• Gujarati News
  • Utility
  • Has The Price Of The Item Really Dropped In The Online Sale? Check With The Buyhatke Tool And Be Smart

યુઝફુલ ટૂલ:ઓનલાઇન સેલમાં વસ્તુની કિંમત ખરેખર ઘટી છે? buyhatke ટૂલથી ચેક કરો અને છેતરાતા બચો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ટૂલની મદદથી પ્રોડક્ટનો પ્રાઈસ ગ્રાફ ચેક કરી ખરેખર તેની કિંમત ઘટી છે કે કેમ તે ચેક કરી શકાય છે
  • ટૂલ તમને તમારી મનપસંદની કિંમત ઘટે એટલે મેઈલ કરીને અલર્ટ પણ આપે છે

અત્યારે ચારેકોર 'સેલ'ની મોસમ ચાલી રહી છે. ખાસ કરીને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર. તમામ નાની-મોટી ઑનલાઇન શોપિંગ સાઇટ્સ પર અત્યારે ફેસ્ટિવલ સેલનાં પાટિયાં ઝૂલે છે. પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ પોતાની મરજી પ્રમામે પ્રાઇસ ડ્રોપ અને ડિસ્કાઉન્ટનાં ટેગ લગાવવા માટે કુખ્યાત છે. વળી, શેરબજારની જેમ તમે ખરીદવા ધારેલી વસ્તુની કિંમત પણ સેલ દરમિયાન સતત વધ-ઘટ થતી હોય છે. ત્યારે સેલ દરમિયાન કોઈ વસ્તુની કિંમત ખરેખર ઘટી છે કે કેમ તે કઈ રીતે નક્કી કરવું? જે તે પ્રોડક્ટની કિંમતમાં પાછલા મહિનાઓમાં ખરેખર કેટલો વધારો કે ઘટાડો થયો છે? હાલ તમારે આ પ્રોડક્ટ ખરીદવી જોઈએ કે પછી સેલનો ગોકિરો શાંત થાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે તમારે ગંભીર રિસર્ચ કરવાની જરૂર નથી. બલકે આ તમામ સવાલોના જવાબ તમને ગૂગલનું એક એક્સટેન્શન ટૂલ આપશે. આ ટૂલનું નામ છે buyhatke.

એક્સટેનશન ટૂલ એક નાનો સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે, જેને ગૂગલ ક્રોમના 'વેબ સ્ટોર'માંથી એક જ ક્લિકમાં (અફ કોર્સ, ફ્રીમાં) ડાઉનલોડ કરી લેવાનો રહે છે. આંખના પલકારામાં ડાઉનલોડ થઈ ગયા બાદ આ ટૂલ તમારા વેબ બ્રાઉઝરના એક ખૂણામાં સંતાઈને પોતાનું કામ કર્યા કરે છે. હવે આ buyhatkeનું આવું જ એક્સટેન્શન ટૂલ કઈ રીતે કામ કરે છે એ સમજીએ. જો તમે સ્માર્ટફોનથી જ ઑનલાઇન શોપિંગ કરતા હો તો buyhatkeની મોબાઇલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો. મોબાઈલ એપથી પણ ઈ કોમર્સ સાઈટ પરથી ઓનલાઈન શોપિંગ કરતાં સમયે એપના ફીચરનો લાભ લઈ સ્માર્ટ શોપિંગ કરી શકાશે. આ સિવાય એપમાં ટ્રેનની તત્કાલ ટિકિટ બુક થશે અને ફ્લાઈટ પણ કમ્પેર કરી શકાશે.

