• Gujarati News
 • Utility
 • Exercising In A Closed Room Will Mix Poisonous Gas In The Blood, Do Not Put Your Life In Danger And Take These Precautions

ઊંઘમાં શ્વાસ રુંધાતા જીવ ગુમાવ્યો:બંધ રુમમાં તાપણું કરવાથી લોહીમાં ભળશે ઝેરીલો ગેસ, જીવને જોખમમાં ન મૂકશો ને આ સાવચેતીઓ જરુર રાખજો

14 દિવસ પહેલા

કિસ્સો-1
પંજાબનાં સંગરુર જિલ્લામાં 5 મજૂરો રુમમાં તાપણું કરીને સૂઈ રહ્યા હતા. ઊંઘમાં જ શ્વાસ રુંધાવવાના કારણે 4 લોકોનું નિધન થયું. એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

કિસ્સો-2
વારાણસીમાં એક પરિવાર લોખંડની કડાઈમાં લાકડા અને કોલસા નાખીને તાપણું કરીને તાપ તાપી રહ્યા હતા. તે બધાને ઊંઘ આવી ગઈ. સવારે 8 વાગ્યે જ્યારે પાડોશીએ દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઈ જ અવાજ આવ્યો નહી. દરવાજો તોડીને અંદર ગયા તો ખ્યાલ પડ્યો કે, તાપણાનાં ધુમાડાનાં કારણે 3 લોકો બેભાન પડ્યા હતા અને તેઓનાં નાના પુત્રનો તો જીવ જ ચાલ્યો ગયો.

કિસ્સો-3
રાજસ્થાનનાં ચુરુ જિલ્લાનાં રતનગઢમાં ઠંડીથી બચવા માટે રુમમાં સગડી ચાલુ રાખીને સૂતા પરિવારનાં 3 લોકોનું નિધન થયું. 3 મહિનાના એક માસૂમની હાલત હજુ પણ ગંભીર છે. બિકાનેરમાં પણ આવી જ એક ઘટનામાં પતિ-પત્નીનું નિધન થયું.

આ તો હાલ છેલ્લા થોડા સમયમાં બનેલા તાજા કિસ્સાઓ છે. જો કે, દર વર્ષે ઠંડીમાં આ પ્રકારનાં સમાચાર આખા દેશમાંથી મળી રહે છે. ઠંડીની ઋતુમાં તાપણું કરવું, સગડી કે હીટર શરુ રાખીને સૂવુ એ એકદમ સામાન્ય છે કારણ કે, આ સમયે શરીરને ભરપૂર ગરમીની જરુર પડે છે પણ જો આ સમયે બેદરકારી દાખવવામાં આવે તો તમારો અને તમારા પરિવારનો જીવ જોખમમાં મુકાઈ શકે અને તમારો શ્વાસ પણ રુંધાઈ શકે.

આજે કામના સમાચારમાં તાપણા અને સિગડીની વાત કરીએ, જાણીએ કે કઈ પ્રકારની બેદરકારી આ બંનેને તમારા માટે જીવલેણ બનાવી શકે

પ્રશ્ન- તાપણાનાં કારણે કઈ-કઈ સમસ્યાઓ થઈ શકે?
જવાબ-
તેના કારણે 6 પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે
1. ઓક્સિજનની ઉણપ
2. શ્વાસની બીમારી
3. સ્કિનની સમસ્યા
4. માથાનો દુખાવો
5. આંખોને નુકશાન
6. બાળકો અને પાલતુ પ્રાણીઓના જીવનું જોખમ

પ્રશ્ન- હીટર, બ્લોઅર કે તાપણામાં શું સૌથી વધુ નુકશાનકારક સાબિત થશે?
જવાબ-
ઠંડીની ઋતુ આવે તે પહેલા લોકો સામાન્ય રીતે આ પ્રશ્ન અવારનવાર પૂછે છે. જો કે, એ વાત મહત્વની નથી કે કઈ વસ્તુ ઓછુ નુકશાન પહોંચાડે અને કઈ વસ્તુ વધુ નુકશાન પહોંચાડે. સમજવાની વાત એ છે કે, જે જગ્યાએ તમે આ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છો ત્યાં વેન્ટિલેશનની કોઈ સુવિધા છે કે નહી. જો નથી તો આ ત્રણેય તમારા માટે એકસમાન નુકશાનકારક સાબિત થઈ શકે છે.

