કોરોના મહામારીની વિરુદ્ધ લડાઈ માટે આ સમયે સમગ્ર વિશ્વમાં વેક્સિન અને દવાઓને લઈને રિસર્ચ ચાલુ છે. હવે અમેરિકાએ જાહેરાત કરી છે કે તે કોવિડ-19ની દવા માટે 3.2 અબજ ડોલર એટલે કે લગભગ 23 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપશે. આ વાતની જાહેરાત સંક્રમણ બીમારીઓના ટોપના એક્સપર્ટ ડૉ. એન્થની ફૌચીએ કરી છે.
જો અમેરિકા આ દવા બનાવવામાં સફળ રહ્યું તો કોરોના વાયરસ સંક્રમણની સારવાર એકદમ સરળ થઈ જશે. એ ઉપરાંત એ કોરોના વાયરસની વિરુદ્ધ દુનિયાની પહેલી અસરકારક દવા હશે. ગત વર્ષે અમેરિકાએ 18 અબજ ડોલર કોરોનાની વેક્સિન બનાવવામાં ખર્ચ કરી દીધા હતા.
ગંભીર રીતે બીમાર થતાં પહેલાં જ વાયરસને નિષ્ક્રિય કરશે દવા
રાષ્ટ્રપતિ બાઈડનના સલાહકાર અને અમેરિકાના ટોપ સંક્રમણ રોગ નિષ્ણાત એન્થની ફૌચીએ આ યોજના માટે અબજો ડોલરના રોકાણની જાહેરાત કરી છે. આ પૈસા દ્વારા દવાઓની ક્લિનિકલ ટ્રાયલને ઝડપી કરવામાં આવશે.
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને ગંભીર રીતે બીમાર થતાં પહેલાં જ આ દવા વાયરસને નિષ્ક્રિય કરી નાખશે. જો આ ટ્રાયલ સફળ રહી તો આ વર્ષના અંત સુધી દુનિયામાં કોરોના વાયરસની પહેલી દવા સામે આવી શકે છે.
3.2 અબજ ડોલરમાંથી 50 કરોડ ડોલર રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે
ફૌચીના જણાવ્યા પ્રમાણે, 3.2 અબજ ડોલરમાંથી 50 કરોડ ડોલર રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા એક અબજ ડોલરનો પ્રી-ક્લિનિકલ ટ્રાયલ અને ક્લિનિકલ ટ્રાયલ માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 70 કરોડ ડોલરનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવશે. એ ઉપરાંત એક અબજ ડોલરનો ઉપયોગ નવા એન્ટી-વાઈરલ ડ્રગ ડિસ્કવરી સેન્ટરના નિર્માણ કરવા માટે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં હિપેટાઇટિસ B અને એઇડ્સ જેવા ઘણા વાયરસની સારવાર દવા દ્વારા કરી શકાય છે.
અત્યારસુધી કોરોના વાયરસ માટે કોઈ દવા નથી
જોકે અત્યારસુધી કોરોના વાયરસ માટે કોઈપણ પ્રકારની દવા નથી. કોરોનાનો સામનો કરવા માટે અમેરિકામાં માત્ર રેમડેસિવિર જ એકમાત્ર દવા છે. કોરોના સંક્રમિતોના દર્દીઓની સારવારમાં તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. એને પણ ઈન્જેક્શનથી આપવી પડે છે.
આ નવા કાર્યક્રમ એન્ટી-વાઇરલ પ્રોગ્રામ ફોર પેન્ડેમિક દ્વારા દવાઓના રિસર્ચ માટે ખાલી જગ્યાઓને ભરવામાં આવશે. ફૌચીએ જણાવ્યું હતું કે તેઓ એ દિવસની રાહ જુએ છે, જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય અને તે તાત્કાલિક મેડિકલ સ્ટોરમાં જઈને દવા ખરીદી શકે. દુનિયામાં આ સમયે ઘણી દવાઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે, તેમાં એક ફાઈઝરની દવા પણ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.