1 જુલાઈથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એથી નિયમોની જાણકારી તમને પહેલેથી જ હોય એ જરૂરી છે. 1 જુલાઈથી IDBI અને SBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે. અમે તમને એવા 9 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર તમારા પર પડશે.
SBIએ પણ નિયમોમાં ફેરફાર કર્યા
1 જુલાઈથી ATMમાંથી પૈસા ઉપાડવાનું અને ચેક બુકનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને વધારાનો ચાર્જ આપવો પડશે. બેઝિક સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ (BSBD) અકાઉન્ટ પર આ તમામ નિયમ લાગુ થશે. SBIના ATM અથવા બેંક બ્રાંચમાંથી 4 વખત પૈસા ઉપાડવાનું ફ્રી હશે. ત્યાર બાદ એટલે કે ફ્રી લિમિટ બાદ કેશ ઉપાડવા પર 15 રૂપિયા અને GSTનો ચાર્જ લાગશે. એ સિવાય હવે ચેક બુક લેવા માટે પણ તમારે વધારે ચાર્જ આપવો પડશે.
IDBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે
IDBI બેંક 1 જુલાઈથી ચેક લીફ ચાર્જ, સેવિંગ અકાઉન્ટ ચાર્જ, અને લોકર ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે રોકડ જમા (હોમ અને નોન-હોમ) માટે ફ્રી સુવિધાને સેમી અર્બન અને રૂરલ બ્રાંચમાં હાલ 7 અને 10માંથી ઘટાડીને ક્રમશઃ 5-5 વખત કરી દીધી છે.
એ ઉપરાંત ગ્રાહકોને હવે દર વર્ષે ફક્ત 20 પેજની ચેક બુક જ નિઃશુલ્ક મળશે. ત્યાર બાદ પ્રત્યેક ચેક માટે ગ્રાહકોને 5 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એ સિવાય સિનિયર સિટિઝનને લોકર પર મળતું ડિસ્કાઉન્ટ ત્યારે મળશે જ્યારે તેમનું મંથલી એવરેજ બેલેન્સ (MAB) 10 હજાર હશે.
સિન્ડિકેટ બેંકના ગ્રાહકોએ નવો IFSC કોડ ઉપયોગ કરવો પડશે
સિન્ડિકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જર થઈ ગયું છે, તેથી હવે 1 જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ જશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને હવે પોતાની બેંક શાખા માટે નવો IFSC કોડ લેવો પડશે.
આધારની જેમ જ્વેલરીના દરેક નંગની યુનિક ઓળખ અનિવાર્ય થશે
ઘરેણાં ચોરી થઈ જવા અને ખોવાઈ જાય તો હવે તેના વાસ્તવિક માલિકની ઓળખ કરવી સરળ બનશે, જોકે આવું ત્યારે બનશે જો તેને પીગળાવીને નવું સ્વરૂપ ન આપવામાં આવ્યું હોય. જે રીતે દેશના તમામ નાગરિકોની ઓળખ આધાર કાર્ડમાં UID દ્વારા કરવામાં આવે છે, તેવી જ રીતે સરકાર 1 જુલાઈથી દરેક ઘરેણાં માટે UID અનિવાર્ય કરવા જઈ રહી છે.
LPG સિલિન્ડની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે
દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની કિંમતની જાહેરાત કરે છે. ગત મહિને સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
નાની બચત સ્કિમનાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે
નાની બચત એટલે કે સ્મોલ સેવિંગ સ્કિમમાં રોકાણ કરનારા લોકોને ઝટકો લાગી શકે છે. સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે પણ માર્ચમાં એના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, પરંતુ બાદમાં આ ઘટાડો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, મંથલી ઈન્કમ સ્કીમ, ટાઈમ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ સ્કીમ સ્મોલ સેવિંગ સ્કીમમાં આવે છે.
મારુતિ અને હીરોની ગાડીઓના ભાવ વધશે
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી ઈન્ડિયાની કાર અને હીરોની બાઈક એક જુલાઈથી મોંઘી થઈ જશે. હીરો સ્કૂટર અને મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી વધી રહી છે તેમજ મારુતિ પણ પોતાનાં ઘણાં સેગમેન્ટની કારની કિંમત વધારશે.
50 લાખથી ઉપરની ખરીદી પર TDS કટ કરવામાં આવશે
ઇન્કમ ટેક્સ એક્ટમાં તાજેતરમાં સેક્શન-194Q ઉમેરવામાં આવી છે. આ સેક્શન કોઈ વસ્તુની ખરીદવા માટે પહેલાંથી જ નક્કી કિંમતની ચુકવણી કરવા પર લાગુ TDS સાથે જોડાયેલી છે. નવી સેક્શન અંતર્ગત 50 લાખ રૂપિયાથી વધુની વ્યાપારી ખરીદી પર 0.10 ટકા TDS કટ કરવામાં આવશે. જો ગત વર્ષે કોઈ કારોબારીનું ટર્નઓવર 10 કરોડ અથવા એનાથી વધારે થયું છે તો આ વર્ષે તે 50 લાખથી ઉપર સુધીનો માલ ખરીદી શકશે. એનાથી વધુનું વેચાણ થશે તો TDS કટ કરવામાં આવશે.
1 જુલાઈથી 206ab સેક્શન પણ લાગુ થશે. એ અંતર્ગત જો વેચાણકર્તાએ બે વર્ષ સુધી આવકવેરા રિટર્ન ફાઈલ નથી કર્યું તો આ TDS 5% થઈ જશે, એટલે કે પહેલાં જે TDS 0.10 હતો, એના પાંચ ટકા હોવાનો અર્થ છે કે TDSનો દર 50 ગણો વધશે.
લર્નિંગ લાઈસન્સ બનાવવા માટે ઓનલાઈન અરજી
લર્નિંગ લાઈસન્સ બનાવવા માટે હવે તમારે RTO જવાની જરૂર નહીં પડે. ઓનલાઈન અરજી કરવાની સાથે ઘરેથી જ ટેસ્ટ પણ આપી શકાશે. ટેસ્ટમાં પાસ થયા બાદ લર્નિંગ લાઈસન્સ તમારા ઘરે પહોંચી જશે. જોકે કાયમી લાઈસન્સ માટે ટ્રેક પર વાહન ચલાવીને બતાવવું પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.