• Gujarati News
  • Utility
  • Children Suddenly Start Banging Their Heads And The School Administration Panics, This Is Mass Hysteria, Not Ghosts.

કામના સમાચાર:બાળકોએ અચાનક માથું પછાડવાનું શરૂ કર્યું ને શાળા પ્રશાસન ગભરાયું, ભૂત-પ્રેત નહીં આ છે માસ હિસ્ટેરિયાની તકલીફ

8 દિવસ પહેલા

ઉત્તરાખંડની બાગેશ્વરની એક શાળામાં 8 બાળક કોઈ કારણ વગર એકસાથે રડવા લાગ્યાં, રાડો પાડવા લાગ્યાં, જમીન પર આળોટવા લાગ્યાં અને માથું પછાડવા લાગ્યાં. આ બાળકોમાં 6 છોકરી અને 2 છોકરા હતાં. આ વીડિયો હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને માસ હિસ્ટેરિયાનો કિસ્સો જણાવવામાં આવી રહ્યો છે. બાગેશ્વરના ડેપ્યુટી CMO મુજબ તેમની ટીમે બાળકોનું કાઉન્સેલિંગ કર્યું, જેના પરથી ખ્યાલ આવ્યો કે આ બાળકો પહેલેથી જ ગભરાયેલા હતા અને તેમનું પેટ પણ એકદમ ખાલી હતું.

આ સમયે જે પરિસ્થિતિ શાળાનાં બાળકોની હતી એવી જ પરિસ્થિતિ જો કોઈની પણ સાથે થાય તો લોકો એને ભૂત-પ્રેતનું નામ આપી દે છે અથવા તો કહે છે કે આ વ્યક્તિને ‘માતાજી’ આવ્યાં છે. પ્રશ્ન એ થાય છે કે શું આની પાછળ માસ હિસ્ટેરિયા છે? કામના સમાચારમાં મેરઠના સાઈકોલોજિસ્ટ અને હિપ્નોથેરાપિસ્ટ ડૉ. કક્ષિકા જૈન અને BLK હોસ્પિટલ, નવી દિલ્હીના ડૉ. મનીષ જૈન પાસેથી આ વિશે સમજો.

પ્રશ્ન: સૌથી પહેલા તો એ જાણી લઈએ કે હિસ્ટેરિયા શું છે?
જવાબ:
આ એક પ્રકારનું મેન્ટલ ડિસઓર્ડર અને સાઈકોલોજિકલ પ્રોબ્લેમ છે. સાઇકિયાટ્રિસ્ટના મત મુજબ જ્યારે વ્યક્તિ માનસિક અથવા ભાવનાત્મક રીતે અસ્વસ્થ હોય છે અને ત્યારે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અસામાન્ય વર્તન કરવા લાગે છે. આ બીમારીમાં એક વ્યક્તિને આવું કરતી જોઈને બીજા, ત્રીજા અને તેથી પણ વધુ લોકો તેના જેવું જ વર્તન કરી શકે છે. આમાં વ્યક્તિ અંદરથી ગૂંગળાતી હોય છે અને તેની પીડા કોઈને કહી શકતી નથી. તે ઈચ્છે છે કે લોકો તેની સાથે વાત કરે, તેની સમસ્યાઓ વિશે પૂછે.

પ્રશ્ન: હિસ્ટેરિયા ક્યારે માસ હિસ્ટેરિયા બને છે?
જવાબ: મોટા ભાગના લોકો આવા દર્દીને મંદિર કે તાંત્રિક પાસે લઈ જાય છે, જ્યાં પહેલેથી જ હિસ્ટેરિયાના ઘણા દર્દીઓ હાજર હોય છે. જ્યારે અન્ય દર્દી તેના જેવી વ્યક્તિને જુએ છે, ત્યારે તે પણ હસવા લાગે છે, કારણ કે આવા દર્દીઓ એકબીજાની નકલ કરે છે ને પછી હિસ્ટેરિયા માસ હિસ્ટેરિયા બની જાય છે.

પ્રશ્ન: કઈ જગ્યાએ માસ હિસ્ટેરિયાની સમસ્યા વધુપડતી જોવા મળે છે?
જવાબ: BLK હોસ્પિટલ, નવી દિલ્હીના ડૉ. મનીષ જૈનની વાત માનીએ તો માસ હિસ્ટેરિયા એ મોટા ભાગે સંસ્કૃતિ ધરાવતાં સ્થળોએ થતી બીમારી છે. આ સમસ્યા ગામડાંમાં અને ઓછું ભણેલા લોકોમાં વધુપડતી જોવા મળે છે. આનો અર્થ એ નથી કે આ બીમારી સંસ્કૃતિની માન્યતાને કારણે થાય છે. જ્યારે આ પ્રકારની માન્યતા લોકોમાં હદ કરતાં વધી જાય અથવા તો એ બેકાબૂ બની જાય છે તો લોકો કહેવા લાગે છે કે આ વ્યક્તિને ‘માતા’ આવી છે અથવા તો તેને ભૂત વળગ્યું છે.

