ઇ-કોમર્સ કંપની એમેઝોને પોતાની એમેઝોન ફાર્મસી શરૂ કરી છે. એટલે કે, અહીં, તમે ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, એક્સેસરીઝ, હોમ અપ્લાયન્સિસ, લાઇફસ્ટાઇલ મટિરિયલ સાથે દવાઓ પણ ખરીદી શકશો. અત્યારે અમેરિકામાં એમેઝોન ફાર્મસી શરૂ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, આ સર્વિસ હેઠળ સામાન્ય પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમાં ક્રીમ અને ટેબલેટ સામેલ છે. કંપની ઇન્સ્યુલિન જેવી દવાઓ પણ પ્લેટફોર્મ દ્વારા ડિલિવર કરશે, જેને ઓછા તાપમાને રાખવી જરૂરી હોય છે.
ખરીદી કરનારાઓએ એમેઝોનની વેબસાઇટ પર એક પ્રોફાઇલ સેટ કરવી આવશ્યક છે અને ડોક્ટર્સને સીએટલ સ્થિત ઇ-કોમર્સ કંપનીને પ્રિસ્ક્રિપ્શન મોકલવું આવશ્યક રહેશે. કંપનીના આ પગલાંથી અમેરિકામાં ડ્રગ્સ રિટેલર્સ વોલગ્રીન્સ, CVS અને વોલમાર્ટને કડી ટક્કર મળવાની અપેક્ષા છે. એમેઝોન ટૂંક સમયમાં જ વિશ્વભરમાં ઓનલાઇન ફાર્મસી શરૂ કરવાની યોજના ધરાવે છે.
એમેઝોન પિલપેક ખરીદી ચૂકી છે
એમેઝોનની થોડા સમય માટે હેલ્થકેર ક્ષેત્ર પર નજર હતી. બે વર્ષ પહેલાં, કંપનીએ ઓનલાઇન ફાર્મસી પિલપેકને $ 750 મિલિયન (લગભગ 5,600 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી હતો. પિલપેક તારીખ અને સમય અનુસાર દવાના ડોઝના પેકેટ્સ આપે છે. એમેઝોને જણાવ્યું હતું કે પિલપેક પહેલાંની જેમ દવાઓ આપવાનું ચાલુ રાખશે.
ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ મળશે
એમેઝોન ફાર્મસીની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર ગ્રાહકોને દવા ખરીદતાં પહેલાં તેની કિંમતની તુલના કરવાની સુવિધા પણ મળશે. આની મદદથી ગ્રાહકો સસ્તી દવાઓ વેચતાં સપ્લાયર પાસેથી સસ્તી કિંમતે દવાઓ ખરીદી શકશે. કંપનીએ જણાવ્યું કે, મોટાભાગનો વીમો સ્વીકારી લેવામાં આવે છે. પરંતુ જે મુખ્ય મેમ્બર્સ પાસે વીમો ન હોય તેઓ ડિસ્કાઉન્ટ માટે એમેઝોન પાસેથી જેનેરિક અથવા બ્રાંડ નામની દવાઓ પણ ખરીદી શકે છે.
અમેરિકામાં કોરોના વાઇરસને કારણે ઓનલાઇન દવા ખરીદવાની પ્રથા વધી છે. એમેઝોનના પ્રાઇમ સભ્યોને પણ દવા ખરીદવામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપની અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓના હોમ ડિલિવરી માટે બે વર્ષથી કામ કરી રહી હતી. આ સમય દરમિયાન કંપનીએ અમેરિકાના બધા રાજ્યોમાંથી દવાની ડિલિવરી કરવા માટેનું લાઇસન્સ લીધું હતું અને સપ્લાય ચેઇન બનાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.