્રેડિટ સ્કોર તપાસે છે. 750 અથવા તેનાથી વધારે ક્રેડિટ સ્કોર હોય તો લોન અપ્રૂવ થવાની સંભાવના વધવાની સાથે ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે. હોમ લોન લેતાં પહેલાં પોતાનો ક્રેડિટ સ્કોર જરૂર તપાસો. જો તમારો સ્કોર ઓછો હોય તો તમે સુધારો કરી તમારી અરજી રિજેક્ટ થતાં બચાવી શકો છો.

EMI ક્ષમતા ચકાસો
બેંક હોમ લોન એપ્લિકેશનનું મુલ્યાંકન કરતાં સમયે તમે કેટલી EMI આપી શકો છો તે પણ ચકાસે છે. જે એપ્લિકન્ટ પોતાની આવકનો મેક્સિમમ 50-60% ખર્ચો EMIની ચૂકવણી (નવી હોમ લોન સાથે)માં કરે તેની બેંક અરજી સ્વીકારે છે. તેને ઈન્કમ ટુ ડેટ રેશિયો પણ કહેવાય છે. આ લિમિટ કરતાં વધારે ખર્ચો કરનાર ગ્રાહકોને બેંક લોન આપતા પહેલાં ઘણો વિચાર કરે છે. જો તમે લિમિટ કરતાં વધારે ખર્ચો કરો છો તો હાલની લોન પ્રી પેમેન્ટ/ફોર ક્લોઝ કરી ઓછો કરી શકો છો.