અપકમિંગ ટેક્નોલોજી:વાયર કે અડોપ્ટરની માથાકૂટ વગર હવે અવાજ માત્રથી તમારો સ્માર્ટફોન ચાર્જ થઈ જશે, શાઓમી કંપનીએ નવી ટેક્નોલોજીની પેટન્ટ ફાઈલ કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અવાજથી ડિવાઈસ ચાર્જ કરી શકે તેવી ટેક્નોલોજીની કંપનીએ ચાઈના નેશનલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એડમિનિસ્ટ્રેશનમાં પેટન્ટ ફાઈલ કરાવી
  • તેમાં પાવર કન્વર્ઝેશન ડિવાઈસ એન્વાયર્મેન્ટલ વાઈબ્રેશનને મિકેનિકલ વાઈબ્રેશનમાં પરિવર્તિત કરશે

છેલ્લા કેટલાક વર્ષોમાં ફોલ્ડેબલ ફોનથી લઈને વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીએ સ્માર્ટફોન માર્કેટની કાયા પલટ કરી નાખી છે. શાઓમી, રિયલમી અને એપલ સહિતની અનેક કંપનીઓ વાયરલેસ ચાર્જિંગ ટેક્નિક રજૂ કરી ચૂકી છે. તેનાથી એક સ્ટેપ આગળ ચાલીને હવે શાઓમી એક મજેદાર ચાર્જિંગ ટેક્નિક લોન્ચ કરવા જઈ રહી છે. શાઓમી સાઉન્ડ અર્થાત અવાજ દ્વારા જ તમારો સ્માર્ટફોન ચાર્જ થઈ શકે તેવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે.

ચાઈનીઝ વેબસાઈટ GizChinaના રિપોર્ટ પ્રમાણે શાઓમીએ CNIPA (ચાઈના નેશનલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એડમિનિસ્ટ્રેશન)માં પેટન્ટ ફાઈલ કરી છે. તે મુજબ, કંપની એવી ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે જે અવાજથી ડિવાઈસ ચાર્જ કરશે.

આ રીતે અવાજથી ચાર્જ થશે ડિવાઈસ
આ ટેક્નોલોજી 2 કમ્પોનન્ટ પર કામ કરશે. પ્રથમ સાઉન્ડ કલેક્શન ડિવાઈસ અને બીજું પાવર કન્વર્ઝેશન ડિવાઈસ. પાવર કન્વર્ઝેશન ડિવાઈસ એન્વાયર્મેન્ટલ વાઈબ્રેશનને મિકેનિકલ વાઈબ્રેશનમાં પરિવર્તિત કરશે. ત્યારબાદ તે AC (અલ્ટરનેટિંગ કરન્ટ)માં રુપાંતર થશે.

પાવર કન્વર્ઝેશન ડિવાઈસ ACને DC (ડાયરેક્ટ કરન્ટ)માં પરિવર્તિત કરશે. જો શાઓમીની આ ટેક્નોલોજી લોન્ચ થઈ તો ચાર્જિંગ કેબલ, સોકેટ અને વાયરલેસ પેડ જેવી આઈટેમ્સમાંથી મુક્તિ મળશે.

ચાર્જિંગ ટેકમાં શાઓમી એક્ટિવ
કંપની 200 વૉટ ફાસ્ટ ચાર્જિંગ પર કામ કરી રહી છે. આ ટેક્નોલોજી તેનાં નેક્સ્ટ ફ્લેગશિપ ફોનમાં જોવા મળી શકે છે. કંપનીએ તાજેતરમાં જ 'Mi એર ચાર્જ ' ટેક્નોલોજી રજૂ કરી છે. તે એક સાથે મલ્ટિપલ વાઈરલેસ ડિવાઈસ ચાર્જ કરવામાં સક્ષમ છે.

હાઈપરચાર્જ વાયરલેસ ચાર્જિંગ
શાઓમીની 120 વૉટ હાઈપર વાયરલેસ ચાર્જિંગને ગત ઓક્ટોબરમાં લોન્ચ થયેલી 80 વૉટ વાયરલેસ ચાર્જિંગનું સક્સેસર માનવામાં આવી રહ્યું છે. કંપનીએ થોડા દિવસ પહેલાં જ આ લેટેસ્ટ ટેક્નોલોજી લોન્ચ કરી છે. શાઓમીના 80 વૉટ વાયરલેસ ચાર્જિંગથી 4000mAh બેટરીને ફુલ ચાર્જ થવામાં 19 મિનિટ લાગે છે. હાલ Mi 11 પ્રો અને Mi 11 અલ્ટ્રા 67 વૉટ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે.

8 મિનિટમાં ફુલ ચાર્જ થશે 4000mAhની બેટરી
હાઈપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી 4000mAh બેટરીવાળો સ્માર્ટફોન માત્ર 3 મિનિટમાં 50% અને 8 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. આ જ રીતે 120 વૉટનું વાયરલેસ ચાર્જિંગ 4000mAh બેટરીને 1 મિનિટમાં 10% અને 7 મિનિટમાં 50% સુધી ચાર્જ કરી શકે છે. તો 120 વૉટ વાયરલેસ ચાર્જિંગની બેટરી તે 15 મિનિટમાં ફુલ ચાર્જ કરશે.

અન્ય સમાચારો પણ છે...