• Gujarati News
  • Utility
  • Commercial Cylinder Rs 115.50 Cheaper, Jet Fuel Price Hike To Make Air Travel More Expensive

આજથી દેશમાં થશે આ 3 મહત્ત્વના ફેરફારો:કોમર્શિયલ સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તો, જેટ ફ્યૂલ મોંઘું થવાને કારણે મોંઘી થશે હવાઈ મુસાફરી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી, એટલે કે 1 નવેમ્બરથી દેશભરમાં 3 ફેરફાર થયા છે. હવે કોમર્શિયલ ગેસ-સિલિન્ડર 115 રૂપિયા સસ્તું થશે તો બીજી તરફ જેટનું ઈંધણ મોંઘું થઈ ગયું છે, એને કારણે વિમાનનાં ભાડામાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત GST સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આજથી પેટ્રોલના ભાવમાં 40 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ ઓઈલ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

1. કોમર્શિયલ ગેસ-સિલિન્ડર સસ્તો
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય ઊર્જાના ભાવમાં નરમાઈ સાથે જૂનથી કોમર્શિયલ LPGના ભાવમાં આ સાતમો ઘટાડો છે. એકંદરે ભાવમાં 610 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે 14.2 કિલો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. 6 જુલાઈએ તેના ભાવમાં યુનિટદીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,859 રૂપિયાથી ઘટીને 1,744 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1959.00થી ઘટીને 1,846 થઈ ગઈ છે. મુંબઈમાં ભાવ 1,811.50 રૂપિયાના બદલે 1,696 રૂપિયા થઈ ગયા છે. ચેન્નઈમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2,009.50 રૂપિયાથી ઘટીને 1,893 રૂપિયા થઈ ગયો છે.

2. જેટ ફ્યુઅલના ભાવમાં વધારો
આજથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અથવા જેટ ફ્યુઅલના ભાવમાં 4842.37 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક એરલાઇન્સ માટે જેટ ફ્યુઅલના ભાવ દિલ્હીમાં 1,20,362.54 રૂપિયા પ્રતિ કિલોલિટર, કોલકાતામાં 1,27,023.83 રૂપિયા પ્રતિ કિલોલિટર, મુંબઇમાં 1,19,266.36 રૂપિયા પ્રતિ કિલોલિટર અને ચેન્નઇમાં 1,24,998.48 રૂપિયા પ્રતિ કિલોલિટર ચાલી રહ્યા છે. વધતા ભાવથી હવાઈ મુસાફરીની મોંઘી થઈ શકે છે.

3. GST રિટર્નના નિયમોમાં ફેરફાર
આજથી GST રિટર્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GST રિટર્નમાં ચાર આંકડાનો HSN કોડ લખવો ફરજિયાત રહેશે. અગાઉ બે આંકડાનો HSN કોડ નાખવો પડતો હતો, પરંતુ હવે 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ છ આંકડાનો કોડ નાખવો જરૂરી છે.

પેટ્રોલ, ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહીં
આજથી પેટ્રોલના ભાવમાં 40 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ ઓઈલ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને 1 લિટર ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે. ચેન્નઈમાં 1 લિટર પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ 106.03 અને ડીઝલના ભાવ 92.76 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

નૉન-લાઇફ ઇન્શ્યોરન્સ માટે KYC ફરજિયાત નથી
વીમા નિયામક ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ નૉન-લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવા માટે KYC ફરજિયાત બનાવવાનું હતું, પરંતુ હાલ એને લઈને કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી.

LPG સિલિન્ડર ડિલિવરી માટે OTP
LPG સિલિન્ડરની ડિલિવરી OTP આપ્યા પછી જ થશે. આ નિયમ આજથી લાગુ થવાનો હતો, પરંતુ આ અંગે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એવા અહેવાલો આવ્યા હતા કે 1 નવેમ્બરથી બુકિંગ કર્યા પછી તમારા નોંધાયેલા મોબાઇલ પર OTP આવશે. ગેસની ડિલિવરી વખતે તમારે OTP આપવાનો રહેશે, પછી જ તમને સિલિન્ડર મળશે.