સરકારી ઓઈલ કંપનીઓએ ફરી એક વખત ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત વધારી દીધી છે. સબસિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ-સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 14.2 કિલો LPG સિલિન્ડર 859.50 રૂપિયાનો થઈ ગયો છે. અગાઉ 1 જુલાઈના રોજ રસોઈગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
મોટાં શહેરોમાં 14.2 કિલો LPG સિલિન્ડરની કિંમત
શહેર | કિંમત (રૂપિયામાં) |
દિલ્હી | 859.50 |
મુંબઈ | 859.50 |
કોલકાતા | 886.00 |
ચેન્નઈ | 875.50 |
અમદાવાદ | 866.50 |
આ વર્ષે 163.50 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર
વર્ષ 2021ની શરૂઆતમાં, એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા થઈ ગયો. 15 ફેબ્રુઆરીએ ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયો ત્યાર બાદ 25 ફેબ્રુઆરીના રોજ LPG સિલિન્ડરનો ભાવ 794 રૂપિયા કરી દેવામાં આવ્યો. માર્ચમાં LPG સિલિન્ડરની પ્રાઈસ 819 રૂપિયા કરવામાં આવી. એપ્રિલના શરૂઆતમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ઘરેલુ ગેસની કિંમત દિલ્હીમાં 809 રૂપિયા થઈ ગઈ હતી. એક વર્ષમાં LPG સિલિન્ડરના ભાવમાં 165.50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ડિસેમ્બરથી લઈને અત્યારસુધી લગભગ 275 રૂપિયાનો વધારો થયો છે.
1 ઓગસ્ટથી કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવ વધ્યા હતા
આ મહિનાની શરૂઆતમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયાનો વધારો થયો હતો. જોકે ત્યારે ઘરેલુ રસોઈગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં નહોતો આવ્યો.
છેલ્લાં 7 વર્ષમાં ગેસ-સિલિન્ડરની કિંમત બમણી થઈ
છેલ્લાં 7 વર્ષમાં ઘરેલુ ગેસ-સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બમણી થઈને 859.50 રૂપિયા થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી, જે હવે 859.5 રૂપિયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.