કોરોનાના સંકટની વચ્ચે ચીનમાં એક બીજા વાઈરસથી મનુષ્યને ચેપ લાગ્યો અને તેનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાંદરા દ્વારા ફેલાયેલા મંકી B વાઈરસના સંક્રમણની ઝપેટમાં આવવાથી પ્રાણીઓના એક ડૉક્ટરનું મોત નીપજ્યું છે. ચીનમાં આ વાઈરસથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયું હોવાનો પહેલો કેસ છે. આ વાઈરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે.
ગ્લોબલ ટાઈમ્સના અનુસાર, બીજિંગમાં મંકી B વાઈરસથી પ્રાણીઓના એક ડૉક્ટરના મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે. જોકે ડૉક્ટરના સંપર્કમાં આવેલા લોકો અત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 53 વર્ષીય પશુ ચિકિત્સક એક ઈન્સ્ટિટ્યૂટમાં નોન-હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યો હતો.
ડૉક્ટરે માર્ચમાં બે મૃત વાંદરા પર રિસર્ચ કર્યું હતું. ત્યાર બાદ તેનામાં ઉબકા અને ઊલટીના શરૂઆતનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, સંક્રમિત ડૉક્ટરને ઘણી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 27 મેના રોજ તેનું મૃત્યુ થઈ ગયું.
સૌથી પહેલા જાણો શું છે મંકી B વાઈરસ?
ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડૉક્ટર વીકે ભારદ્વાજ જણાવે છે કે હર્પિસ B વાઈરસ અથના મંકી વાઈરસ સામાન્ય રીતે વયસ્ક મેકાક વાંદરાથી ફેલાય છે. એ સિવાય રિસસ મેકાક, ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને સિનોમોલગસ વાંદરા અથવા લાંબી પૂંછડીવાળા મેકાકથી પણ આ વાઈરસ ફેલાય છે.
ડૉક્ટર ભારદ્વાજ જણાવે છે, તે મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે આ વાઈરસ અત્યારસુધી ભારતના વાંદરામાં નથી આવ્યો, પરંતુ જો કોઈ મનુષ્ય આ વાઈરસથી સંક્રમિત થઈ જાય છે તો તેને ન્યુરોલોજિકલ બીમારી અથવા મગજ સાથે સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.
આ રીતે વાંદરાથી મનુષ્યમાં વાઈરસ ફેલાઈ શકે છે
ડૉક્ટર ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, અત્યારે મનુષ્યમાં તેના સંક્રમણનું જોખમ ઘણું ઓછું છે, તેમ છતાં સંક્રમિત મેકાક વાંદરાઓના સંપર્કમાં આવવાથી આ વાઈરસ મનુષ્યમાં આવી શકે છે.
આ વાઈરસનાં લક્ષણ 1 મહિનાની અંદર જોવા મળે છે
ડૉક્ટર ભારદ્વાજ જણાવે છે, મનુષ્યમાં વાઈરસનાં લક્ષણ એક મહિનાની અંદર અથવા 3થી 7 દિવસમાં પણ જોવા મળે છે. એનાં લક્ષણ તમામ લોકોમાં સમાન નથી હોતાં.
સમયસર ખબર પડવાથી સારવાર થઈ શકે છે
બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, આ વાઈરસથી સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો લગભગ 70 ટકા દર્દીઓનાં મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ વાંદરાએ બટકું ભર્યું હોય અથવા નખ માર્યા હોય તો થઈ શકે છે કે તે B વાઈરસનું કેરિયર હોય. આવી સ્થિતિમાં તરત પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઈએ. ઈજાવાળી જગ્યાને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરી લો.
કમિશનના રિપોર્ટ અનુસાર, મંકી B વાઈરસની સારવાર માટે એન્ટી-વાઇરલ દવાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ હજી સુધી કોઈ વેક્સિન નથી બની.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.