કોરોનાકાળમાં ઘણા લોકોએ નાણાકીય તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તેવામાં કેટલાક લોકો પર્સનલ લોન લેવાનો વિચાર કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારના લોનનો વ્યાજ દર 10થી 24% હોય છે. આટલો બધો વ્યાજ દર પરવડે તેવો હોતો નથી. જો તમે હોમ લોન લીધેલી છે તો તમે લોન પર ટોપ અપ લોન લઈ શકો છો. આમ કરવાથી તમને ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે. આવો જાણીએ ટોપ અપ હોમ લોન સંબંધિત કેટલીક વાતો...
ઓછા વ્યાજ દરે લોન મળે છે
ટોપ અપ હોમ લોનમાં પર્સનલ લોન કરતાં ઓછો વ્યાજ દર હોય છે. પર્સનલ લોનમાં તમારે 10થી 24%નો વ્યાજ ચૂકવવો પડે છે જ્યારે ટોપ અપ હોમ લોનમાં આશરે 7થી 9% વાર્ષિક વ્યાજ દર ચૂકવવો પડે છે.
કોઈ પણ કામ માટે લોનનો ઉપયોગ કરી શકો છો
ટોપ અપ હોમ લોનનો ઉપયોગ કોઈ પણહેતુ માટે કરી શકાય છે. ઘરનું સમારકામ, બાળકોનો અભ્યાસ, લગ્ન માટે અથવા અન્ય પ્રોપર્ટી ખરીદવા માટે આ લોનનો ઉપયોગ કરી શકાય છે. લોનની ચૂકવણી સાથે ટોપ અપ લોનની EMI પણ ચૂકવવી પડે છે.
લાંબા સમયગાળા માટે લોન મળશે
હોમ લોન પર ટોપ અપ 30 વર્ષના સમયગાળા માટે લઈ શકાય છે. તેવામાં તમે તમારી સગવડ પ્રમાણે લોનની રકમ અને સમયગાળો નક્કી કરી શકો છો.
વધારે લોન મળે છે
તેમાં તમે 50 લાખ કરતાં પણ વધારે લોન લઈ શકો છો. જોકે તેની રકમ તમારા હોમ લોનની રકમ પર આધાર રાખે છે. તો પર્સનલ લોન અમાઉન્ટ મેક્સિમમ 40 લાખની મળે છે. આના કરતાં વધારે પૈસાની જરૂરિયાત માટે તમે ટોપ અપ પ્લાનમાં અપ્લાય કરી શકો છો.
સરળતાથી મળે છે ટોપ અપ હોમ લોન
હોમ લોન લીધા પછી થોડાક સમય બાદ આ લોન લઈ શકાય છે. બેંક હોમ લોનના રી પેમેન્ટની પેટન્ટ જોઈ ગ્રાહકને ટોપ અપ લોન આપે છે. જો તમે હોમ લોનની EMIની ચૂકવણી સમયસર કરી રહ્યા છો તો તમને સરળતાથી ટોપ અપ લોન મળી શકે છે.
શું છે ટોપ અપ હોમ લોન?
જો તમે હોમ લોન લીધેલી છે તો તમે આ લોન પર ટોપ અપ લોન લઈ શકો છો. એવી જ રીતે જેમ તમે તમારા મોબાઈલ ફોનમાં ટોપ અપ રીચાર્જ કરાવો છો. આ લોન તમારા હોમ લોન પર જ મળે છે, તેથી તમારે હોમ લોનની ચૂકવણી સાથે જ આ લોનની પણ ચૂકવણી કરવી પડે છે. તેની સમયસીમા હોમ લોન જેટલી જ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.