પૈસાની જરૂર પડવા પર તમે ગોલ્ડ લોન લઈ શકો છો. તેમાં તમને સરળતાથી અને ઓછા વ્યાજ દર પર લોન મળે છે. બેંકો 7%ના વ્યાજ દર પર ગોલ્ડ લોન આપી રહી છે. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને આવી જ 6 બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે તમને ગોલ્ડ લોન લેતા પહેલા ખબર હોવી જોઈએ.
કેટલા સમય માટે લોન લઈ શકાય છે?
સામાન્ય રીતે તમને લોન ચૂકવવા માટે 3થી 2 વર્ષ સુધીનો સમય મળે છે. પરંતુ તે બેંકો અને NBFC પર આધાર રાખે છે. જેમ કે, HDFC બેંક 3 મહિનાથી બે વર્ષ સુધી માટે લોન આપે છે. SBI ત્રણ વર્ષ માટે આપે છે. મુથૂટ અને મન્નાપુરમ વધારે સમય માટે લોન આપે છે.
મહત્તમ કેટલી ગોલ્ડ લોન લઈ શકો છો?
તમને વધુમાં વધુ એક લાખના સોના પર 90 હજાર રૂપિયાની લોન મળશે. ગુરુવારે RBIએ તેને વધારીને 90 હજાર કરી છે. આ અગાઉ તે 75 હજાર હતી. ઓછામાં ઓછી તમને 10 હજાર રૂપિયાની લોન મળી શકે છે. SBI 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. મુથૂટ ફાઈનાન્સ જેવી કંપનીઓ 1500 રૂપિયા પણ લોન આપે છે. જો કે, આ કંપનીઓ ફક્ત ગોલ્ડ લોન આપે છે, તેથી મહત્તમ મર્યાદા નથી.
ગોલ્ડ લોન લેવા માટે શું કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે છે?
જો તમે વધારે લોન લો છો, તમારે પેન કાર્ડ, આધાર વગેરે આપવું પડશે. તે ઉપરાંત તમારે સરનામાનો પુરાવો આપવો પડશે. સાથે તમે જ્યાંથી સોનું ખરીદ્યું છે, તેનું પણ બિલ આપવું પડી શકે છે.
શું તેમાં તમારો ક્રેડિટ સ્કોર જોવામાં આવે છે?
ગોલ્ડ લોન એક પ્રકારની સિક્યોર્ડ લોન હોય છે. તેથી તેમાં તમારા ક્રેડિટ સ્કોરનું મહત્ત્વ નથી હોતું. આ લોન તમને પર્સનલ લોનની તુલનામાં સરળતાથી અને ઓછા વ્યાજ પર મળે છે.
લોન કેવી રીતે ચુકવશો?
બેંક અથવા NBFC તમને લોનની રકમ અને વ્યાજની ચૂકવણી (રીપેમેન્ટ) કરવા માટે ઘણા ઓપ્શન આપે છે, તમે તેમાંથી તમારી જરૂરિયાત મુજબ કોઈપણ પસંદ કરી શકો છો. તમે સમાન માસિક હપ્તા (EMI)માં ચૂકવણી કરી શકો છો. તે ઉપરાંત તમે એક સામટી રકમની મૂળ ચૂકવણી દરમિયાન વ્યાજ ચૂકવી શકો છો. તેને બુલેટ રીપેમેન્ટ કહેવામાં આવે છે અને તેમાં બેંકો માસિક ધોરણે વ્યાજ લે છે.
લોન ન ચૂકવવા પર તમારા સોનાનું શું થશે?
જો તમે સમયસર લોનની ભરપાઈ નથી કરી શકતા તો લોન આપતી કંપનીને તમારું સોનું વેચવાનો અધિકાર છે. તે ઉપરાંત જો સોનાની કિંમતમાં ઘટાડો થાય છે તો શાહુકાર તમને વધારે સોનું ગિરવે રાખવા માટે પણ કહી શકે છે. ગોલ્ડ લોન લેવી ત્યારે યોગ્ય છે જ્યારે તમને થોડા સમય માટે પૈસાની જરૂર હોય. ઘર ખરીદવા જેવા મોટા ખર્ચ માટે તેનો ઉપયોગ ન કરવો તે યોગ્ય રહેશે નહીં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.