તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શાઓમીના ફોનમાં બેન થયેલી ચાઈનીઝ એપ પ્રિ-ઈન્સ્ટોલ્ડ નહીં હોય, કંપની ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરશે

એક વર્ષ પહેલા
શાઓમી ઈન્ડિયાના હેડ મનુકુમાર જૈને ટ્વીટ કરી ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની નવી અપડેટ વિશે માહિતી આપી
  • શાઓમી ઈન્ડિયાના હેડ મનુકુમારે કહ્યું કે, કંપની સરકાર દ્વારા મૂકાયેલા પ્રતિંબધોનું પાલન કરી રહી છે
  • કંપનીએ સરકારને 77 સવાલોના જવાબ આપ્યા છે
  • બેન કરેલી ચાઈનીઝ એપ્સમાં શાઓમીની Mi બ્રાઉઝર અને Mi કમ્યુનિટી પણ સામેલ છે
  • કંપની વર્ષ 2018થી યુઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરે છે

ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોનનું વેચાણ કરતી ચાઈનીઝ ટેક બ્રાન્ડ સરકારના કડક વલણ સામે ઝૂકી છે. કંપની હવે ભારતમાં બેન થયેલી ચાઈનીઝ એપને પ્રિ-ઈન્સ્ટોલ્ડ નહીં કરે. સાથે જ કંપની તેની ઓપરેટિંગ સિસ્ટમ MIUIનું નવું વર્ઝન પણ લોન્ચ કરશે. શાઓમી ઈન્ડિયાના હેડ મનુકુમાર જૈને ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે.

બેન થયેલી એપ પ્રિ-ઈન્સ્ટોલ્ડ નહીં હોય
મનુ કુમારે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર દ્વારા બેન કરવામાં આવેલી એક પણ ચાઈનીઝ એપ્સ શાઓમીના ફોન્સમાં હવે પ્રિ-ઈન્સ્ટોલ્ડ નહીં હોય. કંપની તેના માટે નવી MIUI અપડેટ તૈયાર કરી રહી છે.

વર્ષ 2018થી યુઝર્સનો ડેટા ભારતમાં જ રહે છે
મનુ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ભારતીય યુઝર્સે પ્રાઈવસીને લઈને ચિંતા કરવી નહીં પડે. શાઓમી ભલે ચાઈનીઝ બ્રાન્ડ હોય, પરંતુ વર્ષ 2018થી યુઝર્સનો ડેટા ભારતના જ સર્વરમાં સ્ટોર થઈ રહ્યો છે. સાથે જ મનુએ જણાવ્યું છે કે, યુઝર્સનો કોઈ પણ પ્રકારનો ડેટા દેશની બહાર જતો નથી. શાઓમીની એપ્સના બેનને લઈને જે લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે કંપની પાસે અધિકાર છે કે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી શકે. ઉલ્લેખનીય છે કે જ્યારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ ભારતમાં બેન થઈ હતી તેમાં શાઓમીની અનેક એપ્સ સામેલ હતી. ત્યારબાદ દેશમાં શાઓમી સહિત અનેક ચાઈનીઝ પ્રોડક્ટ્સના વિરોઝના વંટોળ શરૂ થયા હતા.

શાઓમીનું Mi બ્રાઉઝર બેન
ગલવાન ઘાટીમાં થયેલા સીમા વિવાદ બાદ અત્યાર સુધી ભારતમાં કુલ 106 ચાઈનીઝ એપ બેન થઈ છે. તેમાં શાઓમીનું Mi બ્રાઉઝર અને Mi કમ્યુનિટી એપ પણ છે. Mi બ્રાઉઝર પર યુઝર્સનો ડેટા ચોરી કરી ચીન સુધી પહોંચાડવાનો આરોપ હતો. જોકે કંપનીએ તેનો ઈનકાર કર્યો છે. કંપની શાઓમીના ડિવાઈસમાં બ્રાઉઝર અને કમ્યુનિટી સહિત અનેક બેન થયેલી એપ્સ પ્રિલોડેડ આપે છે. જોકે હવે કંપની તેની પોલિસીમાં ફેરફાર કરવા જઈ રહી છે.

શાઓમીનો સરકારને જવાબ
કંપની અને સરકાર વચ્ચે બેન કરવામાં આવેલી એપ્સને લઈને કાયદાકીય વાતચીત ચાલી રહી છે. શાઓમીએ પણ અન્ય કંપનીઓની જેમ સરકારને 77 સવાલોના જવાબ આપી પોતાની સ્પષ્ટતા કરી છે.