ટાઇટેનિક ફિલ્મની ગાયિકાનું શરીર બની રહ્યું છે 'પથ્થર’:એક દુર્લભ બીમારીનો બની શિકાર, સ્ટેચ્યૂની માફક જકડાઈ જાય છે આખું શરીર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઈટેનિક એ ફિલ્મ છે કે આટલા લાંબા સમય પછી હજુ પણ દરેક ભારતીયનાં હૃદયમાં વસે છે. 19 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ અમેરિકામાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મનું એક ગીત ‘એવરી નાઈટ ઈન માય ડ્રીમ્સ, આઇ સી યુ, આઇ ફીલ યુ’ ખૂબ જ ફેમસ થયું હતું. ત્યારે સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી મુજબ, આ ફેમસ ગીત ગાનાર ગાયિકા સેલિના ડિયોન એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને એને કારણે તેણે પોતાની વર્ષ 2023ની આખી ટૂર કેન્સલ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર આ ગાયિકાએ ટૂર કેન્સલ કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘તે સ્ટિફ પર્સન સિન્ડ્રોમ એટલે કે (SPS) નામની બીમારીથી પીડાઈ રહી છે. આ એક દુર્લભ બીમારી છે, જેનાથી પીડિત વ્યક્તિનું શરીર સ્ટેચ્યૂની માફક જકડાઈ જાય છે, એટલે કે પીડિતના શરીરનો એક-એક ભાગ પથ્થર બનતો જાય છે. આજે કામના સમાચારમાં આપણે આ બીમારી વિશે એક્સપર્ટ સાથે કરેલી ચર્ચા પરથી વધુ માહિતી મેળવીશું. આજની સ્ટોરીના એક્સપર્ટ છે- ડૉ. સુધીર કુમાર, ન્યૂરોલોજિસ્ટ, અપોલો હોસ્પિટલ, હૈદરાબાદ.

પ્રશ્ન- સ્ટિફ પર્સન સિન્ડ્રોમ એટલે કે SPS શું છે?
જવાબ-
SPS એક ઓટોઈમ્યુન ન્યુરોલોજિકલ સ્થિતિ છે. આ બીમારી ભાગ્યે જ એટલે કે ગણતરીના લોકોને જ થાય છે. દસ લાખમાં કોઈ એક વ્યક્તિ આ બીમારીનો શિકાર બને છે.

પ્રશ્ન- આ બીમારીથી પીડિત વ્યક્તિ સાથે શું-શું થાય છે?
જવાબ-

  • એની સીધી જ અસર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર પડે છે
  • સ્પાઈનલ કોર્ડ અને શરીરના નીચેના ભાગમાં અકળામણ મહેસૂસ થશે
  • અમુક કિસ્સાઓમાં ડોક અને ખભાના સાંધામાં અકળામણ શરૂ થવા લાગે છે
  • આ સ્થિતિ મોટા ભાગે વધુપડતું ટેન્શન લેવાને કારણે સર્જાય છે
  • હળવા શારીરિક સંપર્કને કારણે પણ શરીરમાં અકળામણ, ખેંચાણ અને પીડા શરૂ થાય છે

પ્રશ્ન- આ બીમારીનાં લક્ષણો તરત સામે આવે છે કે ધીમે-ધીમે?
જવાબ-
ધીમે-ધીમે સામે આવે છે.

પ્રશ્ન- સૌથી પહેલા લક્ષણો શરીરનાં કયાં અંગોમાં દેખાય છે?
જવાબ-
આ લક્ષણો મુખ્યત્વે પગથી શરૂ થાય છે અને હાથથી થઈને સીધા ડોક સુધી પહોંચે છે઼

પ્રશ્ન- શું આ લક્ષણો જીવલેણ છે, જેથી વ્યક્તિનું મોત થઈ શકે?
જવાબ-
ના, એવું નથી. જોકે એને કારણે રોજિંદા કામમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે. અમુક દર્દીઓએ હલન-ચલન માટે વ્હીલચેરનો પણ ટેકો લેવો પડે છે તો અમુક લોકો તો આજીવન બેડ પર જ રહેવું પડે. ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઈટિસ અને અસ્થમા જેવી ગંભીર પરિસ્થિતિઓની જેમ SPSની સ્થિતિ પણ તમારા આયુષ્યમાં ઘટાડો કરી શકે છે.

પ્રશ્ન- કયા લોકોને SPS થવાનું જોખમ વધુપડતું રહે છે?
જવાબ-
આમ તો આ બીમારી કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ 30-60 વર્ષની ઉમરના લોકોમાં આ બીમારી વધુપડતી જોવા મળી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ઉંમરના લોકોમાં ટેન્શનનું પ્રમાણ વધારેપડતું રહે છે અને આ કારણસર જ આ ઉંમરના લોકો વધુપડતાં આ બીમારીના શિકાર બન્યા છે.

આ સિવાય ડાયાબિટીસ, થાઇરાઇડ, વિટિલિગો, બ્રેસ્ટ કેન્સર, થાઇરાઈડ કેન્સર, લંગ કેન્સર અને કોલોન કેન્સર જેવી ઓટોઈમ્યુન બીમારીઓથી ઝઝૂમી રહેલા લોકો સ્ટિફ પર્સન સિન્ડ્રોમ એટલે કે SSPનું જોખમ વધારેપડતું રહે છે.

પ્રશ્ન- પુરુષો અને મહિલાઓમાં આ બીમારી કોને વધુ થાય છે?
જવાબ-
પુરુષોની સાપેક્ષે મહિલાઓ આ બીમારીની શિકાર વધુ બને છે.