buyhatke
સાદા શબ્દોમાં કહીએ તો આ ટૂલ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર વેચાતી કોઇપણ વસ્તુની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં અથવા તો તે લૉન્ચ થઈ ત્યારથી તેની કિંમતમાં કેટલો ઉતાર-ચડાવ આવ્યો તે એક સિમ્પલ ગ્રાફની મદદથી કહી આપે છે. તે પ્રોડક્ટની અત્યાર સુધીની સૌથી ઓછી અને સૌથી વધુ કિંમત અને આવનારા 2-3 દિવસથી લઇને એક મહિના સુધીમાં તે વસ્તુની કિંમતમાં થનારા સંભવિત વધારા કે ઘટાડાની ટકાવારી પણ કહી આપે છે. આ ટૂલની મદદથી ઈ-કોમર્સ સાઈટ પર પ્રોડક્ટની કિંમત ખરા અર્થમાં ઓછી થાય તો અલર્ટ મેળવી શકાય છે, અલગ અલગ સાઇટ્સ પર તે પ્રોડક્ટ શું ભાવે વેચાઈ રહી છે તેની સરખામણી પણ કરી શકાય છે.

આ મજેદાર ટૂલ્સનાં ફીચર્સ જરા વિગતે સમજીએ.

1. પ્રાઇસ ગ્રાફ

આ ફીચરની મદદથી તમે પ્રોડક્ટ લોન્ચ થયાં પછી અથવા જે-તે સાઈટ પર તે અવેલેબલ થયાં પછી યા તો છેલ્લા એકાદ વર્ષથી અત્યાર સુધીનો તેનો પ્રાઈસ ગ્રાફ જોઈ શકો છો. અર્થાત્ તે વસ્તુની કિંમતમાં થયેલો તમામ નાનો-મોટો ફેરફાર આ ગ્રાફ પર દેખાઈ આવે છે. આ ફીચરમાં પ્રાઈસ ડ્રોપ ચાન્સ પણ જોવા મળે છે. એટલે કે પ્રોડક્ટની કિંમત આગામી સમયમાં કેટલા ટકા સુધી ઘટી શકે છે તેનું અનુમાન લગાવી શકાય છે. આ ગ્રાફ પરથી ઘણી વાર જે તે ઈ-કોમર્સ સાઇટની પોલ પણ ખૂલી જાય છે. કેમ કે, કોઈ સેલના એકાદ દિવસ પહેલાં કિંમત વધારીને તેને સેલના દિવસે ડિસ્કાઉન્ટમાં ખપાવવાની ચાલબાજી ઉઘાડી પડી જાય છે, અને આપણે પણ છેતરાતા બચીએ છીએ.

2. પ્રાઇસ અલર્ટ

આ ટૂલનું સૌથી મજેદાર ફીચર પ્રાઈસ અલર્ટ છે. જો તમે કોઈ પ્રીમિયમ સ્માર્ટફોનની ખરીદીના મૂડમાં હો, પરંતુ તેના લીધે તમારા ખિસ્સા પર વધારે ભાર પડતો હોય તો તમે આ ટૂલની મદદ લઈ તેની કિંમત ઓછી થાય ત્યારે ખરીદી કરી શકો છો. કોઈ પણ શોપિંગ સાઈટ પર પ્રોડક્ટ સર્ચ કરશો તો તમને સક્રીનની જમણી બાજુએ Buyhatkeનાં ટૂલ્સ વિઝિબલ થશે. જો તમારે તમારી મનગમતી પ્રોડક્ટની કિંમત ઘટે એટલે અલર્ટ મેળવવું હોય તો watch price ON ટેબ પર ક્લિક કરો. તેના અલર્ટને ON કરી સબમિટ કરો. આ પ્રાઈસ કઈ કિંમત સુધી ઘટે તો તમે અલર્ટ મેળવવા માગો છો તે પણ ટૂલને જણાવવાનું રહેશે. હવે તમે જે મેઈલ આઈડી પર અલર્ટ મેળવવા માગતા હો તે સબમિટ કરો. આટલા સ્ટેપ્સ ફોલો કરવા માત્રથી તમે પ્રોડક્ટની કિંમત ક્યારે ઘટશે તેની માહિતી કોઈ પણ ચિંતા કર્યા વગર મેળવી શકો છો.

