કોરોનાને લગભગ બે વર્ષ થવા આવ્યા છે, આ દરમિયાન વેન્ટિલેટર અને ઓક્સિજનના અભાવે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી લહેરનો સામનો કર્યા બાદ દેશમાં ત્રીજી લહેરની આશંકા છે. આવી સ્થિતિમાં એ સવાલ છે કે ત્રીજી લહેર માટે દેશ કેટલો તૈયાર છે? ત્રીજી લહેરની તૈયારીમાં બ્રિટનનું આ રિસર્ચ ભારત માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેમાં સ્લીપ એપનિયા માસ્ક કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર જવાથી બચાવી શકે છે.
CPAP મશીનો કોરોના પીડિતને વેન્ટિલેટર પર જવાથી બચાવી શકે છે
વારવિક યુનિવર્સિટી અને ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના સંશોધકોને જાણવા મળ્યું કે એપનિયા માસ્ક એટલે કે કન્ટિન્યુ પોઝિટિવ એરવે પ્રેશર (CPAP)મશીનોમાં કેટલાક ગંભીર રીતે બીમાર દર્દીઓને વેન્ટિલેટર પર જવાથી બચાવી શકે છે. આ થેરપીમાં અપર-એર-વે કોલેપ્સ હોવાથી બચાવ માટે ફેફસામાં એર પંપ કરવામાં આવે છે. એટલે કે તે શ્વાસની નળીના ઉપરના ભાગને નિષ્ક્રિય થવાથી બચાવે છે અને પ્રેશરની સાથે ફેફસાંમાં હવા મોકલે છે.
CPAP થેરપી લેનાર લોકોમાં મૃત્યુની આશંકા ઘણી ઓછી
રિસર્ચમાં જાણવા મળ્યું કે, CPAP થેરપી લેનાર લોકોમાં 30 દિવસની અંદર વેન્ટિલેટર પર જતા અથવા પછી મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘણી ઓછી હતી. CPAP થેરપી લેનાર 377 લોકોમાંથી 240 લોકોને એટલે કે 63 ટકા લોકોને વેન્ટિલેટરની જરૂર નહોતી પડી. તેમાંથી માત્ર 137 એટલે કે 36.3 ટકા લોકોને કાં તો વેન્ટિલેટરની જરૂર પડી અથવા 30 દિવસની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે સ્ટાન્ડર્ડ ઓક્સિજન ટ્રીટમેન્ટ લેતા 356 લોકોમાં 158 લોકો એટલે 44.4 ટકા લોકોની કન્ડિશન વધારે ખરાબ થઈ ગઈ.
રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે ICUમાં દાખલ CPAP થેરપી લેતા 12માંથી માત્ર 1 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી. સ્ટડીના કો-ઓથર ડેની મેકોલીના જણાવ્યા પ્રમાણે, કોરોનાના તે દર્દી જેમણે વધારે ઓક્સિજનની જરૂર હોય છે, તેમના માટે CPAP થેરપી સારો ઓપ્શન હોઈ શકે છે અને તેનાથી થઈ શકે છે તેમને વેન્ટિલેટરની જરૂર ન પડે.
ભારત માટે સારો ઓપ્શન હોઈ શકે છે એપનિયા માસ્ક
ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેરના અનુસાર, એક વર્ષ પહેલા 136.64 કરોડ વસ્તીવાળા દેશમાં લગભગ 40 હજાર વેન્ટિલેટર હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડૉક્ટર ભારતી પ્રવીણ પવારના અનુસાર, અત્યારે દેશમાં 57,518 વેન્ટિલેટર છે. દેશમાં અત્યાર સુધી 4.27 લાખ લોકોના મૃત્યુ કોરોના સંક્રમણના કારણે થયા છે, જેમાંથી ઘણા લોકોને ઓક્સિજન અને વેન્ટિલેટરના કારણે જીવ ગુમાવવો પડ્યો. આવી સ્થિતિમાં એપનિયા માસ્ક ભારતના લોકો માટે એક સારો ઓપ્શન હોઈ શકે છે.
કોરોના સંક્રમણના શરૂઆતના દિવસોમાં આ થેરપી ઘણી મદદ કરે છે
CPAP મશીનનું કોમ્પ્રેસર દબાણયુક્ત હવાનો સતત પ્રવાહ બનાવે છે. એક એર ફિલ્ટર દ્વારા ટ્યુબથી શુદ્ધ હવા દર્દીના નાક અથવા મોંની પાસે તેના માસ્કમાં પહોંચે છે. ઊંઘમાં કોઈપણ મુશ્કેલી વગર તમારા ફેફસાંને ભરપૂર ઓક્સિજન મળે છે. કોવિડ મહામારીના સમયમાં આ મશીનનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. સંક્રમણના શરૂઆતના તબક્કા દરમિયાન આ ઉપચાર ઘણો ઉપયોગી છે અને ફેફસાંને સુરક્ષિત રાખે છે.
CPAP માસ્ક સ્લીપ એપનિયાના દર્દીઓ માટે બનાવવામાં આવ્યો હતો
તે મૂળ રીતે સ્લીપ એપનિયા પીડિતો માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો, જે તેમને ઊંઘમાં શ્વાસ લેવામાં મદદ કરે છે અને તેમના નસકોરાને રોકે છે. પરંતુ NHSના જણાવ્યા પ્રમાણે, આ એપનિયા માસ્ક બીજી સ્થિતિમાં મદદગાર છે, તેથી કોરોના દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સ્લીપ એપનિયામાં ઊંઘમાં દર્દીનો શ્વાસ અચાનક બંધ થઈ જાય છે
સ્લીપ એપનિયા એટલે કે એવી બીમારી, જેમાં ઊંઘમાં દર્દીનો શ્વાસ અચાનક બંધ થઈ જાય છે અને તે એકદમ ઉઠીને બેસી જાય છે અથવા બેચેન થઈ જાય છે. આ ઊંઘ સાથે જોડાયેલી એક બીમારી છે, જેમાં મોટાભાગના દર્દીઓને તેની ખબર નથી હોતી. તેને એ રીતે સમજો જેવી રીતે નસકોરા બોલાવતા લોકોને ઊંઘમાં ખબર જ નથી હોતી કે તેઓ નસકોરા બોલાવી રહ્યા છે, તેવી જ રીતે સ્લીપ એપનિયાના દર્દીઓને પણ ખબર નથી પડતી કે ઊંઘતી વખતે તેમના શ્વાસ રોકાઈ ગયા હતા. ઊંઘમાં શ્વાસ બંધ થઈ જવાની સમસ્યા ક્યારેક ક્યારેક અમુક સેકન્ડથી લઈને અમુક મિનિટ સુધી પણ હોઈ શકે છે.
યુકેની 48 હોસ્પિટલમાં રિસર્ચ થયું
આ રિસર્ચ યુકેની લગભગ 48 હોસ્પિટલમાં થયું છે. તેમાં એ જાણવા મળ્યું કે, CPAP થેરપી લેનાર દર્દીઓમાં વેન્ટિલેટર પર જવાની અથવા મૃત્યુ પામવાની સંભાવના નોંધપાત્ર રીતે ઓછી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.