આપણે બધાં જાણીએ છીએ કે જંક ફૂડ આપણા શરીર માટે સારું નથી જ. જંક ફૂડ જ સ્થૂળતા અને લો ઈમ્યુનિટી પાછળનું કારણ છે. આપણે જાણીએ છે કે એ આ ફૂડને તૈયાર કરવાની રીત અને એમાં વપરાતાં પદાર્થો, અને એને વધારે ટેસ્ટી બનાવવા માટે રેસ્ટોરન્ટ દ્વારા વપરાતા પ્રિઝર્વેટિવ્ઝ શરીર માટે નુકસાનકારક છે. એટલે રોજની જિંદગીમાં કરવું શું ?
આ મુદ્દાને લઈને જ બ્રિટન એટલે કે બોરિસ જોન્સનની સરકારનો એક નિર્ણય સામે આવ્યો કે જંક ફૂડની જાહેરાત ઓનલાઈન નહીં બતાવાય, અને ટીવી પર આવતી જાહેરાતો પર પણ રાત્રે 9 વાગ્યા પહેલાં પ્રતિબંધ રહેશે. આ નિર્ણય પાછળનું કારણ છે બ્રિટનના NHSનો રિપોર્ટ. આ રિપોર્ટ પ્રમાણે, દેશની 60 ટકા વસતી સ્થૂળતા સામે ઝઝુમી રહી છે. 3માંથી 1 બાળક પ્રાથમિક સ્કુલ છોડતી વખતે ભારે સ્થૂળ થઈ ચુક્યુ હોય છે. બ્રિટનમાં આજની તારીખે 1.11 લાખ બાળકો ગંભીર સ્થૂળતાની ઝપેટમાં છે. આ જ સમસ્યાને કારણે વર્ષ 2018માં શુગર ટેક્સની શરૂઆત કરવામાં આવી હતી.
બ્રિટનમાં કોરોનાથી વધુ મૃત્યુનું એક કારણ સ્થૂળતા પણ રહ્યું છે. એટલા માટે પીએમ બોરિસ જોનસને આ સમસ્યાને પ્રાથમિકતા આપતા તેમની આગેવાનીમાં જ પ્રતિબંધનો નિર્ણય લીધો છે. તે ખુદ પણ કોરોનાથી માંડ માંડ બચ્યા છે. આ સ્થિતિમાં આ નિર્ણય અંગે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી જો ચર્ચિલ કહે છે કે, 'કિશોર અને બાળકો જે કન્ટેન્ટ જુએ છે તેની અસર તેમના દ્વારા પસંદ કરાયેલા વિકલ્પો પર થાય છે. હાલમાં તેઓ સૌથી વધુ સમય ઓનલાઈન પસાર કરે છે. એવામાં આપણી જવાબદારી છે કે તેમના સ્વાસ્થ્યને હાનિકારક જાહેરાતોથી બચાવીએ.' તો બ્રિટન સરકારના આ પગલાને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને બ્રિટનના ઓબેસિટી હેલ્થ અલાયન્સે સકારાત્મક પગલું ગણાવ્યું છે. આ પ્રતિબંધ આમ તો 2023થી લાગુ થવાના છે, પરંતુ આ કવાયત આગામી વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.