વર્લ્ડ ફોટોગ્રાફી ડે:સોશિયલ મીડિયામાં તમારા ફોટોઝ પર અઢળક લાઈક્સ મેળવવી છે? તો સેલ્ફી અને રિઅર કેમેરાથી ફોટોગ્રાફીની આ 10 ટ્રિક્સ ફોલો કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. જો તમને ફોટોગ્રાફી પસંદ છે તો આજનો દિવસ તમારા માટે ખાસ છે. હવે સ્માર્ટફોનથી લોકો મોટી ઈવેન્ટ શૂટ કરવા લાગ્યા છે કારણ કે સ્માર્ટફોન હવે પ્રોફેશનલ DSLR કેમેરાની જગ્યા લઈ રહ્યો છે. તમને સ્માર્ટફોનથી ફોટો કેપ્ચર કરવો અથવા સેલ્ફી લેવી પસંદ છે તો અમે તમને 10 ફોટોગ્રાફી ટ્રિક જણાવી રહ્યા છીએ. આ ટ્રિક ફોલો કરી જો તમે ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરશો તો તમને અઢળક લાઈક્સ મળશે.

આ ટ્રિક્સ ફોલો કરો
જો તમારી પાસે સારો કેમેરા છે તો તમારે ફોટોગ્રાફી માટે વધારે મહેનત નહિ કરવી પડે. જો તમારો કેમેરા ઓછો પાવરફુલ છે તો તમે એડિટિંગ એપ્સની મદદથી ક્વોલિટી સુધારી શકો છો. ફોટો ક્લિક કરતાં સમયે ફોનની બ્યુટી, બોકેહ ઈફેક્ટ, કલર ટોનનો પણ ઉપયોગ કરો.

1. સ્ટેપ્સ ફોટોગ્રાફી
તેને સ્ટેપ્સ ફોટોગ્રાફી એટલા માટે નામ આપવામાં આવ્યું છે કારણ કે ફોટોમાં એવું લાગે છે કે તમે કેમેરા પર ચાલી રહ્યા છો. આ ટ્રિક ખુલ્લા આકાશની નીચે વધારે સારી લાગે છે.

આ રીતે કામ કરશે ટ્રિક: તેના માટે તમારે કોઈ સ્ટેપ અર્થાત સીડી પર ચઢવું પડશે. તમારા ફોનને સીડી પર કોઈ એક સ્ટેપ પર રાખી તેની ઉપરના સ્ટેપ પર તમારે ઊભા રહેવું પડશે. ટાઈમર અથવા ફિંગર જેશ્ચરની મદદથી ફોટો ક્લિક કરી શકાય છે. તમારા એક પગને સીડીની થોડી આગળ લાવી બીજા પગને હવામાં લાવો. આ પોઝિશનમાં ફોટો ક્લિક કરો. આ રીતે લીધેલો ફોટો ઉપર દર્શાવેલા ફોટો જેવો દેખાશે.

2. ફોલિંગ ફોટોગ્રાફી
આ ટ્રિકમાં એવું જણાય છે કે તમે કોઈ બિલ્ડિંગથી લટકાયેલા છો. જોકે આ ફોટોગ્રાફીમાં તમારી એક્ટિંગની પણ જરૂર પડશે. અર્થાત ચહેરાના એક્સપ્રેશન લાવવા પડશે કે તમે સાચુકલા કોઈ છત પર લટકી રહ્યા છો.

આ રીતે કામ કરશે ટ્રિક: આ ટ્રિક માટે તમારે કોઈ છત પર ચઢવાની જરૂર નથી બલકે એક સીડી પર લટકવાની જરૂર છે. જ્યાં સીડી શરૂ થતી હોય તેના પ્રથમ સ્ટેપ પર સૂઈ જાઓ અને સીડીને પકડી લો. આ પ્રકારનો ફોટો સામેની બાજુએથી લેવાનો રહેશે. તમારે એક હાથથી સીડી પકડવી પડશે અને બીજો હાથ લટકેલો રાખવો પડશે. તમારા ચહેરા પર તમે ગભરાયેલા હો એવા એક્સપ્રેશન હોવા જોઈએ. હવે ફોટો ક્લિક કરી તેને રોટેટ કરી લો.

