1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારો બેંકના કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અકાઉન્ટ, કેશ ક્રેડિટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ અને અન્ય અકાઉન્ટ સાથે જોડાયેલા કેશ જમા અને ઉપાડ સંબંધિત સર્વિસ પર લાગુ થશે. હવે તમારે 3 વખતથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા માટે ફી ચૂકવવી પડશે. 1 નવેમ્બરથી અમલમાં આવતા આ નવા નિયમો વિશે વિસ્તારમાં જાણો.
કેશ ડિપોઝિટના નવા નિયમો
કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા કેશ ક્રેડિટ સહિતના અન્ય અકાઉન્ટ્સ માટે 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ દર મહિને અકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા માટે 1,000 રૂપિયા દીઠ 1 રૂપિયા રહેશે. આ ચાર્જ ઓછામાં ઓછો 50 રૂપિયા અને મહત્તમ 20,000 રૂપિયા રહેશે. કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અને કેશ ક્રેડિટ સહિત અન્ય અકાઉન્ટ્સના કિસ્સામાં કેશ હેન્ડલિંગ ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ચાર્જ અકાઉન્ટ દીઠ 25,000 રૂપિયાથી વધુની કેશ ડિપોઝિટ પર દર 1,000 રૂપિયે 2.50 રૂપિયા છે.
સેવિંગ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવાના નિયમ
મેટ્રો-અર્બન બ્રાંચમાં કરન્ટ સેવિંગ અકાઉન્ટમાં 3 વખત કેશ જમા કરાવ્યા બાદ (અન્ય માધ્યમથી ટ્રાન્ઝેક્શન સહિત) ચોથીવાર દરેક વખતે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. રૂરલ અથવા સેમી-અર્બન બ્રાંચના સેવિંગ અકાઉન્ટ, પેન્શનર અકાઉન્ટ અને સિનિયર સિટીઝન અકાઉન્ટ (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ/ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન અકાઉન્ટ સિવાય)ના કિસ્સામાં હવે મહિનામાં 3 વાર રોકડ જમા કરાવ્યા પછી (અન્ય માધ્યમથી ટ્રાન્ઝેક્શન સામેલ નથી) ચોથી વખતથી દરેક ડિપોઝિટ દીઠ 40 રૂપિયા વસૂલવામાં આવશે. અત્યારે મહિનામાં 5 વખત કેશ ડિપોઝિટ પર કોઈ ચાર્જ લાગતો નથી.
કેશ ઉપાડવા પર પણ ચાર્જ ચૂકવવો પડશે
કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા સીસીમાંથી મહિનામાં 3 વાર પૈસા ઉપાડવામાં આવે તો ગ્રાહક પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં. ચોથી વખત ઉપાડ માટે દરેક ઉપાડ પર 150 રૂપિયા લેવામાં આવશે. સેવિંગ અકાઉન્ટ ધરાવતા લોકો માટે ત્રણ વખત સુધી પૈસા ઉપાડવાનું મફત રહેશે. દરેક વખતે જ્યારે તમે ચોથી વાર પૈસા ઉપાડશો ત્યારે 125 રૂપિયા ચાર્જ લાગશે.
રૂરલ અથવા સેમી અર્બન બ્રાંચના સેવિંગ અકાઉન્ટ, પેન્શનર અકાઉન્ટ અને સિનિયર સિટીઝન અકાઉન્ટ (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અકાઉન્ટ્સ સિવાય) દ્વારા 1 નવેમ્બરથી મહિનામાં 3 વખત રોકડ ઉપાડવામાં આવી શકે છે. ત્યારબાદ ચોથીવારથી ટ્રાન્ઝેક્શન દીઠ 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આઉટસ્ટેશન બ્રાંચમાં દરેક પ્રકારના અકાઉન્ટના મામલે ખાતાધારક એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા ઉપાડી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.