પૈસાની જરૂર પડવા પર ઘણા લોકો પર્સનલ લોન લેતા હોય છે. તેના દ્વારા તમે અચાનક જરૂર પડે ત્યારે પૈસાની વ્યવસ્થા કરી શકો છો. તેમાં તમારે કોઈ સંપત્તિને ગીરો રાખવાની જરૂર નથી હોતી. જો કે, પર્સનલ લોન માટે અપ્લાય કરતા પહેલા તમારે તમારો સિબિલ સ્કોર અને કેટલી લોન લેવી છે જેવા ઘણા પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ. અમે તમને 6 એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે પર્સનલ લોન માટે અપ્લાય કરતા પહેલા તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.
જરૂર કરતાં વધારે લોન ન લો
જેટલી તમને જરૂર હોય એટલી જ લોન લો. ઘણી વખત જોવા મળે છે કે તમને જેટલા પૈસાની જરૂર છે તેના કરતાં તમે વધારે લોન અમાઉન્ટ માટે પાત્ર હોવ છો. આવી સ્થિતિમાં ઘણા લોકો જરૂર કરતાં વધારે લોન લઈ લે છે. વધારે ઉધાર લેવાની અસર તમારા ફાઈનાન્શિયલ ગોલ પર પડે છે. તે સિવાય જો તમે સમયસર લોન નહીં ચૂકવો તો તમારે ફાઈન પણ ભરવો પડે છે. એટલું જ નહીં તેનાથી તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થાય છે. જેથી તમને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
વ્યાજ દર વિશે જાણો
કોઈ પણ પર્સનલ લોન લેવા માટે અપ્લાય કરતા પહેલા તમારે તેના વ્યાજ દરો વિશે જાણવું જોઈએ. તમામ બેંકો અને NBFCsના વ્યાજ દરો પર ધ્યાન આપો અને જ્યાં ઓછા વ્યાજે લોન મળી રહી છે, ત્યાં અપ્લાય કરો. તે સિવાય જે બેંકમાં તમારું અકાઉન્ટ છે ત્યાં પ્રી-અપ્રૂવ્ડ લોન વિશે પણ જાણકારી મેળવી શકો છો. ઘણી વખત બેંક તેમના ગ્રાહકોને પ્રી-અપ્રૂવ્ડ લોનની સુવિધા પણ આપે છે. આ બેંક ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે...
બેંક | વ્યાજ દર (% માં) |
યુનિયન બેંક | 8.90 |
સેન્ટ્રલ બેંક | 8.95 |
IDBI | 9.50 |
SBI | 9.60 |
બેંક ઓફ બરોડા | 10.00 |
HDFC | 10.25 |
ICICI | 10.50 |
સિબિલ સ્કોરનું ધ્યાન રાખો
જો તમારો ક્રેડિટ સ્કોર અથવા સિબિલ સ્કોર સારો છે તો તમને પર્સનલ લોનમાં તેનો ફાયદો મળી શકે છે. સારો સિબિલ સ્કોર તમારી પ્રોસેસિંગ ફી અને વ્યાજ દર ઘટાડી શકે છે. સામાન્ય રીતે બેંક સારા ક્રેડિટ સ્કોરવાળા કસ્ટમરની પ્રોસેસિંગ ફી માફ કરવા સિવાય વ્યાજ પણ ઓછું કરે છે. 750-900ની વચ્ચે સિબિલ સ્કોર સારો માનવામાં આવે છે. તેમજ 750થી ઓછો હોવા પર વધારે વ્યાજ દરે લોન મળશે. તે સિવાય તમને લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારા ક્રેડિટ સ્કોરનું ધ્યાન રાખો.
પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જિસ પણ જુઓ
હંમેશાં બેંક પર્સનલ લોનમાં કેટલાક હિડન ચાર્જ અને પ્રોસેસિંગ ફીને સામેલ કરે છે, જેને લોન લેતી વખતે બેંકકર્મી અથવા એજેન્ટ ગ્રાહકોને જણાવવાનું ટાળે છે. તે સિવાય લોનની સમય પહેલા ચૂકવણી (પ્રી-પેમેન્ટ ક્લોઝર) પર વસૂલવામાં આવતા ચાર્જ વિશે પણ જાણો. તેનાથી તમારે બાદમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
રિપેમેન્ટ કેપેસિટીનું ધ્યાન રાખો
લોનની અવધિ પસંદ કરતા પહેલા યોગ્ય રીતે વિચાર કરવો જોઈએ. લોનના હપ્તા તમારી ક્ષમતા જોઈને નક્કી કરવા જોઈએ. કેમ કે હપ્તો ન આપવા પર તમારે પેનલ્ટી તો આપવી પડશે તે સિવાય તે તમારા સિબિલ સ્કોર પર પણ ખરાબ અસર કરશે. વ્યક્તિએ લોનનો વહેલી તકે પતાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
સંબંધિત બેંકમાંથી લોન લેવી
જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તે જ બેંકમાંથી લોન લેવી જ્યાં તમારું અકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ક્રેડિટ કાર્ડ સેવા તમે લઈ રહ્યા હોય. કેમ કે બેંક પોતાના રેગ્યુલર કસ્ટમરને સરળતાથી અને યોગ્ય વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવે છે.
પર્સનલ લોન પર ટેક્સ નથી આપવો પડતો
પર્સનલ લોન પર ટેક્સ નથી લાગતો, કેમ કે, લોનની રકમને ઈન્કમ નથી માનવામાં આવતી, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમારી લોન કોઈ લીગલ સોર્સ જેમ કે બેંક અથવા NBFCમાંથી લીધેલી હોય. જો કે લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે ઘણા ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે. તેમાં ખર્ચ વાઉચર, બેંકનું સર્ટિફિકેટ, સેક્શન લેટર અને ઓડિટરનો લેટર વગેરે ડોક્યુમેન્ટ્સ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.