પ્રશ્ન- તાપણાનો ધુમાડો તમારી આંખોને કઈ રીતે નુકશાન પહોંચાડી શકે?
જવાબ-
આંખોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તેની ભીનાશ ખૂબ જ મહત્વની છે પણ તાપણાનાં કારણે હવાનો ભેજ શુષ્ક બની જાય છે, જેના કારણે આંખો પણ શુષ્ક બને છે. આ સમયે આંખોનાં સંક્રમણની સંભાવનાઓ પણ એકાએક વધી જાય છે. તે સિવાય કોન્ટેક્ટ લેસ કે ચશ્મા પહેરતાં લોકોની આંખોને પણ તેનાથી એલર્જી કે અન્ય કોઈ સમસ્યા થઈ શકે.

પ્રશ્ન - જો તાપણાનાં ધુમાડાનાં કારણે શરીરમાં ઓક્સિજનની અવર-જવર બંધ થઈ જાય તો શું કરવું?
જવાબ-
ઓક્સિજનની અવર-જવર બંધ થતા વ્યક્તિનો શ્વાસ રુંધાવા લાગે. શ્વાસ રુંધાતા હૃદય, મગજ અને શરીરનાં બીજા ભાગોમાં ઓક્સિજનની અવર-જવર ઘટી જાય છે. જ્યારે હૃદયમાં લોહીની સપ્લાય થાય છે ત્યારે બીજા ટિશ્યૂ યોગ્ય માત્રામાં બ્લડ પંપ કરવામાં અસમર્થ છે. તેના કારણે કાર્ડિયાક અરેસ્ટ થાય છે. આ સ્થિતિમાં દર્દીને રાહ જોયા વગર તુરંત ટ્રિટમેન્ટ આપવી પડે.

પ્રશ્ન- જો તમે કોઈ જગ્યાએ બંધ થઈ જાવ અને તાપણું શરુ હોય, તેનાથી તકલીફ થવા પર શું કરવું જોઈએ?
જવાબ-
શ્વાસ રુંધાતો હોય એવું લાગે એટલે તુરંત જ તે જગ્યાએથી બહાર નીકળી જવું. એમ ન વિચારવું કે, થોડા સમયમાં જ બધુ સામાન્ય થઈ જશે. આ પ્રકારની ઘટના ઘટતા જ લોકો એકાએક ગભરાઈ જાય છે. આ સમયે ગભરાટમાં શ્વસનક્રિયા અને હૃદયનાં ધબકારા ઝડપથી વધે છે. શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે, આને કારણે વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે. આ સ્થિતિ જોખમી છે. આ સ્થિતિમાં તમારે તે જગ્યા છોડીને ખુલ્લી હવામાં જવું જોઈએ. જો વધારે તકલીફ થાય તો તુરંત જ ડૉક્ટરને મળો.

પ્રશ્ન- શ્વાસ રુંધાવવાનાં લક્ષણોને કેવી રીતે ઓળખી શકો?
જવાબ-
જો તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યા મોનોક્સાઈડનું પ્રમાણ વધુ છે તો તમે નીચે મુજબનાં અમુક લક્ષણો મહેસૂસ કરી શકો છો.

 • આંખોમાં બળતરા
 • શ્વાસ લેવામાં તકલીફ
 • ચકકર આવવા
 • ઊલ્ટી થવી
 • માથાનો દુખાવો થવો

પ્રશ્ન- કોણે-કોણે તાપણાની એકદમ નજીક ન બેસવું જોઈએ?
જવાબ-
આ લોકોએ તાપણાની એકદમ નજીક ન બેસવું જોઈએ

 • અસ્થમાનાં દર્દી
 • બ્રોન્કાઈટિસનાં દર્દી
 • વૃદ્ધ લોકો
 • સાયનસનાં દર્દીઓ
 • સ્કિન એલર્જીથી પીડાતા લોકો
 • નાના બાળકો

પ્રશ્ન- હું ગેસ ગીઝર ઘરમાં લગાવવાનું વિચારી રહ્યો છું, તેમાંથી પણ કાર્બન મોનોક્સાઈડ ગેસ બહાર નીકળે છે, તો આ સમયે કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ?
જવાબ-
વીજળીનું બિલ ઓછુ કરવા માટે મોટાભાગનાં લોકો ગેસ ગીઝરને પ્રાધાન્ય આપી રહ્યા છે. જો કે, આ ગીઝર તમારા વીજળીનું બિલ તો બચાવી દેશે પણ તમારા જીવને જરુર જોખમમાં મુકશે. આ માટે...

