જો તમે હોમ લોન લીધી છે અને તમે એને પ્રી-પેમેન્ટ કરીને ફટાફટ પૂરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સમજ્યા વિચાર્યા વગર આવું કરવાથી તમારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. લોનને પ્રી-પેમેન્ટ કરીને જલદીથી ચુકવણી કરવાનો નિર્ણય લેતાં પહેલાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જાણો આ બાબતો વિશે...
EMIની રકમ ઓછી કરવી અથવા સમયગાળો ઘટાડવો?
પ્રી-પેમેન્ટનો ફાયદો 2 રીતે લઈ શકાય છે. જો તમે લોનની અમુક રકમ સમય પહેલાં જ ચૂકવી છે અથવા બાકીના સમયગાળા માટે EMIની રકમ ઓછી થાય છે અથવા એ જ EMI પર સમયગાળો ઘટે. તમારે તમારી જરૂરિયાત પ્રમાણે સમજીવિચારીને વિકલ્પ પસંદ કરવો જોઈએ.
ઈમર્જન્સી ફંડનો પ્રી-પેમેન્ટ માટે ઉપયોગ ન કરવો?
ક્યારે પણ તમારે તમારા ઈમર્જન્સી ફંડનો ઉપયોગ લોન પ્રી-પેમેન્ટ માટે ન કરવો જોઈએ. હોમ લોન પ્રી-પેમેન્ટ કરવા માટે તમારા ઇમર્જન્સી ફંડનો ઉપયોગ તમને જરૂરિયાતના સમયે વધારે વ્યાજદરે લોન લેવા માટે મજબૂર કરી શકે છે, તેથી ઈમર્જન્સી ફંડનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરવો.
હોમ લોનનું પ્રી-પેમેન્ટ ક્યારે કરવું જોઈએ?
જો તમારા બેંકના હોમ લોનના વ્યાજદર વધી ગયા છે તો તમારે હોમ લોનના પ્રી-પેમેન્ટ વિશે વિચારવું જોઈએ. તેનું કારણ એ છે કે એક વખત વ્યાજદર વધ્યા બાદ તમારા માસિક હપતાની રકમમાં ફેરફાર નહીં થાય તો તમારા હોમ લોનનો સમયગાળો વધી જશે. આ સમયે પ્રી-પેમેન્ટ કરવાથી તમને વ્યાજના વધેલા દરોથી રાહત મળશે.
હોમ લોન પહેલાં પર્સનલ અથવા કાર લોનની ચુકવણી કરવી
જો તમે હોમ લોન સિવાય પર્સનલ લોન અથવા કાર લોન પણ લીધી છે તો પહેલા આ લોનની ચુકવણી કરવા વિશે વિચારવું યોગ્ય રહેશે. એનું કારણ એ છે કે હોમ લોન ચાલુ હોવાથી તમને ટેક્સ નિયમોમાંથી છૂટ મળે છે, જ્યારે પર્સનલ લોન અથવા કાર લોન પર આવા કોઈ ફાયદા નથી મળતા. એ ઉપરાંત હોમ લોનના વ્યાજદર અન્ય લોનની સરખામણીએ ઓછા હોય છે.
રિટાયરમેન્ટ ફંડ અથવા અન્ય રોકાણ પણ જરૂરી
જો તમારી પાસે દરેક પ્રકારના જરૂરી રોકાણ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ બાદ પણ પૈસા બચી રહ્યા છે, ત્યારે તમારે હોમ લોનના પ્રી-પેમેન્ટ વિશે વિચારવું જોઈએ. તમારા રિટાયરમેન્ટ ફંડમાંથી પૈસા ઉપાડીને અથવા રોકાણને વચ્ચે બંધ કરીને પ્રી-પેમેન્ટ કરવું યોગ્ય નથી, કેમ કે બાળકોનો અભ્યાસ અથવા લગ્ન માટે કરવામાં આવતા રોકાણને બંધ કરીને અથવા એમાંથી પૈસા ઉપાડીને તમારે ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હોમ લોન પ્રી-પેમેન્ટ શું છે?
પ્રી-પેમેન્ટ, લોનની સમય પહેલાં ચુકવણી કરવાની સુવિધા હોય છે. પ્રી-પેમેન્ટ એક પ્રકારે EMI ઈન્સ્ટોલમેન્ટ પેમેન્ટ છે, જે તમારી ડ્યુ ડેટ પહેલાં કરવામાં આવે છે. જો તમારી પાસે વધારે પૈસા છે તો તમે હોમ લોનની બાકીની રકમની ચુકવણી માટે આ રકમનો ઉપયોગ કરી શકો છો, એને કારણે બાકી રહેલા સમયગાળાના EMIમાં ઘટાડો આવે છે અથવા તે જ EMI પરની અવધિ ઘટે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.