• Home
  • Utility
  • Gadgets
  • With only 1% chance of two people coming into contact with the most downloaded aarogya setu, Britain has yet to launch an app

કોવિડ 19ની એપનું સારું નરસું / સૌથી વધુ ડાઉનલોડ થયેલી આરોગ્ય સેતુમાં બે લોકોના સંપર્કમાં આવવાની સંભવાના માત્ર 1%, બ્રિટન હજી સુધી એપ લૉન્ચ કરી શક્યું નથી

X

  • આરોગ્ય સેતુ એપ 12.7 કરોડવાર ડાઉનલોડ થઈ, એપ્રિલમાં ફેસબુક, વ્હોટ્સએપ જેવા કેટલાંક મોટા નામોથી પાછળ હતી
  • ચીન તથા અમેરિકાની કોન્ટેક્ટ ટ્રેસિંગ એપની તુલનામાં ભારતની આરોગ્ય સેતુ એપનું પ્રદર્શન સારું

ઑર્થર સુલિવન

Jul 29, 2020, 01:02 PM IST

વિશ્વભરમાં કોરોનાવાઈરસના કેસોમાં વધારો થયા બાદ અનેક દેશોએ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે મોબાઈલ એપની મદદ લીધી હતી. આ એપ એ આશાએ બનાવવામાં આવી હતી કે તેઓ ડિજિટલ કોન્ટેક્ટ ટ્રેસિંગ પર નિયંત્રણ મેળવી લેશે અને બીમારીઓને પહેલાં કરતા વધુ અસરકારક તથા ઝડપથી અટકાવી શકશે. જોકે, 2020ની શરૂઆત સુધી મોબાઈલ એપની મદદથી કોરોનાને અટકાવવાના કોન્સેપ્ટનો ટેસ્ટ તથા ટ્રાયલ શક્ય બન્યું નહોતું. ટેક્નોલોજી, પ્રભાવ, કામ કરવાની રીત તથા સૌથી વધુ જરૂરી આ એપની નૈતિકતા સાથે જોડાયેલા સવાલોના જવાબ હજી સુધી મળ્યા નથી.

એક વાત સ્પષ્ટ છે કે આ કામ સરળ નથી. રોબર્ટ કોચ ઈન્સ્ટીટ્યૂટના મતે, જર્મનીની કોરોના વોર્ન એપ 24 જુલાઈ સુધી 1.62 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. આ જ દિવસે ન્યૂઝ પેપર બિલ્ડે ખુલાસો કર્યો હતો પાંચ અઠવાડિયાથી લાખો યુઝર્સના ફોનમાં આ એપ યોગ્ય રીતે કામ કરતી નથી. કેટલાક યુઝર્સે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના પાવર સેવિંગ માટે એપ બેકગ્રાઉન્ડમાં ના ચાલે તે રીતે સેટિંગ કર્યું હતું. એનો અર્થ એવો થયો કે યુઝરને અલર્ટ મોકલવાનું સૌથી મહત્ત્વનું કામ જ બંધ થઈ ગયું. જોકે, જર્મન હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે આ મુશ્કેલી ઠીક થઈ જશે.

એપ સફળ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે?
કોવિડ 19 એપ સફળ થઈ કે નહીં તેના માપદંડો હજી સુધી આવ્યા નથી અને તેને કેવી રીતે માપી શકાય તે હજી સુધી સ્પષ્ટ નથી. આટલું જ નહીં માનવામાં આવે છે કે આ ક્યારેય સ્પષ્ટ થશે નહીં. વસ્તીના આધારે એપ કેટલી ડાઉનલોડ થઈ તે એક સફળતાનો માપદંડ છે પરંતુ જો એપ યોગ્ય રીતે કામ નહીં કરતી હોય અને વિશ્વાસપાત્ર પરિણામો નહીં આપે તો તેની સફળતામાં ઘટાડો થશે.

અનેક કોન્ટેક્ટ ટ્રેસિંગ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ચેપના દરને અટકાવવામાં એપની ભૂમિકા શું છે તે નક્કી કરવું સહેજ પણ સરળ નથી. ઉદાહરણ લઈને સમજીએ તો સેન્ટ્રાલાઈઝ્ડ લોકેશનમાં ડેટા સ્ટોર કરવામાં આવતા નથી અને આવી એપ સારી રીતે કામ કરે છે પરંતુ ડેટાની સાથે એવી કોઈ સેન્ટ્રલ ઓથોરિટી નથી, જે યોગ્ય માહિતી આપે કે કેટલા લોકોને ચેપના જોખમથી બચાવવા માટે સફળતાપૂર્વક ચેતવણી આપવામાં આવી હતી.