3. COMPARE

જો તમે કોઈ સ્માર્ટફોન, ટીવી, ટેબ્લેટ સહિતની વસ્તુઓ ખરીદવાના હો અને તમારા મનમાં ઘણા બધા ઓપ્શન વચ્ચે કન્ફ્યુઝન હોય, તો આ ટૂલની મદદથી તમે કુલ 4 પ્રોડક્ટ્સની કમ્પેરિઝન કરી શકશો અને નક્કી કરી શકશો કે કઈ કિંમતમાં કેવી વિવિધતાઓ સાથેની પ્રોડક્ટ ખરીદવી તમારા માટે યોગ્ય રહશે. આ સાથે જ આ ટૂલની મદદથી કોઈ પ્રોડક્ટની કિંમતની સરખામણી અન્ય ઈ કોમર્સ સાઈટ સાથે પણ કરી શકાશે, જેથી તમે નક્કી કરી શકો કે કયા પ્લેટફોર્મ પરથી પ્રોડક્ટની ખરીદી કરવાથી તમને સૌથી સસ્તાંમાં પડશે. એક વખત આ એક્સટેન્શન ટૂલ ઈન્સ્ટોલ કર્યા બાદ Buyhatke જે ઈ-કોમર્સ સાઈટ માટે સપોર્ટ કરશે તેમાં સાઈટ પ્રમાણે સ્ક્રીન પર અલગ અલગ જગ્યાએ COMPARE બોક્સ જોવા મળશે. તેના પર ક્લિક કરી અન્ય પ્રોડક્ટ એડ કરી પ્રોડક્ટ્સનું કમ્પેરિઝન જોઈ શકાશે.

4. કૂપન્સ

આ ટૂલ તમારી ખરીદી કરવાના એક્સપિરિઅન્સને વધુ સારો બનાવે છે. તે ઈ-કોમર્સ સાઈટ પર ખરીદી કરતા સમયે કૂપન્સ અને ઓફરની પણ માહિતી આપે છે. ઓફરની વેલિડિટી કઈ પ્રોડક્ટ પર ઓફર્સ અને કૂપન્સ લાગુ થશે તે પણ જાણી શકાય છે. તે પ્રોડક્ટ પર ઓટો એડ કૂપન્સની સુવિધા પણ આપે છે. તમે ઇચ્છો ત્યારે આ ટૂલ, અલર્ટ્સ કે નોટિફિકેશન્સ ગમે ત્યારે એક જ ક્લિકથી બંધ પણ કરી શકો છો.

કઈ કઈ સાઇટ્સને સપોર્ટ કરે છે buyhatke
આ ટૂલ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, જબોન્ગ, પેટીએમ, સ્નેપડીલ, હોમ શોપ 18, ઇન્ડિયાટાઇમ્સ શોપિંગ્સ, જ્વેલકાર્ટ, લેન્ડમાર્ક, લેન્સકાર્ટ, નાપતોલ, ઝિવામે, હેલ્થકાર્ટ, બુકઅડ્ડા, ક્રોમા, ક્રોસવર્ડ, ઈબે, ફેબ ઈન્ડિયા, ઈન્ડિયાકેક્સ સહિતની ઢગલો ઈ-કોમર્સ વેબસાઈટ પર સપોર્ટ કરે છે.

Buyhatke પાછળ આ જુવાનિયાઓની કારીગરી
Buyhatkeની શરૂઆત 2012માં પહેલાં એક વેબસાઈટ તરીકે થઈ. તેના પર પ્રાઈસ કમ્પેરિશનનું કામ કરળ બનતું હતું. તેના પાછળ કંપનીના ફાઉન્ડર ગૌરવ, કો ફાઉન્ડર અને ચીફ ટેક્નલોજી આર્કિટેક્ટ પ્રશાંત અને ચીફ ડિઝાઈનર શ્રીકાંતનો સિંહફાળો છે. આ ત્રણેય યંગસ્ટર્સે 2 લાખ રૂપિયાની રકમથી કંપનીની શરૂઆત કરી હતી. ત્યારબાદ અનેક અપ્સ એન્ડ ડાઉન બાદ કંપનીએ 2013માં ક્રોમ એક્સટેન્શન લોન્ચ કર્યું હતું અને અલગથી મોબાઈલ કમ્પેરિશન પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. તેની પેરન્ટ ઓર્ગેનાઈઝેશન બિડન સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ છે.

અન્ય સમાચારો પણ છે...