LPG ગ્રાહકો આનંદો:હવે કોઈ પણ ડીલર પાસેથી ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકાશે, 5 શહેરમાં નવી સુવિધા શરૂ થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિલિન્ડર બુકિંગ સમયે ગ્રાહકોને પોતાના ક્ષેત્રના રસોઈ ગેસ ડીલર્સનું લિસ્ટ દેખાશે
  • આ લિસ્ટમાંથી ગ્રાહકો તેમની ઈચ્છા પ્રમાણે ડીલરની પસંદગી કરી શકશે

જો તમે LPG સિલિન્ડર અર્થાત રસોઈ ગેસનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય રસોઈ ગેસના ગ્રાહકોને નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. આ નવી સુવિધાથી ગ્રાહકો પોતાના ક્ષેત્રના કોઈ પણ ડીલર પાસેથી રસોઈ ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાને ટૂંક સમયમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે. તેની શરૂઆત ચંદીગઢ, કોઈમ્બતૂર, ગુરુગ્રામ, પૂણે અને રાંચીથી કરવામાં આવશે.

કેવી રીતે મળશે સુવિધા?

  • મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ અથવા કસ્ટમર પોર્ટલનાં માધ્યમથી ગેસ સિલિન્ડર બુક કરાવવો પડશે.
  • બુકિંગ સમયે ગ્રાહકોને પોતાના ક્ષેત્રના રસોઈ ગેસ ડીલર્સનું લિસ્ટ દેખાશે.
  • ડીલર્સનાં લિસ્ટ સાથે તેમનું રેટિંગ પણ જોવા મળશે. તેનાથી ગ્રાહકો સારા ડીલરની ઓળખ કરી શકશે.
  • ગેસ સિલિન્ડરનું બુકિંગ કરતાં સમયે ગ્રાહકો પોતાના ક્ષેત્રના કોઈ પણ ડીલરની પસંદગી કરી શકશે.

નવી સર્વિસનો હેતુ શું?

  • નવી સર્વિસનાં માધ્મયથી ગ્રાહકોને પોતાના મનપસંદ ડીલર્સની પસંદગી કરવાની તક મળશે.
  • તેનાથી ગ્રાહકોને સર્વોત્તમ સર્વિસ મળશે.
  • પોતાના રેટિંગ સુધારવા માટે ડીલર્સ સર્વિસ સારી બનાવશે.
  • રેટિંગ વધુ સારું મેળવવા માટે ડીલર્સ વચ્ચે પરસ્પર સારી સર્વિસની સ્પર્ધા થશે.
  • એક સ્ટેપથી જ ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગ માટે પ્રોત્સાહન મળશે.
  • ગ્રાહકોને ડીલર્સની મનમાનીમાંથી મુક્તિ મળશે.

કંપની પણ ઓનલાઈન બદલી શકાશે
આ સિવાય મંત્રાલયે ગ્રાહકોને રસોઈ ગેસ કનેક્શન આપનારી કંપની પણ ઓનલાઈન બદલવાની ગ્રાહકોને સુવિધા આપી છે. ગ્રાહકો કંપનીના વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપનાં માધ્યમથી કનેક્શન આપનાર કંપની બદલી શકે છે. ગ્રાહકો રજિસ્ટર્ડ લોગ ઈન કરીને પોતાના ક્ષેત્રના ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકે છે.

1 એપ્રિલથી સ્થિર છે ગેસ સિલિન્ડરની કિંમત
ગેસ સિલિન્ડરની કિંમત 1 એપ્રિલથી સ્થિર થઈ છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટના ડેટા મુજબ, એપ્રિલમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. આ કપાત બાદ રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત 809 રૂપિયા થઈ છે. ત્યારથી અત્યાર સુધી તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 835.5 રૂપિયા છે. મુંબઈમાં તે 809 રૂપિયામાં અને ચેન્નાઈમાં તે 825 રૂપિયામાં મળી રહ્યો છે.