નોંધ લો- SPSથી પીડાતા દર્દીઓમાં 1/3 દર્દીઓમાં ડાયાબિટીસ જોવા મળ્યો

પ્રશ્ન- શું SPSનો ઈલાજ સંભવ છે?
જવાબ-
હા, એની ટ્રીટમેન્ટ ચાર પ્રકારે થાય છે
દવાઓ- ડૉક્ટર્સ એવી દવાઓ આપે છે કે જે તમારા શરીરની અકળામણને ઘટાડે છે. સાંધાનો દુખાવો ઘટાડવા માટે પણ દર્દીઓને દવા આપવામાં આવે છે.

IVF ઈન્જેક્શન- ઈન્ટર વિનસ ઈમ્યુનો ગ્લોબ્યુલિન ઈન્જેકશન અસામાન્ય એન્ટિબોડીઝને ઘટાડવાનું કામ કરે છે. બીજી ઓટોઈમ્યુન બીમારીઓ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

બોટોક્સ ઈન્જેક્શન- ઘણીવાર સાંધા વધુપડતા અકડાઈ જાય છે અને ટાઈટ થઈ જાય છે તો બોટોક્સનાં ઈન્જેક્શન આપવામાં આવે છે. એનાથી સાંધા રિલેક્સ થઈ જાય છે.

ફિઝિયોથેરાપી- અમુક પ્રકારની સ્ટ્રેચિંગ એકસર્સાઈઝ પણ મસલ્સને હળવા કરે છે. અમુક દર્દીઓએ આજીવન ફિઝિયોથેરાપી લેવી પડે છે.

પ્રશ્ન- આપણા ઘરમાં કોઈ આ બીમારી સામે ઝઝૂમી રહ્યું છે તો આપણે શું કરી શકીએ?
જવાબ-
લક્ષણો જુઓ અને એને તરત જ ડૉક્ટર પાસે લઈ જાઓ. લોહીની તપાસ અને EMG કરાવીને ખાતરી કરો. તેની તમામ દવાઓ એકદમ સુરક્ષિત છે. આ સિવાય પરિવારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દર્દીએ હંમેશાં એક્ટિવ રહેવું જોઈએ અને સમયાંતરે સ્ટ્રેચિંગ કરતાં રહેવું જોઈએ. પરિવારના સભ્યોને પ્રેરિત કરતા રહો અને સકારાત્મક વલણ જાળવતા રહો, કારણ કે તેના દર્દીઓ ઘણીવાર ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા છે.

પ્રશ્ન- શું નાનાં બાળકોને પણ આ બીમારી થઈ શકે છે?
જવાબ-
હા, ચોક્કસ. આવામાં તેમને વોકિંગ અને સ્પોર્ટ્સમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે 19 થી 65 વર્ષની વયના લોકોને આ બીમારી થઈ શકે છે.

પ્રશ્ન- શું આ બીમારી સંપૂર્ણપણે મટી શકે છે?
જવાબ-
આ બીમારીનો હાલ સંપૂર્ણ ઇલાજ નથી. દર્દીને આરામદાયક લાગે એ માટે એની સારવાર આપવામાં આવે છે. ઘણી પેઇનકિલર્સ આપવામાં આવે છે. સારવારથી દર્દીનું જીવન થોડું સરળ બની જાય છે, પરંતુ ક્યારેય એવો સમય નથી આવતો કે દર્દી તમામ દવાઓ અને સારવાર બંધ કરીને સામાન્ય જીવન જીવવાનું શરૂ કરી દે. આ જીવનભરનો રોગ છે.

જાણવા જેવું
SPSના દર્દીઓ કોઈપણ રીતે પર્ફોર્મ કરી શકતા નથી

આ બીમારી મનુષ્યના રોજિંદા જીવન પર ખૂબ જ અસર કરે છે. જો કોઈ એથ્લીટ હોય તો તે દોડી શકતો નથી, તેણે ફરવા જતાં પહેલાં વિચારવું પડે છે. આ સાથે જ સિંગર સેલિન ડિયોન જેવી કોઇ વ્યક્તિ હોય તો સ્ટેજ પર્ફોર્મ કરવું મુશ્કેલ થઇ જાય છે.

જાણો સારવારનો ખર્ચ અને એની કિંમત
દેશનાં તમામ મોટાં ન્યુરોલોજિસ્ટ કેન્દ્રોમાં SPS સારવાર ઉપલબ્ધ છે. તમારે હવે વિદેશ જવાની જરૂર નથી. આ દવાની કિંમત દર મહિને 2થી 3 હજાર રૂપિયા હોઈ શકે છે. IVIG ઇન્જેક્શનના કોર્સની કિંમત 4 લાખ રૂપિયા છે. આ સાથે જ બોટોક્સ ઈન્જેક્શન લેવા માટે 20થી 25 હજાર રૂપિયા ખર્ચ કરવો પડશે.

આ બીમારીની જાણ પહેલીવાર 1920માં થઈ હતી
SPS વિશે સૌપ્રથમ 1920ના દાયકામાં વાત કરવામાં આવી હતી. જ્યારે આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં દર્દીઓ કાપેલા લાકડાની જેમ પડી રહ્યા હતા. 1956માં 14 દર્દી એવા હતા, જેમને કરોડરજ્જુ, પેટ અને જાંઘના સ્નાયુઓમાં અક્કડપણું અને દુખાવો થતો હતો. આ રોગ મહિલાઓ અને બાળકોમાં પણ જોવા મળ્યો હતો, આથી જ ફ્રેડરિક મોર્શ અને હેનરી વોલ્ટમેને તેનું નામ સ્ટિફ પર્સન સિન્ડ્રોમ રાખ્યું હતું.