બ્લડ પ્રેશર ચેક કરતાં સમયે લોકો એક હાથના રીડિંગને લઈને તેમના સ્વાસ્થ વિશે જાણકારી મેળવી લે છે, પરંતુ શું બ્લડ પ્રેશર ચેક કરવાની આ યોગ્ય રીત છે? બ્લડ પ્રેશર પર કરવામાં આવેલા એક રિસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, બંને હાથના બ્લડ પ્રેશરમાં મોટો તફાવત હોય તો તે સમય પહેલા મૃત્યુનું કારણ બની શકે છે.
બ્રિટનનાં સંશોધકોએ 230 લોકો પર એક રિસર્ચ કર્યા બાદ આ દાવો કર્યો છે કે જેમને હાઈ બ્લડ પ્રેશરની બીમારી છે અને તેમના બંને હાથના બ્લડ પ્રેશરમાં વધારે તફાવત છે તો હૃદયની બીમારી, સ્ટ્રોક અથવા અન્ય કારણોથી મૃત્યુ સમય પહેલા થઈ શકે છે.
બ્લડ પ્રેશરમાં થોડો તફાવત સામાન્ય છે
એક્સ્ટર યુનિવર્સિટીના પેનિનસુલા કોલેજ ઓફ મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી સાથે સંબંધિત ડૉક્ટર ક્લાર્ક આ રિસર્ચના મુખ્ય સંશોધક છે અને તેમનું કહેવું છે કે બંને હાથના બ્લડ પ્રેશરમાં થોડું અંતર સામાન્ય વાત છે.
સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકની વચ્ચે 10થી વધારે તફાવત જોખમકારક
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનમાં સિનિયર હાર્ટ ડિસીઝ નર્સ મોરીન ટેબલોટના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ એ વાતની પુષ્ટિ કરે છે કે બ્લડ પ્રેશર ચેક કરતા સમયે બંને હાથના બ્લડ પ્રેશરની તપાસ થવી જોઈએ. સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકની વચ્ચે 10 મિલીમીટર (mm Hg)નું અંતર સામાન્ય છે, પરંતુ 10 મિલીમીટરથી વધારેનું અંતર હૃદય સાથે સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
આ રિસર્ચના મુખ્ય સંશોધક ડૉક્ટર ક્લાર્કના જણાવ્યા પ્રમાણે, 'ડૉક્ટર જ્યારે પણ દર્દીનું બ્લડ પ્રેશર ચેક કરે તો બંને બાવડાનું કરે.'
3400 દર્દીના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી
બંને બાવડાના બ્લડ પ્રેશરમાં તફાવતને સમજવા માટે અમેરિકામાં મેસેચ્યુસેટ્સ હોસ્પિટલમાં 40 વર્ષથી વધુની ઉંમરના 3400 દર્દીઓની તપાસ કરવામાં આવી. આ એવા દર્દીઓ હતા, જેમને પહેલાથી હૃદયની બીમારીના કોઈ લક્ષણ નહોતા. તપાસમાં એક બાવડા અને બીજા બાવડામાં સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 5નું અંતર જોવા મળ્યું, પરંતુ તેમાંથી 10 ટકા લોકોમાં આ અંતર 10થી વધારે જોવા મળ્યું. આ લોકો પર 13 વર્ષ દેખરેખ રાખવામાં આવી હતી.
10થી વધારે અંતરવાળા 38 ટકા લોકોમાં હાર્ટ અટેક, હાર્ટ સ્ટ્રોક, અને હૃદયની બીમારીના લક્ષણ જોવા મળ્યા. હાઈપરટેન્શનના દર્દીઓમાં જો બંને બાવડામાં બ્લડ પ્રેશરનું અંતર 10 અથવા તેનાથી વધારે હોય તો તેમને હાર્ટ અટેકનું જોખમ રહે છે.
બાવડાની આર્ટરીમાં બ્લોકેજનો સંકેત
જો બ્લડ પ્રેશર માપતી વખતે બંને બાવડાના બ્લડ પ્રેશરમાં અંતર વધારે હોય તો તે બાવડાની આર્ટરીમાં બ્લોકેજનો સંકેત આપે છે. પેરિફેરલ આર્ટરીમાં સમસ્યા થવાથી હાર્ટ અને બ્રેનમાં બ્લોકેજની આશંકા વધી જાય છે. તેના કારણે હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.
બ્લડ પ્રેશરમાં અંતર મૃત્યુનું કારણ બની શકે છે
સાયન્સ મેગેઝિન ધ લાન્સેટમાં પબ્લિશ એક રિસર્ચમાં પણ કહેવામાં આવ્યું છે કે, જો બંને હાથના બ્લડ પ્રેશરની વચ્ચે વધારે અંતર છે તો તેનાથી નસ સંબંધિ બીમારી થઈ શકે છે. તેના કારણે મૃત્યુની આશંકા વધી જાય છે.
ઘરે બ્લડ પ્રેશર ચેક કરતી વખતે ડૉક્ટરની સલાહ ધ્યાનમાં રાખો
ડૉક્ટર ક્લાર્ક સલાહ આપે છે કે હાઈ બ્લડ પ્રેશરના એવા દર્દી, જે પોતાના ઘરે બ્લડ પ્રેશર ચેક કરે છે, તેમને પોતાના ડૉક્ટરની સલાહ માનવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.