3. નાની વસ્તુને મસમોટી બનાવો
આ ટ્રિકની ખાસ વાત એ છે કે નાનકડી વસ્તુ મોટો આકાર લઈ લે છે. નીચેના ફોટોમાં જોઈ શકાય છે કે ફેવી સ્ટિક કેટલી મોટી નજરે ચડે છે.

આ રીતે કામ કરશે ટ્રિક: તેના માટે તમે થોડા દૂર જઈને બેસો. હવે એવો પોઝ આપો કે તમે હાથમાં કોઈ ભારે વસ્તુ ઊંચકી છે. હવે નાનકડી વસ્તુ હાથ પર ગોઠવાય એ રીતે કેમેરા લેન્સની સામે તેને લાવી ફિક્સ કરી દો. યોગ્ય ટાઈમિંગ પર ફોટો ક્લિક કરો.

4. ટશન ફોટોગ્રાફી
આ ફોટો ક્રિએટિવ તો બનશે જ. તેને જોઈ તમારા ફ્રેન્ડ્સ પણ પૂછશે કે આ ફોટો કેવી રીતે ક્લિક કર્યો?

આ રીતે કામ કરશે ટ્રિક: આ પ્રકારનો ફોટો ક્લિક કરવો સરળ છે. તમારા સેલ્ફી કેમેરાને ઓન કરી તેને ઊંધો રાખી દો. અર્થાત કેમેરા નીચેની તરફ હોવો જોઈએ. એવી રીતે હાઈટ એડ્જસ્ટ કરો કે કેમેરાની ઉપર તમારો પગ રાખી શકો. ઉપરના ફોટો પ્રમાણે તમે પોઝ આપો અને ટાઈમર કે હેન્ડ જેશ્ચરનો ઉપયોગ કરી ફોટો કેપ્ચર કરો.

5. મલ્ટિપલ કેરેક્ટર ફોટોગ્રાફી
આ ફોટોમાં એક જ વ્યક્તિના અનેક રૂપ જોવા મળે છે. તેના માટે પેનોરામા શોટ્સનો ઉપયોગ થાય છે.

આ રીતે કામ કરશે ટ્રિક: કેમેરામાં પેનોરામા ઓન કરી નીચેથી ઉપરની તરફ સ્માર્ટફોન મૂવ કરવાનો રહેશે. આ ફોટોગ્રાફી માટે ઓબ્જેક્ટે તેમના હાથ સૌ પ્રથમ નીચે રાખવા પડશે. આ પોઝિશનમાં ફોટો ક્લિક કર્યા બાદ હાથ 180 ડિગ્રીએ લઈ જવાનો રહેશે ત્યારબાદ પેનોરામા શોટ માટે કેમેરા ઉપર મૂવ કરી ફોટો ક્લિક કરવાનો રહેશે. હવે બંને હાથ ઉપરની તરફ રાખી ફરી પેન મૂવ કરી ફોટો કેપ્ચર કરવાનો રહેશે.

આ ફોટો ક્લિક કરતાં સમયે સ્માર્ટફોનને દરેક વખતે રોકવો પડશે. આ ટ્રિક તમે રાઈટ ટુ લેફ્ટ અને લેફ્ટ ટુ રાઈટ કેમેરા મૂવ કરી પણ કરી શકો છો.

6. બુક લવર
જો તમને વાંચવું ગમે છે અને તમે બુક્સ સાથે ફોટો લેવાનું પસંદ કરો છો તો આ ફોટો મજેદાર રહેશે.

આ રીતે કામ કરશે ટ્રિક: લેન્સ ઉપર બુક ખોલી તેને એ રીતે રાખો કે બુકના બંને પેજ સાથે ચહેરો પણ સ્પષ્ટ દેખાય. તેમાં કેમેરા લુક પણ આપી શકાય છે. આ ફોટોને બોકેહ ઈફેક્ટ આપી વધુ સારો બનાવી શકાય છે.

