કોરોનાની બીજી લહેરના કારણે દેશમાં એક વખત ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. તેની અસર લોકોની આવક પર થઈ છે અને લોકોને પૈસા સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવનાર દિવસોમાં આ સમસ્યા વધુ વિકટ બની શકે છે. આ મુશ્કેલીનો સામનો કરવા માટે તમે તેની તૈયારી પહેલાથી કરી લો. જેથી ભવિષ્યમાં પૈસાની તંગીનો સામનો કરી શકાય. અમે તમને જણાવી રહ્યા છીએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારે શું કરવું જોઈએ.
ઈમર્જન્સી ફંડ તૈયાર કરવું
જો કોઈ કારણસર તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારા ઘર ખર્ચ માટે ઓછામાં ઓછા 3 મહિના માટે જરૂરી રકમ એક ઈમર્જન્સી ફંડમાં રાખવી જોઈએ. આ ફંડ તમારા બેંકના સેવિંગ અકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડમાં બનાવી શકો છો. આ ફંડનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ કરવો.
લાઈફ અને હેલ્થ ઈન્શ્યોરન્સ જરૂરી છે
મેડિકલ ઈન્શ્યોરન્સ તમને સમય પર પર્યાપ્ત મદદ પ્રદાન કરે છે. આર્થિક સંકટના સમયગાળામાં જો તમે અથવા તમારા પરિવારને કોઈ મેડિકલ ઈમર્જન્સીનો સામનો કરવો પડે છે તો તમે હેલ્થ પોલિસીની મદદથી ઈમર્જન્સીનો સામનો સરળતાથી કરી શકશો. જો તમારી પાસે હેલ્થ પોલિસી નહીં હોય તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તેમજ જો તમને કંઈક થઈ જાય છે તો લાઈફ ઈન્શ્યોરન્સ તમારા પરિવારને નાણાકીય સુરક્ષા આપશે.
ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું
કોરોના ક્રાઈસિસમાં આપણે બિનજરૂરી ખર્ચાઓ બંધ કરવાનું શીખવું પડશે. તેના માટે તમે બહારના ખાવાની ફ્રીક્વન્સી ઘટાડી શકો છો અને રજાઓમાં તમારા ખર્ચને ઘટાડી શકો છો. તે સિવાય ફિલ્મ જોવા, શોપિંગ જેવા ઘણા કામ જે તમે રોજિંદા જીવનમાં કરતા હતા, તેને થોડા સમય માટે ટાળી દો. તેનાથી તમારા પૈસા બચી શકે છે જે ભવિષ્યમાં આ પ્રકારના કોઈપણ સંકટનો સામનો કરવામાં મદદ કરશે.
બિનજરૂરી લોન લેવાનું ટાળવું
આ ખરાબ સમયમાં કારણ વગર અથવા વધારે વ્યાજ પર લોન લેવાથી તમે દેવામાં ડૂબી શકો છો. કોરોનાકાળમાં ઘણા લોકો તેમના ક્રેડિટ કાર્ડનું બિલ નથી ભરી શક્યા અને ન તો પોતાના પર્સનલ લોનના હપ્તા જમા કરી શક્યા છે. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થાય છે અને વ્યાજ પણ વધે છે. તેથી ભવિષ્યમાં કોરોના જેવી સમસ્યામાં આર્થિક સમસ્યાથી બચવા માટે વધારે વ્યાજ પર નકામી લોન લેવાથી બચવું.
એક જ જગ્યાએ બધા પૈસાનું રોકાણ ન કરવું
ક્યારે પણ તમારા બધા પૈસાનું રોકાણ એક જ જગ્યાએ ન કરવું જોઈએ. તમારે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા રાખવી જોઈએ, કેમ કે, જરૂરી નથી તમે જ્યાં પૈસાનું રોકાણ કર્યું છે તે તમને રિટર્ન આપે. ધારો કે તમે બે જગ્યાએ 100-100 રૂપિયાનું રોકાણ કરો છો. પહેલી જગ્યાએથી તમને 10 ટકાનું રિટર્ન મળે અને બીજી જગ્યાએથી 5 ટકાનું નુકસાન થાય. ત્યારે આવી સ્થિતિમાં તમે ફાયદામાં રહેશો. તેમજ તમને 10 ટકાનું નુકસાન અને બીજી જગ્યાએથી 5 ટકાનો ફાયદો થયો. ત્યારે આવી સ્થિતિમાં પણ બીજી જગ્યાએથી થયેલા ફાયદાથી તમને ઓછું નુકસાન થશે.
ખર્ચાઓ માટે બજેટ તૈયાર કરીને તેનું પાલન કરો
કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવા માટે નાણાકીય શિસ્ત જરૂરી છે. નાણાકીય શિસ્ત માટે તમારે તમારા માસિક ખર્ચાઓ માટે એક બજેટ તૈયાર કરવું જોઈએ અને મહિનાનાં અંતમાં વાસ્તવિક ખર્ચાઓની સાથે બજેટની તુલના કરવી જોઈએ. આ તુલના તમને અહેસાસ કરાવશે કે તમે તે મહિનામાં કેટલા બિનજરૂરી ખર્ચા કર્યા છે. તેનાથી તમે તમારા વ્યર્થ ખર્ચાને કંટ્રોલ કરી શકશો. તેનાથી તમને બચત કરવામાં મદદ મળશે.
પાર્ટનરને તમારા રોકાણની જાણકારી આપો
જ્યાં પણ અને જેટલું તમે રોકાણ કરી રાખ્યું છે તેની જાણકારી તમારા જીવનસાથીને આપો. જેથી તેઓ ખરાબ સમયમાં તેનો ઉપયોગ કરી શકે. જો તમે તમારા જીવનસાથીને તમારા રોકાણ અથવા સંપત્તિ વિશે જાણકારી નથી આપતા અને તમને કંઈક થઈ જાય છે તો તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં અને તમારું રોકાણ કોઈ કામમાં આવશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.