 • ગીઝર અને ગેસ સિલિન્ડર બાથરુમની બહાર જ રાખવા
 • બાથરુમનાં દરવાજા બંધ કરીને પહેલાં ડોલમાં ગરમ પાણી ભરી લો
 • બાથરુમમાં હવાની અવર-જવર થાય તેનું ખાસ ધ્યાન રાખવું એટલે કે વેન્ટિલેશનની સુવિધા રાખવી

પ્રશ્ન- ગેસ ગીઝરનાં કારણે જીવનું જોખમ કેવી રીતે રહે છે?
જવાબ-
પહેલા તો એ સમજી લો કે, ગેસ ગીઝર કેવી રીતે કામ કરે છે? - તે LPGથી ચાલે છે. LPGમાં બ્યૂટેન અને પ્રોપેન બંને સામેલ હોય છે, જે સળગ્યા પછી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત કરે છે. જ્યારે બાથરુમ નાનુ હોય અને હવાની અવરજવર માટે એક્ઝોસ્ટ ફેન કે કોઈ બારી ન હોય તો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે.

તેના કારણે ઘૂટણ અને છાતીમાં દુખાવો અને ચકકર આવવા જેવી સમસ્યાઓ થાય છે. માથામાં પણ દુખાવો થાય છે અને હાથ-પગની હલનચલન પણ ઓછી થઈ જાય છે. પરિણામે નાહતા સમયે વ્યક્તિ પોતાની જાતને સંભાળી શકતો નથી અને બેભાન થઈ જાય છે. એવી સ્થિતિમાં શ્વાસ રુંધાવાનાં કારણે અનેક લોકો મૃત્યુ પામે છે.

ગેસ ગીઝર જીવ માટે કેવી રીતે ખતરો બની શકે છે, ચાલો જાણીએ

 • કાર્બન ડાયોક્સાઈડ શરીરમાં પ્રવેશતાં વ્યક્તિ બેભાન થઈ જાય છે.
 • તેનું મગજ કોમાની સ્થિતિમાં ચાલ્યુ જાય છે.
 • તે દરવાજો ખોલીને બહાર આવવાની સ્થિતિમાં પણ રહેતું નથી.
 • તેના કારણે બાથરુમની અંદર જ તેનો શ્વાસ રુંધાઈ જાય છે.
 • કાર્બન મોનોક્સાઈડ શરીરમાં ઓક્સિજન પહોંચાડતા રેડ બ્લડ સેલ્સ પર હુમલો કરે છે.
 • જ્યારે કોઈ શ્વાસ લે છે ત્યારે હવામાં હાજર ઓક્સિજન હિમોગ્લોબીન સાથે ભળી જાય છે.
 • હીમોગ્લોબીનની મદદથી ઓક્સિજન ફેક્સામાંથી પસાર થઈને શરીરનાં અન્ય ભાગો સુધી પહોંચે છે. કાર્બન મોનોક્સાઈડ સૂંઘવાનાં કારણે હીમોગ્લોબિન મોલિક્યૂલ બ્લોક થઈ જાય છે.
 • શરીરનું ઓક્સિજન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અસરગ્રસ્ત થઈ શકે છે.
 • તેના કારણે માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગભરાહટ, વિચારવાની ક્ષમતા પર અસર પડવી, હાથો અને આંખોનાં કો-ઓર્ડિનેશનમાં ગડબડી થવી, કાર્ડિયેક અને રેસ્પિરેટરી ફેલ્યોર થવું.

જાણવા જેવું
કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ વચ્ચેનું અંતર સમજી લો
કાર્બન મોનોક્સાઈડ ગેસ, તેલ, કોલસો કે લાકડા જેવા ઈંધણ પૂરી રીતે ન સળગવા પર બહાર નીકળે છે જ્યારે કાર્બન ડાયોક્સાઈડ બંધ રુમમાં તાપણુ કરવામાં આવે ને જ્યારે તે ઓલવાઈ જાય તે સમયે બહાર નીકળે છે.