કોરોના વાઇરસ ચેપના ફેલાવાને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે બેંકિંગ ક્ષેત્રને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે 6 મહિના માટે જાહેર ઉપયોગિતા સેવાઓમાં બેંકિંગ ક્ષેત્રનો સમાવેશ કર્યો છે. આ ફેરફાર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હેઠળ કરવામાં આવ્યો છે. બેંકિંગ સેવાઓનો એક્ટમાં સમાવેશ થયા પછી હવે કોઈપણ કર્મચારી અને અધિકારી હડતાળ કરી શકશે નહીં. આ નવો નિયમ 21 એપ્રિલથી અમલમાં આવ્યો છે.
6 મહિના સુધી નિયમ અમલમાં રહેશે
નાણા મંત્રાલય હેઠળ આવતા નાણાં વિભાગ દ્વારા 20 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા એક સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, શ્રમ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને બેંકિંગ ઇન્ડસ્ટ્રીને 6 મહિના માટે જાહેર ઉપયોગિતા સેવાઓમાં સામેલ કરી છે. નાણાં વિભાગે કહ્યું કે, આ સમયમર્યાદા 21 એપ્રિલથી અમલમાં આવી છે. 17 એપ્રિલના રોજ શ્રમ મંત્રાલયે જારી કરેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસ ચેપને કારણે આર્થિક પ્રવૃત્તિઓને મોટી અસર થઈ છે. આ કારણોસર બેંકિંગ ક્ષેત્રને જાહેર ઉપયોગિતા સેવાઓમાં સામેલ કરવામાં આવી છે.
RBI, SBI સહિત તમામ બેંકોને સર્ક્યુલર મોકલવામાં આવ્યો
નાણાકીય સેવા વિભાગે નવા કાયદાના અમલીકરણ અંગે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર, SBIના ચેરમેન, રાષ્ટ્રીયકૃત બેંકોના MDઅને CEO અને ભારતીય બેંક એસોસિએશન (IBA)ના CEOને એક સર્ક્યુલર મોકલ્યો છે. બેંકિંગ ક્ષેત્રે એક ડઝનથી વધુ કર્મચારીઓ અને અધિકારી યૂનિયન્સ છે. યુનિયનો દર ત્રણ વર્ષે IBA સાથે પગાર સહિતના અન્ય મુદ્દાઓ પર વિચાર કરે છે.
પબ્લિક સેક્ટરની તમામ બેંકો IBAની સભ્ય
HDFC બેંક, ICICI બેંક, Axis બેન્ક, ફેડરલ બેંક જેવી જૂના જમાનાની પ્રાઇવેટ સેક્ટર બેંકો આજે પણ IBAના સભ્યો છે. આ સિવાય જૂની વિદેશી બેંકો HSBC, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને સિટી બેંક પણ IBAની સભ્ય છે. આ તમામ બેંકો IBAએ સાથે પગાર અને અન્ય કર્મચારીઓના પ્રશ્નોના સમાધાન માટે વાટાઘાટો કરે છે. કોટક બેંક, ઈન્ડસઇન્ડ બેંક અને યસ બેંક જેવી નવી બેંકો IBA નિયમોના કાર્યક્ષેત્રની બહાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.