ગોલ્ડ લોનનું ચલણ આપણા દેશમાં ઝડપથી વધી રહ્યું છે. તેનું કારણ એ છે કે, તેમાં ઓછા વ્યાજ દરે તમને સરળતાથી લોન મળે છે. સૌથી ખાસ વાત એ છે કે, ગોલ્ડ લોન લેવા માટે તમારે આવકનો પુરાવો આપવાની જરૂર નથી. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણો આવી જ 5 બબાતો વિશે...
તમારી જરૂરિયાત મુજબ પસંદ કરો બેંક અથવા NBFC
ગોલ્ડ લોનમાં બેંકો અને નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC)ની વચ્ચે ઘણો તફાવત હોય છે. બેંક ઓછા વ્યાજ દરે લોન ઓફર કરે છે, જ્યારે NBFC વધારે લોન આપે છે. તે ઉપરાંત NBFC મુખ્યત્વે સોનાના બદલે લોન આપે છે, તેથી તેઓ ઝડપથી લોન આપે છે. લોન લેતા પહેલાં એક વખત વિવિધ બેંકો અને NBFCમાં વ્યાજ દર ચેક કરવા જોઈએ.
ગોલ્ડ બારના બદલે લોન નથી મળતી
લોન લેવા માટે ઓછામાં ઓછું 18 કેરેટ સોનું ગીરવે રાખવાનું પડે છે. જો કે, બેંક અથવા NBFC ગોલ્ડ બારને ગીરવે રાખી શકાતા નથી. તે જ્વેલરી અને સોનાના સિક્કાના બદલે જ લોન આપે છે. સોનાના સિક્કાની બાબતમાં શુદ્ધાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તે ઉપરાંત બેંક અથવા NBFC 50 ગ્રામથી વધારે વજનના સોનાના સિક્કા ગીરવી નથી રાખતા.
એક્સ્ટ્રા ચાર્જનું ધ્યાન રાખવું
વ્યાજ સિવાય તમારે પ્રોસેસિંગ ફી આપવી પડશે. આ ફી વિવિધ બોકમાં અલગ હોય છે. કેટલીક બેંક અથવા NBFC આ પ્રકારની ફી નથી લેતી. તે સિવાય પ્રોસેસિંગ ફી પર GST પણ તમારે આપવો પડશે. કેટલી બેંક વેલ્યૂએશન ફી પણ લે છે. તે 250 રૂપિયાથી શરૂ થાય છે. તે સિવાય લોન ડિફોલ્ટ પર લાગતા ચાર્જિસનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે.
પોતાની જરૂરિયાત પ્રમાણે રિપેમેન્ટ ઓપ્શનની પસંદગી કરો
બેંક અથવા NBFC તમને લોનની રકમનાં વ્યાજની ચૂકવણી (રિપેમેન્ટ) કરવા માટે ઘણા બધા ઓપ્શન આપે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈ પણ ઓપ્શનની પસંદગી કરી શકો છો. તમે EMIથી ચૂકવણી કરી શકો છો. આ સિવાય તમે એકસાથે મૂળ ચૂકવણી દરમિયાન વ્યાજ ભરી શકો છો. બુલેટ રિપેમેન્ટમાં બેંક માસિક આધાર પર વ્યાજ લે છે. બેંક સામાન્ય રીતે 3 મહિનાથી 3 વર્ષ સુધી લોન આપે છે. તેથી તમે તમારી સુવિધા પ્રમાણે તેની પસંદગી કરી શકો છો.
લોનની ચૂકવણી ન કરવા પર બેંક તમારું સોનુ વેચી શકે છે
જો તમે સમયસર લોનની ચૂકવણી ન કરી શકતા હો તો વ્યાજ આપનાર કંપની પાસે તમારું સોનુ વેચવાનો આધિકાર હોય છે. જો સોનાની કિંમત ઘટી જાય છે તો વ્યાજ આપનાર કંપની તમારી પાસે વધુ સોનાની માગણી કરી શકે છે. ગોલ્ડ લોન લેવી ત્યારે જ યોગ્ય છે જ્યારે તમને થોડા સમય માટે પૈસાની આવશ્યકતા હોય. ઘર ખરીદવા જેવા મોટાં કામ માટે તેની પસંદગી ન કરો.
ગોલ્ડ લોનની ડિમાન્ડમાં વધારો
ભારતમાં ગોલ્ડ લોન સંબંધિત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટ પ્રમાણે, કોરોનાકાળમાં NBFC અને બેંકોના માધ્યમથી ગોલ્ડ લોનની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ભારતમાં NBFCના ગોલ્ડ લોન અસેટ અંડર મેનેજમેન્ટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 2020-21ના બીજા ક્વાર્ટરમાં મુથૂટ ફાયનાન્સ અને મણપ્પુરમ ફાઈનાન્સના AUMમાં ગત વર્ષની સરખામણીએ ક્રમશ: 15% અને 33.4%નો વધારો જોવા મળ્યો છે. ફેડરલ બેંકનો ગોલ્ડ લોન AUM પણ બીજા ક્વાર્ટરમાં 36% વધ્યો છે. તો ઈન્ડિયન બેંકે 10%નો ગ્રોથ પ્રાપ્ત કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.