સુવિધા:એમેઝોન-પેએ ડિજિટલ ગોલ્ડ સર્વિસ લોન્ચ કરી, હવે ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદી શકાશે

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક કોઇપણ સમયે સોનાની ખરીદી અને તેનું વેચાણ કરી શકશે
  • પેટીએમ, ગૂગલ પે અને ફોન પે પર પણ 1 રૂપિયામાં સોનું ખરીદવાની સુવિધા

ડિજિટલાઇઝેશન વધતા હવે લોકો માત્ર પેમેન્ટ માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ નહીં પણ સોનું ખરીદવા માટે પણ ડિજિટલ સોર્સનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ડિજિટલ પ્લેટફોર્મ ફોન-પે, ગૂગલ-પે, મોબિક્વિક વગેરે ઓનલાઇન ગોલ્ડ ખરીદવાની સુવિધા આપે છે. તો હવે આ ક્રમમાં ઇ-કોમર્સ કંપની એમેઝોન ઇન્ડિયની ડિજિટલ પેમેન્ટ કંપની એમેઝોન-પેએ પણ ડિજિટલ ગોલ્ડ સર્વિસ શરૂ કરી છે. આ અંતર્ગત કોઈપણ પ્લેટફોર્મ પરથી કોઈપણ વ્યક્તિ ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદી શકે છે. એમેઝોન-પેએ આ ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સુવિધાને ગોલ્ડ વોલેટ નામ આપ્યું છે. આ માટે કંપનીએ સેફગોલ્ડ સાથે ભાગીદારી કરી છે. સેફગોલ્ડ ખરીદદારોને 24 કેરેટનું 99.5% શુદ્ધ સોનું આપશે.

ગ્રાહકો કોઈપણ સમયે ખરીદી અને વેચાણ કરી શકે છે
આ ઓફર હેઠળ, એમેઝોન ગ્રાહકો કોઈપણ સમયે સોનાની ખરીદી અને વેચાણ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ સોનાની સલામતી માટે ગ્રાહકોએ લોકરનો ખર્ચ કરવો નહીં પડે. ગ્રાહકો આ પ્લેટફોર્મ પર સ્પર્ધાત્મક કિંમતે સોનાની ખરીદી કરી શકે છે.

અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પણ આ સુવિધા આપે છે
અન્ય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પણ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની આ સુવિધા પૂરી પાડે છે. તેમાં પેટીએમ, ફોન-પે, ગૂગલ-પે, મોબિક્વિક, એક્સિસ બેંકનું ફ્રીચાર્જ વગેરે જેવાં પ્લેટફોર્મ સામેલ છે. પેટીએમ, ગૂગલ-પે, ફોન-પે જેવા મોટાભાગના પ્લેટફોર્મ પણ તેમના ગ્રાહકોને 1 રૂપિયાનું સોનું ખરીદવાની સુવિધા પૂરી પાડે છે.

ડિજિટલ ગોલ્ડ સર્વિસ કોણે ક્યારે શરૂ કરી?

  • ગૂગલ-પેએ ગયા વર્ષે એપ્રિલમાં ડિજિટલ ગોલ્ડ સર્વિસ શરૂ કરી હતી.
  • પેટીએમ અને ફોન-પે વર્ષ 2017થી તેમના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ ખરીદવાની સુવિધા આપી રહ્યા છે.
  • મોબીક્વિકે આ સેવા વર્ષ 2018માં શરૂ કરી હતી.

અક્ષય તૃતીયાના રોજ પેટીએમે 37 કિલો સોનું વેચ્યું હતું
આ વર્ષે એપ્રિલમાં અક્ષય તૃતીયા નિમિત્તે પેટીમે તેના પ્લેટફોર્મ દ્વારા 37 કિલો ડિજિટલ ગોલ્ડનું વેચાણ કર્યું હતું. તેમજ, ફોન-પેનો દાવોછે કે તેણે તહેવારની સીઝન સહિત આ વર્ષે અત્યાર સુધીમાં 100 કિલો ડિજિટલ ગોલ્ડનું વેચાણ કર્યું છે. ફ્લિપકાર્ટની માલિકીની ફોન-પેનું કહેવું છે કે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ડિજિટલ ગોલ્ડ ટ્રાન્ઝેક્શનમાં 125%નો વધારો થયો છે. પરિણામે, એમ કહેવું ખોટું નથી કે લોકડાઉન દરમિયાન ડિજિટલ ગોલ્ડ ખરીદનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...