પ્રશ્ન: કયા લોકોમાં માસ હિસ્ટેરિયાની સમસ્યા વધુ હોય છે?
જવાબ: આ સમસ્યા મોટા ભાગે સ્ત્રીઓમાં વધુપડતી જોવા મળે છે, જે ઓછું ભણેલી હોય છે અથવા જે પોતાની ઈચ્છા અને મનની વાતને અંદર દબાવી રાખે છે. કોઈને કંઈ જ કહી ન શકે, પણ જરૂરી નથી કે તે માત્ર મહિલાઓને જ આ સમસ્યા થાય છે. સમય જતાં ઘણા પુરુષોમાં પણ હિસ્ટેરિયાની સમસ્યા જોવા મળી છે. લોકો ઘણીવાર હિસ્ટેરિયાના હુમલાને મિર્ગીનો હુમલો સમજી લે છે, પરંતુ આ બંને અલગ છે. કેવી રીતે એ જાણવા માટે નીચેનાં ગ્રાફિક્સ વાંચો-

પ્રશ્ન: માસ હિસ્ટેરિયાને કન્વર્ઝન ડિસઓર્ડર પણ કહેવાય છે, શા માટે?
જવાબ:
આ સમસ્યામાં જે સાઈકોલોજિકલ સિસ્ટમ એટલે કે લક્ષણ છે એ બદલાઈને શારીરિક લક્ષણોમાં કન્વર્ટ થઈ જાય છે, જેને કારણે પરિવારને લાગે છે કે આ એક શારીરિક બીમારી છે, પરંતુ એવું થતું નથી, તેથી જ એને ‘કન્વર્ઝન ડિસઓર્ડર’ કહેવામાં આવે છે.

પ્રશ્ન: ઘણા લોકો માસ હિસ્ટેરિયાની સમસ્યાને ભૂત-પ્રેત, આત્મા કે ચૂડેલ ચઢી ગઈ એવું કહે છે, શા માટે?
જવાબ: હિસ્ટેરિયાના દર્દી વારંવાર ફરિયાદ કરે છે કે તેને કંઈ જ દેખાતું નથી. એવું લાગે છે કે જાણે કોઈ તેનું ગળું દબાવી રહ્યું છે, તે શ્વાસ લઈ શકતું નથી અથવા કંઈક દેખાઈ રહ્યું છે. આ બધી જ તકલીફ દર્દીની માનસિક સ્થિતિને કારણે છે. ખરેખર એવું થતું નથી. લોકો આ માનસિક સ્થિતિને અંધશ્રદ્ધા સાથે જોડે છે અને ભૂત, આત્મા, ચૂડેલ અથવા માતાનું નામ આપે છે.

પ્રશ્ન: માસ હિસ્ટેરિયાની સારવાર શું છે?
જવાબ: માસ હિસ્ટેરિયાનો હુમલો કેટલાક દર્દીઓમાં એટલીવાર રિપીટ થાય છે કે લોકો તેને માતા, ડાકણ કે ભૂત માની બેસે છે. સમય બગાડ્યા વિના લોકોએ સમજવું જોઈએ કે આ બીમારી ડિપ્રેશનની છે અને તેનો ઈલાજ અભિવ્યક્તિ(એક્સપ્રેશન) છે.

પ્રશ્ન: હિસ્ટેરિયાના દર્દીને ઠીક કરવા માટે શું કરવું જોઈએ?
જવાબ: પહેલા તો દર્દીની સારવાર કરાવવી જરૂરી છે-

  • સૌથી પહેલાં દર્દીને સાઈકોલોજિસ્ટ પાસે લઈ જવું.
  • સાઈકોલોજિસ્ટ તેને દબાયેલી ઇચ્છાઓ પૂછીને એને બહાર લાવવાનો પ્રયાસ કરે છે.
  • પરિવારને આ અંગે જાગ્રત અને શિક્ષિત કરો.
  • દર્દીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું હોય ત્યારે તેને મેડિટેશન પણ કરાવો.
  • હિપ્નોથેરપી દર્દી માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
  • હિપ્નોથેરપીમાં દર્દીની દબાયેલી ઈચ્છાઓને બહાર કાઢીને તેની માનસિક સ્થિતિને શાંત કરવામાં આવે છે.
  • આની મદદથી દર્દી ધીમે-ધીમે સ્વસ્થ થઈ જાય છે.

જાણવા જેવું
હિસ્ટેરિયાના દર્દીઓમાં જ્યારે તેની અંદર દબાયેલી ઈચ્છાઓ બેકાબૂ બને છે ત્યારે તેને હુમલો આવે છે. આ સમયે જો પરિવાર અથવા નજીકના લોકો દર્દી પર ધ્યાન આપવાનું શરૂ કરે અને તેને સ્વીકારવાનું શરૂ કરે પછી તે વ્યક્તિ ધીમે-ધીમે સામાન્ય થવા લાગે છે, તે પોતાનું ધ્યાન ખેંચવા માટે વારંવાર આ રસ્તો આપનાવે છે, તેથી સમય બગાડ્યા વિના તમારે સાઈકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ.