શુદ્ધતાની કસોટી:મધમાં ભેળસેળ છે કે નહીં તે ઘેરબેઠાં પારખવાના 5 સિમ્પલ ટેસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવારે દિલ્હીની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) સંસ્થાએ ભારતમાં વેચાતી મધની મસમોટી બ્રાન્ડમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ બહાર પાડીને ખળભળાટ મચાવી દીધો. રિપોર્ટ પ્રમાણે પતંજલિ, ડાબર, ઝંડુ, બૈદ્યનાથ સહિતની 13 અગ્રણી હની બ્રાન્ડમાં 50 ટકા કે તેનાથી પણ વધારે પ્રમાણમાં ચીનથી આયાત કરેલા સુગર સિરપની ભેળસેળ જોવા મળી છે.

એકદમ શુદ્ધ મધ ચરબી અને કોલેસ્ટેરોલથી મુક્ત હોય છે અને સાથોસાથ મિનરલ્સ જેવાં પોષકતત્ત્વો, લિવિંગ એન્ઝાઇમ્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો પણ વિપુલ પ્રમાણમાં હોય છે. શુદ્ધ મધ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આની સામે ભેળસેળિયું મધ આપણા સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની નકારાત્મક અસર કરે છે. ઓબેસિટીથી લઇને ડાયાબિટીઝ જેવી ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે.

પરંતુ જ્યારે અગ્રણી બ્રાન્ડનાં મધની સામે જ ભેળસેળના ગંભીર આરોપો લાગતા હોય ત્યારે સવાલ એ છે કે મધની શુદ્ધતા પારખવી કઈ રીતે? ભારતના 'ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા' (FSSAI)એ આ માટે કેટલાક ઘરગથ્થુ ટેસ્ટ સૂચવ્યા છે.

વૉટર ટેસ્ટ

મધમાં ખાંડની ચાસણી ભેળવેલી છે કે કેમ તે પારખવા માટે કાચના ગ્લાસમાં પાણી લો અને તેમાં થોડું મધ રેડો. યાદ રહે, મધને પાણીમાં હલાવશો નહીં. મધ પાણી કરતાં ભારે હોવાથી તે પાણીમાં ગ્લાસના તળિયે બેસી જાય છે અને તેને પોતાની જાતે પાણીમાં ઓગળતાં ખાસ્સો સમય લાગે છે. શુદ્ધ મધ પાણીમાં ભળતું નથી અને પાણીના તળિયે જ સ્થિર થઈ જાય છે. પરંતુ જો મધમાં ચાસણીની ભેળસેળ હશે તો તે પાણીમાં હલાવ્યા વિના જ આપમેળે ઓગળવા માંડે છે.

વિનેગર
નકલી ભેળસેળિયા મધ અને શુદ્ધ મધ વચ્ચેનો તફાવત પારખવામાં વિનેગર મદદે આવી શકે છે. વિનેગર અને પાણીના મિશ્રણમાં મધનાં થોડાં ટીપાં ઉમેરો. જો પાણી, વિનેગર અને મધના આ દ્રાવણમાં ફીણ થવા માંડે તો તમારું મધ ભેળસેળિયું હોવાની પૂરી શક્યતા છે.

સાદા પાણીની બરણીમાં થોડું મધ રેડો. બરણીનું ઢાંકણ બંધ કરીને તેને ખૂબ જ હલાવો અને સ્થિર થવા મૂકી દો. બરણીના પ્રવાહીની સપાટી પર ફીણ બાઝશે. શુદ્ધ મધ ધરાવતી બરણીમાં પાણી પરનાં ફીણ લાંબો સમય સુધી રહે છે.

હીટ ટેસ્ટ

હીટ ટેસ્ટથી પણ મધની શુદ્ધતા ઘેરબેઠાં પારખી શકાય છે. રૂના પુમડાને મધમાં બોળીને દિવાસળીથી સળગાવવાનો પ્રયાસ કરીએ તો શુદ્ધ મધવાળું રૂ ફટાફટ સળગી જશે, જ્યારે ભેળસેળિયું મધ સળગવામાં આનાકાની કરશે. કેમ કે, ભેળસેળ કરવા માટે વપરાતા પદાર્થોને લીધે મધમાં ભેજનું પ્રમાણ વધે છે, જે તેને આસાનીથી સળગવા દેતું નથી. આ પ્રયોગ સાવધાનીપૂર્વક કરવો.

બ્લોટિંગ પેપર કે પેપર નેપ્કિન ટેસ્ટ

એક ચમચી મધ લઇને બ્લોટિંગ પેપર કે સારી ક્વોલિટીના પેપર નેપ્કિન પર રેડો. જો મધ શુદ્ધ હશે તો તે કાગળમાં નહીં ચુસાય. પરંતુ તેને જાતભાતનાં સુગર સિરપથી ડાયલ્યુટ કરેલું હશે તો તે કાગળમાં ચુસાવા માંડશે અને કાગળ પર ભીનો ડાઘ પાડશે.

થમ્બ ટેસ્ટ

થોડું મધ હાથના અંગૂઠા પર રેડો. ઊંચી સ્નિગ્ધતાને કારણે ઘટ્ટ મધ અંગૂઠા પર જ સ્થિર રહે છે. જ્યારે ભેળસેળિયું મધ હળવેકથી અંગૂઠાની સપાટી પરથી નીચે સરકવા માંડે છે.

મધમાં ચોપસ્ટિક જેવી સળી બોળીને બહાર કાઢીએ ત્યારે શુદ્ધ મધ ભેળસેળિયા મધ કરતાં લાંબા સમય સુધી પાતળી ધારે ટપકતું રહે છે.