જો તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. 1 જૂન એટલે કે મંગળવારથી દેશમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ ગઈ છે, કેમ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ ઘરેલુ હવાઈ મુસાફરીની લોઅર લિમિટ 13 ટકાથી વધારીને 16 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાનાં વધતા કેસ અને મુસાફરોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા સરકારે ફ્લાઇટ્સની ક્ષમતા મર્યાદા પણ ઘટાડી દીધી છે.
ગત વર્ષે 25મેના રોજ ઘરેલુ ઉડાન ફરીથી શરૂ થયા બાદ આ પહેલી વખત છે જ્યારે સરકારે ઉડાનની ક્ષમતા મર્યાદામાં ઘટાડો કર્યો છે. ગત વર્ષે ડિસેમ્બર સુધી તેને ધીમે ધીમે વધારીને 80 ટકા કરવામાં આવી હતી. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મર્યાદાને 80 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દીધી. આ મર્યાદા મંગળવારથી લાગુ થઈ ગઈ છે.
એર ટિકિટની નવી લોઅર લિમિટ
40 મિનિટની ફ્લાઈટ માટે લોઅર લિમિટ 2,300 રૂપિયાથી વધારીને 2,600 રૂપિયા કરવામાં આવી, એટલે કે 13 ટકાનો વધારો કરવામાં આવ્યો. આવી જ રીતે 40 મિનિટથી 60 મિનિટની મુસાફરી માટે પ્રાઇસ બેન્ડ 2,900 રૂપિયાની જગ્યાએ 3,300 રૂપિયા કરવામાં આવી.
દિલ્હી-મુંબઈ ફ્લાઈટની ટિકિટમાં 700 રૂપિયા વધારે ખર્ચ કરવા પડશે
નવો નિયમ લાગુ થયા બાદ દિલ્હી-મુંબઈની ફ્લાઈટની કિંમત હાલના ભાડા કરતા 700 રૂપિયા વધારે હશે. દિલ્હી-મુંબઈ ફ્લાઈટ એટલે કે 120થી 150 મિનિટની ફ્લાઈટ માટે પણ લોઅર લિમિટ 6,100 રૂપિયા હશે. વર્તમાનમાં આ ભાડું 300થી 1,000 સુધી સસ્તુ છે.
ફ્લાઈટની ટિકિટનું ભાડું વધવાનું કારણ
ઇંધણની વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા સરકારે ફેર લિમિટ વધારી દીધી છે. હવાઈ મુસાફરીમાં વધારો કરીને મુસાફરીના લોડ ફેક્ટરની ક્ષમતાને પણ જવાબદાર ગણાવવામાં આવી છે. બીજી લહેરમાં કોરોના સંક્રમણના કેસમાં અચાનક વધારો થવાને કારણે ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
શું ફ્લાઈડના ભાડા પર લોઅર અને અપર લિમિટ
ભારતમાં બે મહિનાના લોકડાઉન બાદ ગત વર્ષે 25 મેના રોજ એરલાઈન્સ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઈટના ભાડા પર લોઅર લિમિટ અને અપર લિમિટ લાગુ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાના મુસાફરો 30 જૂન સુધી ફ્રીમાં મુસાફરીનું શિડ્યુઅલ બદલી શકે છે
તેમજ સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાના મુસાફરોને મોટી રાહત આપી દીધી છે. એર ઈન્ડિયાના મુસાફરો દેશના કોઈપણ ભાગમાં જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપ્યા વગર મુસાફરીની તારીખ, ફ્લાઈટ નંબર, અને સેક્ટરમાં ફેરફાર કરી શકશે. જો કે, આ ઓફર 30 જૂન 2021 સુધીની મુસાફરી માટે ઉપલબ્ધ છે. તેના અંતર્ગત ટિકિટ ડેટમાં એક વખત ફરીથી ફેરફાર કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.