• Gujarati News
 • Utility
 • Don't Even Forget To Drink Raw Milk Otherwise You Will Fall Ill, Know How To Avoid It?

ગાય-ભેંસમાં ફેલાઈ રહ્યો છે લમ્પી વાઈરસ:ભૂલીને પણ ન પીશો કાચું દૂધ નહીં તો પડી જશો બીમાર, જાણો તેનાથી કેવી રીતે બચવું?

21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતમાં ગાય એ ઘણા સામાન્ય લોકો માટે આજીવિકાનું સાધન છે. જો સાંજે બે-ચાર ગાયો સમયસર ઘરે ન આવે તો લોકો તેમને શોધવા નીકળી પડે છે, પરંતુ રાજસ્થાનમાં 75 હજાર જેટલી ગાયો અને વાછરડાંના મોત લમ્પી વાઈરસના કારણે થઈ ચૂક્યા છે. સરકારી આંકડા મુજબ 43 હજાર છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ ગાયોમાં આ લમ્પી વાઈરસ ફેલાઇ રહ્યો છે. તેના કારણે દૂધ અને દહીંની કમી રહે છે. આ બધાની વચ્ચે પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું લમ્પી વાઈરસથી સંક્રમિત ગાયના દૂધમાં પણ સંક્રમણ છે, જે મનુષ્યના શરીરમાં જઈને તેમને બીમાર પણ કરી શકે છે?

આવો જાણીએ આવું છે કે નહીં...
આજે આપણા નિષ્ણાતોમાં કર્ણાટકના મુખ્ય પશુચિકિત્સા અધિકારી ડૉ. પ્રદીપકુમાર એન. કે., ઉદયપુરના ચીફ વેટરનરી ઓફિસર ડૉ. ઓમ સાહુ, માઈક્રોબાયોલોજી એન્ડ ઈન્ફેક્શન કન્ટ્રોલ વિભાગના કન્સલ્ટન્ટ હેડ ડૉ. ગીતાલી ભગવતી અને વેટરનરી ડોક્ટર ડૉ. એલ.એમ.જોશીનો સમાવેશ થાય છે.

પ્રશ્ન: લમ્પી વાયરસ શું છે, જેના કારણે ગાયો મરી રહી છે?
જવાબ: ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન (GAVI) મુજબ ગાય અને ભેંસોમાં લમ્પી વાઈરસ એક બીમારી છે. આ એક પ્રકારની ત્વચાની બીમારી છે, જે વાઈરસથી થાય છે. તેને Capripoxvirus તરીકે પણ ઓળખવામાં આવે છે.

માઇક્રોબાયોલોજી એન્ડ ઈન્ફેક્શન કન્ટ્રોલ વિભાગના કન્સલ્ટન્ટ હેડ ડૉ. ગીતાલી ભગવતીની વાત પર પણ ધ્યાન આપો
ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલાઈઝેશનના કારણે વાઈરસ પોતાની વર્તણૂક બદલી શકે છે. ભવિષ્યમાં આ વાઈરસ મનુષ્યમાં ફેલાઈ શકે છે. તેથી, તમારે સજાગ અને સાવચેત રહેવાની જરૂર છે.

જો તમે લમ્પી વાઈરસથી સંક્રમિત ગાય અને ભેંસનું દૂધ દોહી રહ્યા છો તો તમારી જાતને બચાવવા માટે આ ઉપાયો કરો

 • માસ્ક પહેરીને દૂધ કાઢી દોહવા બેસો.
 • હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
 • દૂધ દોહ્યા પછી હાથને સેનિટાઇઝ કરો.
 • દૂધ દોહ્યા પહેલા તમારા હાથ સાફ કરો.
 • દૂધ દોહતી વખતે તમારા હાથમાં મોજા પહેરો.

પ્રશ્ન: સામાન્ય માણસને ખબર નથી હોતી કે, તે જે દૂધ પી રહ્યો છે તે સંક્રમિત છે કે નહીં. આવી સ્થિતિમાં, તે બીમાર ન પડવા માટે કયા પગલાં લઈ શકે છે?
જવાબ: પશુચિકિત્સક ડૉ. એલ.એમ.જોશીના જણાવ્યા મુજબ દૂધને કમ સે કમ 15 મિનિટ સુધી સારી રીતે ઉકાળવું જોઈએ, જેથી તેમાં રહેલા બેક્ટેરિયાને ઘણી હદ સુધી દૂર કરી શકાય. આ સાથે જ કર્ણાટકના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર પ્રદીપ કુમાર એનનું કહેવું છે કે, કોઈપણ સંજોગોમાં કાચુ દૂધ ન પીશો, ન તો બાળકોને ખવડાવશો.

પ્રશ્ન: ગાય અને ભેંસનું દૂધ સંક્રમિત કેવી રીતે થાય છે?
જવાબ: ડૉક્ટર પ્રદીપ કુમાર એનના જણાવ્યા મુજબ બ્રુસેલા અને સાલ્મોનેલા બીમારીના કારણે ગાય અને ભેંસને ચેપ લાગે છે એટલે કે જે પ્રાણીઓને આ બીમારી છે તેમનું દૂધ પણ સંક્રમિત થશે.

પ્રશ્ન: ગાય-ભેંસનું સંક્રમિત દૂધ પીવાથી મનુષ્યને કઈ-કઈ બીમારીઓ થઈ શકે છે?
જવાબ:
આ છ બીમારીઓ થઈ શકે છે...