7. સેલ્ફીમાં સેલ્ફી
જો તમારી સેલ્ફી તમે એકદમ હટકે લેવા માગો છો તો આ ટ્રિક ઘણી કામની છે. આ ફોટો એક્ટ્રેક્ટિવ અને ક્રિએટિવ લાગે છે.

આ રીતે કામ કરશે ટ્રિક: આ ટ્રિક માટે 2 સ્માર્ટફોનની જરૂર પડશે. સૌ પ્રથમ તમે પ્રથમ ફોનથી એક સેલ્ફી ક્લિક કરો. હવે તે સેલ્ફી ઓન કરી બીજા ફોનમાં દર્શાવતા ફરી સેલ્ફી લો. એ વાતનું ધ્યાન રાખો કે બંનેમાં પોઝિશન એક સરખી હોય. હવે બીજા કેમેરામાં સેલ્ફી ઓપન કરી પહેલાં સ્માર્ટફોનથી ફરી એવી જ સેલ્ફી ક્લિક કરો.

8. સેમ હાઈટ ફોટો ટ્રિક
આ ટ્રિકની મદદથી તમે અલગ અલગ હાઈટ ધરાવતા લોકોની ફોટોમાં એકસરખી હાઈટ દર્શાવી શકો છો. આ સાથે જ તમે કોઈ ઓબ્જેક્ટને તમારી હાઈટ બરાબર દર્શાવી શકો છો.

આ રીતે કામ કરશે ટ્રિક: આ ટ્રિક એકદમ સરળ છે. તેમાં જે ઓબ્જેક્ટની લંબાઈ વધારે દર્શાવવા માગો છો તેને આગળ અને અન્ય ઓબ્જેક્ટને પાછળ રાખો. અર્થાત જે બે લોકોની લંબાઈ અલગ અલગ છે તેમાં ઓછી લંબાઈ ધરાવતી વ્યક્તિને આગળ અને વધારે લાંબી વ્યક્તિને થોડી પાછળ રાખો. કેમેરામાં બંનેની હાઈટ એકસરખી લાગે તો ફોટો ક્લિક કરો.

આ ફોટોગ્રાફીમાં સંપૂર્ણ રોલ એંગલનો હોય છે. જો ફોટો નીચેની તરફથી કેપ્ચર કરશો તો ઓબ્જેક્ટ વધારે મોટો લાગશે. આ જ ફોટોગ્રાફીમાં એંગલનું ખાસ ધ્યાન રાખવાનું છે.

9. અંડરવોટર ફોટોગ્રાફી
જે લોકો પાસે વોટરપ્રૂફ સ્માર્ટફોન નથી તેઓ અંડરવોટર ફોટોગ્રાફી માટે આ ટ્રિકનો ઉપયોગ કરી શકે છે.

આ રીતે કામ કરશે ટ્રિક: તેના માટે તમારે કાચના એક મોટા ગ્લાસની જરૂર પડશે. ફોનને ગ્લાસમાં ઊંધો રાખી ગોઠવો. હવે ગ્લાસને પાણીમાં એટલો ડુબાડો કે તેમાં પાણી ન ભરાઈ જાય. આ કામને વૉટરપ્રૂફ સ્માર્ટફોન કવરની મદદથી પણ કરી શકાય છે.

10. જમ્પિંગ ફોટોગ્રાફી
આ ટ્રિક પણ મજેદાર છે. આ ટ્રિકથી એવું લાગે છે કે ઓબ્જેક્ટ હવામાં ઊડે છે.

આ રીતે કામ કરશે ટ્રિક: આ ફોટોગ્રાફી ટ્રિક માટે સેલ્ફી કેમેરામાં ટાઈમર ઓન કરી તેને જમીન પર રાખો. ફોટો ક્લિક કરતાં સમયે એ વાતનું ધ્યાન રાખો કે ઉપરનું લોકેશન સારું હોય. ટાઈમર સાથે તાલમેલ રાખી તમે સ્માર્ટફોનની ઉપર જમ્પ કરો.

અન્ય સમાચારો પણ છે...