• Gujarati News
  • Utility
  • Complete These 10 Important Tasks Including Aadhaar Pan Link And Tax Saving Investment By March 31, Otherwise You Will Incur Losses.

ખાસ કામની વાત:આધાર-પાન લિંક અને ટેક્સ બચાવવા માટે રોકાણ સહિત આ 10 મહત્ત્વપૂર્ણ કામ 31 માર્ચ સુધી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવું પડશે

3 મહિનો પહેલા

નાણાકીય વર્ષ 2021-22 પૂરું થવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે. આ 3 દિવસમાં તમારે ઘણા જરૂરી કામ પતાવવાના છે. જો તમે તેને નહીં કરો તો તમારે નુકસાન વેઠવું પડી શકે છે. તેમાં બેંકિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ઘણા કામ સામેલ છે. જાણો એવા 10 કામ જે તમારે 31 માર્ચ સુધી પતાવવાના છે.

1. આધાર-પાન લિંક કરાવવું
પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો તે ઈનએક્ટિવ થઈ જશે. જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દરે TDS કટ કરશે.

2. લેટ અથવા રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવું
2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. કોઈ નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. એના માટે કરદાતાએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

રિવાઈઝ્ડ રિટર્ન ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે કોઈ ભૂલ થઈ જાય છે. બિલેટેડ ITR આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139(5) હેઠળ ફાઈલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલાં ફાઈલ કરવાનું રહે છે.

3. સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સમાંથી પ્રોફિટ બુક કરો
સ્ટોક્સ અને ઈક્વિટી ઓરિયેન્ટેડ ફંડ્સ પર 1 લાખ રૂપિયાથી વધુ લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર હવે ટેક્સ લાગે છે. જો તમે લોન્ગ ટર્મ કેપિટલગેઈન કર્યો હોય તો રૂ. 1 લાખ સુધીના લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. 31 માર્ચ પહેલાં પ્રોફિટ બુક કરો, જેથી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય.

એના માટે તમારે 31 માર્ચ પહેલાં એટલા સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સ વેચી દેવા જોઈએ, જેટલા પર 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળી જાય. પછી એ જ પૈસાને આગામી નાણાકીય વર્ષમાં ફરીથી ઈન્વેસ્ટ કરો. જોકે વેચવા અને ખરીદવાની પ્રક્રિયામાં તમારે બ્રોકરેજ હાઉસને 1% રકમ આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સને આ રકમ નહીં આપવી પડે, કેમ કે એન્ટ્રી લોડ્સ વસૂલવામાં આવતો નથી અને ફંડ્સને એક વર્ષ પછી વેચવા પર એન્ટ્રી લોડ લાગુ નથી થતો.

4. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
જો તમે ઈન્કમટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. ઈન્કમટેક્સ એક્ટની ઘણી સેક્શન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઈન્કમટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકાય છે.

5. બેંક અને ડિમેટ અકાઉન્ટનું KYC
31 માર્ચ 2022 સુધી ડિમેટ અને બેંક અકાઉન્ટધારકોને KYC અપડેટ કરવાનું રહેશે. KYC અંતર્ગત ગ્રાહકોને તેમના પાનકાર્ડ, સરનામું, જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવા માટે બેંક કહે છે. તેની સાથે જ તાજેતરનો ફોટોગ્રાફ અને અન્ય જાણકારી પણ માગવામાં આવે છે. નિયમના અનુસાર, જો તમે તમારું KYC અપડેટ નહીં હોય તો તમારું બેંક અકાઉન્ટ બંધ થઈ શકે છે.

જો તમારું ડિમેટ અકાઉન્ટનું KYC નથી તો એ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. એનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC પ્રોસેસ પૂર્ણ થયા પછી અને વેરિફાઈ થયા પછી એ થઈ શકશે.

6. PPF, NPS અને સુકન્યા અકાઉન્ટ્સમાં જમા કરો મિનિમમ અમાઉન્ટ
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં એમાં પૈસા નથી નાખ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં અમુક રકમ જરૂરથી જમા કરો. PPF અને NPSમાં પૈસા ન નાખવા પર આ અકાઉન્ટ્સ ઈનએક્ટિવ થઈ જશે. જો જરૂરી ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો એને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ ભરવો પડશે.

7. નાની બચત યોજનાઓ સાથે બેંક અકાઉન્ટ લિંક કરાવવું
જો તમે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અથવા મંથલી સ્કીમ જેવી નાની બચત યોજનાઓ ચલાવો છો, તો તમારે માર્ચ સુધીમાં આ ખાતાઓને બેંકના સેવિંગ ખાતા અથવા પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતા સાથે લિંક કરાવવું આવશ્યક છે. 1 એપ્રિલથી આ યોજનાઓના પૈસા બચત ખાતામાં જ મળશે. તમે પોસ્ટ ઓફિસમાં જઈને વ્યાજના પૈસા રોકડમાં નહીં લઈ શકો. સેવિંગ ખાતા સાથે લિંક કરાવવા પર વ્યાજના પૈસા ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર થઈ જશે.

8.PM કિસાન યોજના માટે e-kyc
જે ખેડૂતો PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેમને 31 માર્ચ સુધી KYC કરાવવું જરૂરી છે. તમે ઈચ્છો તો e-kyc પણ કરાવી શકો છો. 31 માર્ચ પછી જે ખેડૂતોએ PM કિસાન ખાતામાં KYC નથી કરાવ્યું, તેમને ભારત સરકાર તરફથી 2,000 રૂપિયા નહીં મળે.

9. ફોર્મ 12B જમા કરો
જો તમે 1 એપ્રિલ 2021 પછી નોકરી બદલી હોય તો પહેલાંની નોકરીમાં કટ કરવામાં આવેલા TDSની જાણકારી ફોર્મ 12B દ્વારા નવી કંપનીને આપો. 31 માર્ચ સુધી ફોર્મ 12B નહીં જમા કરો તો કંપની વધારે TDS કટ કરી શકે છે, જેનું નુકસાન તમને જ થશે.

10. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરો અપ્લાય
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લોકોને સસ્તા દરે ઘર ઉપલબ્ધ કરાવવા માટે ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ સુધી લઈ શકાય છે. યોજના અંતર્ગત જે લોકો પહેલી વખત ઘર ખરીદશે તેમને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. જે મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. વિવિધ આવક વર્ગને અલગ અલગ સબ્સિડી આપવામાં આવે છે.