 • બ્રુસેલોસિસ
 • ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી
 • ક્લાસ્ટ્રિડિયલ ચેપ
 • બોટુલિઝમ
 • ક્રિપ્ટોસ્પોરિડિઓસિસ
 • કેમ્પીલો બેક્ટેરિયોસિસ

ડૉ. એલ.એમ.જોશી કહે છે કે, દૂધ દોહતા પશુને ટીબીની બીમારી હોય તો તેનો વાઈરસ દૂધમાં આવી શકે છે. તેને પીધા બાદ વ્યક્તિ બીમાર પણ પડી શકે છે. આ સાથે જો ગાય કે ભેંસના આંચળમાંથી દૂધ કાઢતા પહેલા ગંદા પાણીમાં સ્નાન કર્યું હોય તો તે ગંદકીના બેક્ટેરિયા પણ દૂધમાં આવી શકે છે.

પ્રશ્ન: દૂધને ઉકાળવાથી બેક્ટેરિયા અને વાઈરસ ઘણી હદ સુધી ખતમ થઈ જાય છે, પરંતુ એવી કઈ વસ્તુ છે જે તેનાથી ખતમ નથી થતી?
જવાબ: કેમિકલ. હા, દૂધવાળાએ એમાં કેમિકલ નાખ્યું હશે તો એ ઉકાળ્યા પછી પણ ખતમ નહીં થાય. તેથી પ્રયાસ કરો કે, જ્યાં રાસાયણિક દૂધ મળવાની સંભાવના અથવા ચર્ચા હોય તેવી દુકાનો અથવા સ્થળોએથી દૂધ ન લો.

પ્રશ્ન: ગાય-ભેંસના કારણે થતા લમ્પી વાઈરસની શું સારવાર થાય છે?
જવાબ: આ માટે એન્ટીવાઈરલ દવા ઉપલબ્ધ નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ તેને ફેલાતો અટકાવવાનો એકમાત્ર રસ્તો ચેપગ્રસ્ત ગાયો અને ભેંસોને ઓછામાં ઓછા 28 દિવસ માટે અલગ રાખવાનો છે. આ સમય દરમિયાન તેમના લક્ષણોની સારવાર ચાલુ રાખવી જોઈએ.

પ્રશ્ન: દેશમાં લમ્પી વાઈરસને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે?
જવાબ: ગોટ પોક્સની રસી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડે ગોટ પોક્સ રસીના 28 લાખ ડોઝ ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં મોકલ્યા છે, જેથી લમ્પીથી બચી શકાય. કેન્દ્ર સરકારે લમ્પી માટે લમ્પી-પ્રોવાક આઈએનડી નામની નવી સ્વદેશી વેકસિન શરૂ કરી છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)ના હિસાર અને બરેલી એકમોએ વિકસાવ્યું છે.

જાણવા જેવું
કેવી રીતે જાણશો કે તમારી ગાય કે ભેંસને લમ્પી વાઈરસનો ચેપ લાગ્યો છે?

 • લક્ષણો શોધી શકાય છે, જેમ કે-
 • ગાય અથવા ભેંસને ખૂબ જ તાવ અને શરીર પર ગઠ્ઠો થઈ જાય.
 • આ વાઈરસ બીમાર ગાય કે ભેંસમાં વંધ્યત્વની સમસ્યા પેદા કરી શકે છે.
 • ઝડપથી વજન ઘટી શકે છે અને તેમની દૂધ આપવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

જે ગાય કે ભેંસને ચેપ લાગે છે તેમાં લક્ષણો કેવી રીતે દેખાય છે તે સમજો-

 • ચેપ લાગ્યા પછી લક્ષણો દેખાવામાં 4-7 દિવસનો સમય લાગે છે. શરૂઆતમાં ગાય કે ભેંસોનું નાક વહેવા લાગે છે, આંખોમાંથી પાણી વહેવા લાગે છે અને મોઢામાંથી લાળ પડવા લાગે છે.
 • તીવ્ર તાવ આવે છે, જે લગભગ એક અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.
 • તેના શરીર પર 10-50 મિમીના ગોળાકાર ગઠ્ઠા નીકળે છે. શરીરમાં સોજો પણ આવે છે.
 • ખાવાનું બંધ કરે છે, કારણ કે તેને ચાવવાની અને ગળવામાં તકલીફ થવા લાગે છે. તેનાથી દૂધનું ઉત્પાદન ઘટે છે.
 • જે ગાયો વધુ દૂધ આપે છે તેમને ગઠ્ઠા પડવાનું જોખમ વધારે હોય છે, કારણ કે તેમની શારીરિક અને માનસિક શક્તિ દૂધ ઉત્પાદનમાં રોકાયેલી હોય છે, જે તેમને નબળા બનાવે છે.
 • ઘણી વખત ગઠ્ઠાથી સંક્રમિત ગાયોની એક અથવા બંને આંખમાં ઊંડા ઘા હોય છે, જેના કારણે તેઓ અંધ બની જવાનું જોખમ ધરાવે છે.
 • પ્રાણીઓમાં વંધ્યત્વ અને ગર્ભપાતની સમસ્યા છે. પ્રાણી ખૂબ જ નબળું પડી જાય છે.
 • આ લક્ષણો 5 અઠવાડિયા સુધી રહે છે. જો સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.