આરોગ્ય સેતુ ડાઉનલોડ થવામાં સૌથી આગળ
પ્યૉર વોલ્યુમ ડાઉનલોડ્સના આધારે ભારતની આરોગ્ય સેતુ એપ સૌથી આગળ છે. એપ્રિલમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી ટોપ 10 એપમાંથી એક આરોગ્ય સેતુ હતી. માત્ર ઝૂમ, ટિકટોક, ફેસબુક, વ્હોટ્સએપ, ઈન્સ્ટ્રાગ્રામ તથા મેસેન્જર જેવી એપ આરોગ્ય સેતુ કરતાં આગળ હતી

સેન્સર ટાવરના ડેટા પ્રમાણે, 15 જુલાઈ સુધી આરોગ્ય સેતુ 12.7 કરોડવાર ડાઉનલોડ થઈ હતી. આ એપ લોન્ચ થઈ તેના 40 દિવસ બાદ 10 કરોડ યુઝર્સે એપને ડાઉનલોડ કરી હતી પરંતુ ભારતની વસ્તી 130 કરોડ કરતા વધારે છે. એટલે કે આ એપ વસ્તીના 10 ટકાથી પણ ઓછા લોકોએ ડાઉનલોડ કરી છે અને તેને કારણે બે લોકો વચ્ચે કોન્ટેક્ટ થવાની સંભાવના માત્ર એક ટકા છે.

આરોગ્ય સેતુને રેટિંગમાં બે સ્ટાર મળ્યા હતા
મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી પોતાનો ટેક્નોલોજી રિવ્યૂ ‘કોવિડ ટ્રેસિંગ ટ્રેસર’ જાહેર કરે છે. વિશ્વભરની કોવિડ 19ની એપનો રિવ્યૂ કરવામાં આવે છે. આ એપને પાંચના મેટ્રિક્સ પર રેટિંગ આપવામાં આવે છે અને દરેક મેટ્રિક્સને એક સ્ટાર આપવામાં આવે છે. આરોગ્ય સેતુને બે સ્ટાર્સ મળ્યા છે. સમીક્ષકોએ લાખો યુઝર્સ માટે વૉલેન્ટરી ના હોવું, ડેટા કલેક્શનને સીમિત ના કરવા પર તથા જરૂર કરતાં વધુ ડેટા કલેક્ટ કરવા પર આરોગ્ય સેતુ એપની ટીકા કરી હતી.

ચીન તથા અમેરિકાની તુલનામાં ભારત સારું
ચીન તથા અમેરિકાની તુલનામાં આરોગ્ય સેતુ એટલી ખરાબ નથી. અલી પૅ તથા વી ચેટ પ્લેટફોર્મ પર ચીનની હેલ્થ કોડ સિસ્ટમ પર કામ કરતી એપ પણ ડેટાને લઈ એટલી ભરોસાપાત્ર નથી.

અમેરિકામાં એપલ તથા ગૂગલની સાથે મળીને એક્સપોઝર નોટિફિકેશન API તૈયાર કરવામાં આવી છે. વિશ્વભરના અનેક દેશો આનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકામાં હેલ્થ ઓથોરિટી રાજ્યો પ્રમાણે પણ એપ બનાવી શકે છે. અહીંયા હજી સુધી એક પણ નેશનલ એપ નથી. કેટલાક રાજ્યોએ એપલ-ગૂગલ ટેક્નોલોજીના ઉપયોગથી એપ બનાવવાનું વચન આપ્યું છે.

નાના દેશની મોટી સફળતા
ચાર લાખથી પણ ઓછી વસ્તી ધરાવતા આઈલેન્ડમાં જ્યારે કોવિડ 19 એપ રેકનિંગ C-19 લોન્ચ કરવામાં આવી ત્યારે એક મહિનાની અંદર જ 40 ટકાથી વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી હતી. 50 લાખની વસ્તી ધરાવતા આયર્લેન્ડમાં પણ શરૂઆતમાં સફળતા જોવા મળી હતી. અહીંયા કોવિડ ટ્રેકર એપને જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચિંગના માત્ર આઠ દિવસમાં 13 લાખ લોકોએ એપને ડાઉનલોડ કરી હતી.

બ્રિટન હજી પણ એપ નથી બનાવી શક્યું
વિશ્વભરના ઘણાં દેશોએ એપ બનાવવામાં સફળતા મેળવી લીધી છે પરંતુ ખાસ કરીને યુરોપમાં મહામારીનો ભોગ બનનારા અનેક દેશો હજી સુધી એપ લોન્ચ કરી શક્યા નથી. બ્રિટનમાં કોવિડ 19ને કારણે 45 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. બ્રિટન હજી સુધી એપ લોન્ચ કરી શક્યું નથી. માર્ચ મહિનાથી બ્રિટને કોવિડ 19 પર એપ તૈયાર કરવાનો વિચાર કર્યો હતો. જૂન મહિનામાં આ યોજનાને બદલી નાખવામાં આવી અને એપ લોન્ચ કરવાને બદલે એપલ-ગૂગલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ વાતનો હજી સુધી અમલ થઈ શક્યો નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી