શિયાળામાં સ્વસ્થ રહેવું એ એક મોટો પડકાર છે. શિયાળામાં શરીરની જરૂરિયાતોમાં પણ ફેરફાર આવી જાય છે. ન્યૂટ્રિયન્ટની જરૂરિયાતોમાં પણ ફેરફાર આવે છે. શરીરને તેની જરૂરિયાતના હિસાબથી ન્યૂટ્રિએન્ટ ન મળે તો શરીરમાં ન્યૂટ્રિશન ઈમ્બેલેન્સ એટલે કે પોષક તત્ત્વોનું અસંતુલન થઈ શકે છે, જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
આ સિઝનમાં આપણા શરીરને ફાઈબરની જરૂરિયાત સામાન્ય દિવસોની તુલનામાં વધારે હોય છે. ફાઈબર એ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે જે લીલાં પાંદડાંવાળાં શાકભાજીમાં જોવા મળે છે. ભોપાલનાં ડાયટિશિયન ડૉ. નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, જો તમે ફાઈબરયુક્ત ડાયટ લઈ રહ્યા છો તો એવરેજથી ઓછી કેલરી બર્ન થશે. જો શરીરમાં સરેરાશ કરતાં ઓછી કેલરી બર્ન થઈ રહી છે તો તેનો અર્થ એ થયો કે તમારી એનર્જી સ્ટોર થઈ રહી છે. જેના કારણે તમે વધારે એક્ટિવ રહેશો અને તમારી ઈમ્યુનિટી સિસ્ટમ વધારે મજબૂત રહેશે.
બે પ્રકારના ફાઈબર હોય છે
ફાઈબર બે પ્રકારના હોય છે, એક સોલ્યુબલ અને બીજું ઇનસોલ્યુબલ
1. સોલ્યુબલ ફાઈબર તે હોય છે જેને આપણે સરળતાથી પચાવી શકીએ છીએ, જેમ કે- સફરજન અને જામફળ.
2. ઇનસોલ્યુબલ ફાઈબર તે હોય છે, જેને આપણે ચાવીએ છીએ પરંતુ ત્યારબાદ પણ તે રેસાના રૂપમાં રહી જાય છે જેમ કે- શક્કરિયાં.
ડાયટમાં ફાઈબર સામેલ કરવાના 5 ફાયદા
1. વજન ઘટાડવામાં મદદગાર
આપણું શરીર ફાઈબરને ડાઈજેસ્ટ નથી કરતું, પરંતુ તે આપણાં આંતરડાંમાં લાંબા સમય સુધી રહે છે. તે આપણા પેટને વધારે સમય સુધી ભરેલું રાખે છે અને તે દરમિયાન આપણું શરીર ઓછી કેલરી બર્ન કરે છે. જેના કારણે આપણને વધારે ભૂખ નથી લાગતી અથવા આપણે જરૂર કરતા વધારે નથી ખાતા.
આ જ કારણ છે કે વેઇટ લોસ કરનારા ડૉક્ટર્સ અને ડાયટિશિયન લીલાં પાંદડાંવાળાં શાકભાજી અને સલાડ ખાવાની સલાહ આપે છે. તમે તમારા ડાયટમાં ફાઈબરયુક્ત ફ્રૂટ અને શાકભાજીને સામેલ કરી શકો છો. તે વજન ઘટાડવામાં તમારી મદદ કરશે.
2. હૃદય માટે ફાયદાકારક
જો શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર વધારે હોય તો તે હાર્ટ માટે જોખમી છે. તેના કારણે હૃદય સંબંધિત ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. ફાઈબરયુક્ત ડાયટ લેવાથી કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રહેશે. સ્ટડીમાં જોવા મળ્યું છે કે, હાઈ ફાઈબરવાળી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી ન માત્ર હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થશે, પરંતુ હાર્ટ વધુ મજબૂત થશે.
3. બ્લડ પ્રેશર અને સુગર માટે અસરકારક
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. તેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. ફાઈબરથી ભરપૂર ફૂડ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકે છે. ન માત્ર તેનાથી બ્લડ પ્રેશર પરંતુ બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.
4. કબજિયાતની સમસ્યાથી છૂટકારો
ડાયટમાં વધારે ફાઈબર સામેલ કરવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. તે કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે. ડૉ. નિધિ કહે છે કે, ફાઈબર આપણા શરીરમાં બ્રશનું કામ કરે છે. તેનો રોલ છે કે શરીરમાં બધા ટોક્સિનને ઘટાડવાનું.
5. કેન્સરનું જોખમ ઘટાડે છે
સ્ટડીમાં એ વાત સામે આવી કે, ફાઈબરને ડાયટમાં સામેલ કરવાથી કોલેસ્ટેરોલ, કેન્સરનું જોખમ ઘટી જાય છે. ફાઈબર વધારે હોય તેવા મોટાભાગના ફ્રૂટ્સ અને શાકભાજી એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયટોકેમિકલથી ભરપૂર હોય છે, જે કેન્સરના જોખમને 30થી 40% સુધી ઘટાડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.