તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • 10 Types Of Loans Including Top Up Or Covid 19 Personal Loan Will Be Useful To Meet The Economic Crisis In Corona Crisis, Money Problem Will Be Eliminated

લોન:કોરોના ક્રાઇસિસમાં આર્થિક તંગીને પહોંચી વળવા ટોપ અપ અથવા કોવિડ-19 પર્સનલ લોન સહિત 10 પ્રકારની લોન ઉપયોગી બનશે, પૈસાની સમસ્યા દૂર થશે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક બેંકોએ કોવિડ-19 પર્સનલ લોન આપવાની શરૂઆત પણ કરી છે
  • જો તમારી પાસે FD હોય તો તેની પર પણ લોન લઈ શકાય છે

દેશમાં કોરોનાનો રોગચાળો ચાલી રહ્યો છે. તેની ગંભીર અસરો દેશની અર્થવ્યવસ્થા પર પડી છે. પરિણામે લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની નોકરીઓ જતી રહી છે. આવી પરિસ્થિતિમાં જો તમને પૈસાની જરૂર હોય તો નીચે આપવામાં આવેલી કેટલીક ટિપ્સ અનુસરીને તમે પૈસાની વ્યવસ્થા કરી શકો છો.

ગોલ્ડ લોન
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહિત દેશની મોટાભાગની બેંકોએ પર્સનલ ગોલ્ડ લોનની સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહક સોનું રાખીને તેની પર લોન લઈ શકે છે. SBI 7.75%ના વાર્ષિક વ્યાજ દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. SBI સિવાય બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક બરોડા સહિતની બેંકો પણ ગોલ્ડ લોન આપી રહી છે.

કોવિડ-19 પર્સનલ લોન
કેટલીક બેંકોએ કોવિડ-19 પર્સનલ લોન આપવાની શરૂ કરી છે. આ બેંકોમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર બેંક અને બેંક ઓફ ઇન્ડિયા સામેલ છે. કોવિડ-19 પર્સનલ લોનમાં ઝીરો પ્રોસેસિંગ ફી અને ઓછા વ્યાજ દર સહિતની ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. જો તમારી બેંક કોવિડ-19 પર્સનલ લોન આપી રહી હોય તો પૈસા તંગી દૂર કરવા તમે તે લઈ શકો છો.

ટોપ-અપ હોમ લોન
તમારી પૈસાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમે બેંકમાંથી ટોપ-અપ લોન પણ લઈ શકો છો. આ લોન તમને નીચા વ્યાજ દરે નાણાં પૂરા પાડે છે. જો તમે હોમ લોન લીધી હોય તો તમે સરળતાથી બેંક સાથે વાત કરી શકો છો અને તે લોન પર ટોપ-અપ મેળવી શકો છો. ટોપ અપ લોનના વ્યાજ દર હોમ લોન કરતાં થોડા વધારે છે. પરંતુ તે પર્સનલ લોન કરતાં ઓછા હોય છે.

ક્રેડિટ કાર્ડ પર લોન
ક્રેડિટ કાર્ડ આપતી નાણાંકીય સંસ્થાઓ કાર્ડધારકોને તેમના કાર્ડના પ્રકાર, ખર્ચ અને રિ-પેમેન્ટના આધારે ક્રેડિટ આપે છે. એકવાર કાર્ડધારક આ લોન મેળવી લે તો તેની ક્રેડિટ લિમિટ એ રકમ કરતાં ઘટી જશે. જો કે, કેટલીક બેંકો ક્રેડિટ કાર્ડ સામે માન્ય ક્રેડિટ લિમિટ કરતાં વધુ રકમની લોન આપે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો પછી તમે તેના પર લોન લઈ શકો છો.

પ્રોપર્ટી સામે લોન
તમે તમારા ઘર અથવા અન્ય સંપત્તિ પર લોન લઈ શકો છો. વ્યાજ દર લગભગ 8.95%થી શરૂ થાય છે અને તે બેંક, લોનની રકમ અને ક્રેડિટ પ્રોફાઇલ પર આધારિત હોય છે. લોનની મુદત 20 વર્ષ સુધી વધી શકે છે. કેટલી લોન મળશે તે લેનારાના ક્રેડિટ સ્કોર અને પ્રોપર્ટીની કિંમત પર આધારિત હોય છે.

