1 ડિસેમ્બરથી દેશભરમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. તે સીધા તમારાં ખિસ્સાં અને જીવનને અસર કરશે. આ ફેરફાર કયા છે એ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. 1 ડિસેમ્બરથી રસોઈ ગેસના સિલિન્ડરથી લઇને RTGSના નવા નિયમમાં ફેરફાર થવાના છે. તો ચાલો આ ફેરફારો વિશે જાણીએ.
RTGSનો ફાયદો સાત દિવસ 24 કલાક મેળવી શકાશે
ડિસેમ્બરમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ના નિયમોમાં ફેરફાર થવાના છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તાજેતરમાં જ RTGSને દિવસના 24 કલાક અને સાત દિવસ ઉપલબ્ધ રાખવાનો નિર્ણય લીધો હતો, જેનો અમલ ડિસેમ્બર 2020થી શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, હવે તમે 24*7 દિવસ આ સુવિધાનો ઉપયોગ કરી શકશો. RTGS અત્યારે બેંકોના તમામ કાર્યકારી દિવસોમાં (બીજા અને ચોથા શનિવાર સિવાય) સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. NEFT ડિસેમ્બર વર્ષ 2019થી 24 કલાક કામ કરી રહ્યું છે.
1 ડિસેમ્બરથી નવી ટ્રેનો દોડાવવામાં આવશે
રેલવે હવે ફરી ધીમે-ધીમે બધી ટ્રેનો શરૂ કરી રહી છે. હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. તેમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ સામેલ છે. બંને ટ્રેનો જનરલ કેટેગરી હેઠળ ચાલી રહી છે. 01077/78 પૂણે-જમ્મુ તાવી, પૂણે ઝેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ દરરોજ ચાલશે.
વચ્ચે હપ્તો ન ભર્યો તો વીમા પોલિસી બંધ નહીં થાય
ઘણી વખત લોકો તેમની વીમા પોલિસીનો હપ્તો નથી ભરી શકતા અને તેમની પોલિસી પૂરી થઈ જાય છે. જેના કારણે તેમના જમા કરેલા પૈસા પણ ડૂબી જાય છે. પંરતુ હવે નવી સિસ્ટમ મુજબ, હવે 5 વર્ષ પછી વીમાધારક પ્રીમિયમની રકમ 50% સુધી ઘટાડી શકે છે. એટલે કે, તે અડધા હપ્તા સાથે જ પોલિસી ચાલુ રાખી શકે છે.
PNBએ ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો
પંજાબ નેશનલ બેંક (PNB) 1 ડિસેમ્બરથી PNB 2.0 વન ટાઇમ પાસવર્ડ (OTP) બેઝ્ડ કેશ વિથડ્રોલ સુવિધા લાગુ કરવા જઈ રહી છે. PNB 1 ડિસેમ્બરથી રાતના 8 વાગ્યાથી લઇને સવારના 8 વાગ્યા દરમિયાન PNB 2.0 ATMમાંથી એકવારમાં 10,000 રૂપિયાથી વધુનો રોકડ ઉપાડ હવે OTP બેઝ્ડ હશે. એટલે કે, આ રાતના કલાકોમાં PNB ગ્રાહકોને 10,000 રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડવા માટે OTPની જરૂર પડશે. આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.
ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે
દેશની ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. તેની કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. આવી સ્થિતિમાં, 1 ડિસેમ્બરે સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. નવેમ્બરમાં ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.