ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના COO શેરિલ સેન્ડબર્ગે રાજીનામું આપી દીધું છે. શેરિલે 14 વર્ષ પહેલાં વર્ષ 2008માં ફેસબુક જોઈન કર્યું હતું. ફેસબુકને સ્ટાર્ટઅપથી ડિજિટલ એડવર્ટાઇઝિંગ સામ્રાજ્ય બનાવવામાં સેન્ડબર્ગનો મોટો હાથ છે. ફેસબુક હવે એક એવી કંપની છે કે, જે જાહેરખબરોથી વાર્ષિક લગભગ 100 અબજ ડોલરની આવક ઉભી કરે છે. ફેસબુકમાં CEO માર્ક ઝુકરબર્ગ બાદ સેન્ડબર્ગ બીજા નંબરનો સૌથી ચર્ચિત ચહેરો હતો. કરિયર દરમિયાન તેમનું નામ વિવાદો સાથે પણ જોડાયું હતું. કંપની પર ખોટી માહિતી ફેલાવવાનો અને નફરતભર્યા ભાષણનો આરોપ હતો. સેન્ડબર્ગના કેટલાક નિર્ણયો પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો.
જેવિયર ઓલીવન નવા COO
શેરિલ સેન્ડબર્ગના રાજીનામા બાદ મેટાના CEO માર્ક ઝુકરબર્ગે જાવિયર ઓલીવનને કંપનીના નવા COO તરીકે નિયુક્ત કર્યા હતા. 44 વર્ષીય ઓલિવન વર્ષ 2007માં ફેસબુક સાથે જોડાયા હતા. તે સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 કરોડથી પણ ઓછાં લોકો હતા અને અમેરિકાની બહારથી આવતા યુઝર્સનો ખૂબ જ ઓછો હિસ્સો હતો. હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી અન્ય એપ્લિકેશન્સમાં તેના લગભગ 3.6 અબજ યુઝર્સ છે. રોજીંદા યુઝર્સમાં લગભગ 91% લોકો અમેરિકા અને કેનેડાની બહારથી આવે છે. અહેવાલો મુજબ વ્હોટ્સએપની આ ડીલમાં ઓલિવનની મોટી ભૂમિકા રહી છે.
મને લાગતું હતું કે હું 5 વર્ષ જ રહીશ પણ 14 વર્ષ વીતી ગયા
52 વર્ષીય સેન્ડબર્ગે બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટમાં તેણે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ સાથે પહેલીવાર એક પાર્ટીમાં કેવી રીતે મુલાકાત થઈ તે અંગે વાત કરી હતી. જ્યારે તે ફેસબુક સાથે જોડાઈ ત્યારે આ નોકરી વિશે થોડી મૂંઝવણ હતી, કારણકે ફેસબુક તે સમયે સ્ટાર્ટ-અપ હતું. તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, 'જ્યારે હું વર્ષ 2008માં ફેસબુક સાથે જોડાઇ હતી, ત્યારે મેં વિચાર્યું હતું કે હું અહીં 5 વર્ષ રહીશ, પરંતુ અહીં 14 વર્ષ વીતી ગયા. હવે સમય આવી ગયો છે કે, જીવનના એક નવા અધ્યાય તરફ આગળ વધીએ.'
સેન્ડબર્ગ મેટાના બોર્ડ પર રહેશે
આ દરમિયાન માર્ક ઝુકરબર્ગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સેન્ડબર્ગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના બોર્ડમાં રહેશે. સેન્ડબર્ગ સમાજ માટે કામ કરવાની સાથે બાળકો અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે. ઝુકરબર્ગે કહ્યું, "શેરિલે અમારો એડવર્ટાઇઝિંગ બિઝનેસ ડિઝાઇન કર્યો, સારાં લોકોને હાયર કર્યા અને મને કંપની કેવી રીતે ચલાવવી તે શીખવ્યું. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ ગયા વર્ષે લગભગ 120 અબજ ડોલરની આવક પેદા કરી હતી.
કોન્ટ્રોવર્સી
કેમ્બ્રિજ એનાલિટિકા કોન્ટ્રોવર્સી દરમિયાન સેન્ડબર્ગ ફેસબુક પોલિસી ડિવિઝનની ઈન્ચાર્જ હતી. કેમ્બ્રિજ એનાલિટિકા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી એક કન્સલ્ટન્સી હતી, જેમણે ફેસબુકના લાખો યુઝર્સના ડેટા ચોરી લીધા હતા. 6 જાન્યુઆરી, 2021ના રોજ, જ્યારે ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટલ હિલ પર હંગામો મચાવ્યો હતો, ત્યારે સેન્ડબર્ગનું નામ હજી પણ આ વિવાદ સાથે જોડાયેલું હતું. એ સમયે હિંસા ભડકાવવામાં ફેસબુકની ભૂમિકા પર અનેક સવાલો ઉભા થયા હતા. પુરાવા દર્શાવે છે કે, આ હંગામાઓમાં ફેસબુકની ભૂમિકા સેન્ડબર્ગે જે કહ્યું હતું, તેના કરતાં ઘણી વધારે હતી.
કારકિર્દી
વર્ષ 1995માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયા બાદ સેન્ડબર્ગે થોડાં સમય માટે મેકકિન્સે એન્ડ કંપની માટે કામ કર્યું હતું. એશિયન ફાઇનાન્સિયલ ક્રાઇસિસ દરમિયાન સેન્ડબર્ગ લેરી સમર્સના ચીફ ઑફ સ્ટાફ હતા. લેરી સમર્સ તે સમયે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના નેતૃત્વ હેઠળ ટ્રેઝરી સેક્રેટરી હતા. સેન્ડબર્ગ બાદમાં ગૂગલમાં જોડાયા, જ્યાં તેમણે ગૂગલ એડવર્ટાઇઝિંગ અને પબ્લિશિંગ પ્રોડક્ટ્સના ઓનલાઈન સેલ્સ સાથે જોડાયેલું કામ કર્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.