PF અકાઉન્ટમાંથી પણ પૈસા ઉપાડી શકાય છે
જો તમને પૈસાની જરૂર હોય તો તમે તમારા PF અકાઉન્ટમાંથી પૈસા પણ ઉપાડી શકો છો. ખાતાધારક હોમ લોન ચૂકવણી માટે કુલ ડિપોઝિટના 90% રકમ ઉપાડી શકે છે. તેમજ, લગ્ન માટે આ લિમિટ 50% રાખવામાં આવી છે. જો નોકરી જતી રહી હોય વ્યક્તિ 1 મહિના પછી PF અકાઉન્ટમાંથી 75% પૈસા ઉપાડી શકે છે. આનાથી તે બેકારી દરમિયાન તેની જરૂરિયાતો પૂરી કરી શકે છે. PFમાં બાકીની 25% ડિપોઝિટની રકમ નોકરી છૂટ્યાના બે મહિના પછી ઉપાડી શકાશે.

FD પર લોન લઈ શકાય
જો તમારી પાસે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હોય તો તમે તેની પર લોન લઈ શકો છો. આના પર સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મળે છે. એવી ઘણી બેંકો છે જે FD પર 6% કરતા ઓછા વ્યાજે લોન આપી રહી છે. જો તમે FD પર લોન લો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતાં તમારે 1%-2% વધુ ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું હોય તો તમે 6% વ્યાજ દરે લોન મેળવી શકો છો. તમે FDની વેલ્યૂના 90% સુધી લોન લઈ શકો છો. માની લો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા હોય તો તમને 1 લાખ 35 હજાર રૂપિયાની લોન મળશે.

મુદ્રા લોન લઇને પોતાનો બિઝનેસ શરૂ કરી શકાય
નોકરી છૂટી જવાને કારણએ જો બેરોજગાર થઈ ગયા હો અને જો હવે તમારે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો તમે મુદ્રા લોન પણ લઈ શકો છો. આ અંતર્ગત તમને 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને આ લોન ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. કોઈપણ વ્યક્તિ જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતી હોય તે આ યોજના હેઠળ લોન લઈ શકે છે. આ યોજનાનો હેતુ શેરી વિક્રેતાઓથી લઇને નાના ઉદ્યોગોને કોઈપણ ગેરંટી વગર લોન આપવાનો છે.

જનધન ખાતાંના લાભાર્થીઓ ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મેળવી શકાશે
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને બેંક સાથે જોડવા માટે જન ધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબોને અનેક પ્રકારના લાભ પૂરા પાડવામાં આવે છે. જેમાં 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફટ સુવિધા સામેલ છે. એટલે કે, તમને જ્યારે જરૂર પડે ત્યારે તમારા જન ધન ખાતામાંથી 5,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું પડશે, જ્યારે તમારા ખાતાંમાં પૈસા ન હોય ત્યારે ઓવરડ્રાફટ સુવિધા મેળવી શકાય છે. જો કે, તેના પર વ્યાજ લેવામાં આવે છે. આ સુવિધા મેળવવા માટે તમારે બેંકમાં જવું પડશે.

સરકારી યોજનાનો લાભ લઈ શકાય
જો નોકરી છૂટી જવાને કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે સરકારની યોજનાઓનો લાભ લઈને તમારા પોતાનું નાનું-મોટું કામ શરૂ કરી શકો છો. તાજેતરમાં શરૂ થયેલ પીએમ સ્વાનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ, નાની દુકાનો ચલવનારાઓ અને શાકભાજી વેચતા લોકોને 10,000 રૂપિયાની લોન આપવામાં આવી છે, જે હપ્તામાં ચુકવી શકાય છે. આ પૈસાથી તમે એક નાનું કાર્ય શરૂ કરી શકો છો અને તમારી પાસે પૈસા થાય ત્યારે તેને ચૂકવી શકો છો. આ લોન માટે કોઈ ગેરંટી આપવાની જરૂર રહેતી નથી.