સરકારના જણાવ્યા પ્રમાણે, હવે નેશનલ હાઈવે પર 89% ટોલ ટેક્સ ફાસ્ટેગ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2020માં ફાસ્ટેગ દ્વારા 2,303.79 કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન થયું હતું. જે ડિસેમ્બર 2019માં 201 કરોડ રૂપિયા કલેક્શન કરતા 11 ગણું વધારે છે.
17 ફેબ્રુઆરીએ ફાસ્ટેગ દ્વારા 95 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ
NHAIના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 17 ફેબ્રુઆરીએ ફાસ્ટેગથી લગભગ 60 લાખ ચૂકવણી થઈ અને તેના દ્વારા 95 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા. અધિકારીઓના અનુસાર છેલ્લા 2 દિવસમાં જ લગભગ 2.5 લાખ ફાસ્ટેગ વેચાયા છે.
1 માર્ચ સુધી ફ્રીમાં ફાસ્ટેગ મળશે
NHAIએ લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા 1 માર્ચ સુધી ફ્રી ફાસ્ટેગ વહેંચવાનો નિર્ણય કર્યો છે. આ ફાસ્ટેગ તમે નેશનલ હાઈવે પર આવતા ટોલ પ્લાઝા પરથી લઈ શકો છો. આમ તો તમારે તેના માટે 100 રૂપિયા આપવાના હોય છે.
15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત
15 ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ટૂ વ્હિલર વાહનો સિવાય તમામ પ્રકારના વાહનોમાં ફાસ્ટેગ લગાવવો પડશે. જો વાહનમાં ફાસ્ટેગ નહીં લગાવવામાં આવે તો ડ્રાઈવર/માલિકને ટોલ પ્લાઝા પાર કરવા માટે ડબલ ટોલ ટેક્સ અથવા દંડ આપવો પડશે.
દેશમાં આ સમયે 2.54 કરોડથી વધારે ફાસ્ટેગ યુઝર
દેશમાં આ સમયે 2.54 કરોડથી વધારે ફાસ્ટેગ યુઝર છે. ફાસ્ટેગની શરૂઆત 2014માં થઈ હતી. તે ટોલ પ્લાઝા પર ઈલેક્ટ્રોનિક રીતે ચૂકવણી કરવાની સુવિધા છે.
ફાસ્ટેગ શું છે?
ફાસ્ટેગ એક પ્રકારનો ટેગ અથવા સ્ટિકર હોય છે. તે વાહનની વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન અથવા RFID ટેક્નિક પર કામ કરે છે. આ ટેક્નિક દ્વારા ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા સ્ટિકરનો બાર-કોડ સ્કેન કરે છે અને ટોલ ફી આપમેળે ફાસ્ટેગના વોલેટમાંથી કટ થઈ જાય છે. ફાસ્ટેગના ઉપયોગથી વાહન ચાલકોને ટોલ ટેક્સની ચૂકવણી કરવા માટે વધારે ઊભા નથી રહેવું પડતું. ટોલ પ્લાઝા પર લાગતા સમયમાં ઘટાડો અને મુસાફરીને સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.