રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 ડિસેમ્બર, 2022 ના રોજ રિટેલ ડિજિટલ રૂપિયા (e ₹) માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ, એવું લાગે છે કે, તેના સ્વીકાર અને સફળતામાં હજુ પણ થોડો વધુ સમય લાગી શકે છે. ગયા મહિને, એવા અહેવાલ આવ્યા હતા કે, ઘણા બેન્કરોએ ઉલ્લેખ કર્યો હતો કે, UPI અને નેટ બેંકિંગ ઈ-રૂપી માટે મુખ્ય પડકારો બની શકે છે કારણ કે, બંને પહેલેથી જ હાજર છે અને ગ્રાહકો આ સેવાઓથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. આ વચ્ચે ઈ-રૂપી કેવી રીતે પોતાના માટે જગ્યા બનાવે છે? તે જાણવું ખૂબ જ રસપ્રદ છે.
વર્ષ 2016માં ડિમોનિટાઈઝેશનની શરુઆત થઈ હતી ને આ સમયે ભારતમાં UPI ખૂબ જ લોકપ્રિય થયું છે પરંતુ, RBIએ ગ્રાહકોને ‘ઈ-રૂપી’ પણ અપનાવવાનો પ્રયાસ કરવા દબાણ કર્યું છે, તેથી બંને વચ્ચેનાં તફાવતને સમજવો મહત્વપૂર્ણ છે. હાલના લોકપ્રિય ચુકવણી વિકલ્પ UPIથી ‘ઇ-રૂપી’ કેવી રીતે અલગ છે? તે સમજવું યૂઝર્સ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
1. ‘ઇ-રૂપી’ કાનૂની ટેન્ડર છે જ્યારે UPI ફક્ત ચુકવણીનું માધ્યમ છે
‘ઇ-રૂપી’ અને ‘UPI’ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે, ‘ઈ-રુપી’ પોતે ડિજિટલ સ્વરૂપમાં ચલણ છે અને એક કાનૂની ટેન્ડર છે, જે ડિજિટલ વ્યવહારોને સક્ષમ બનાવે છે, જ્યારે UPI એ માત્ર એક પ્લેટફોર્મ છે જેમાં નાણાકીય વ્યવહારો ડિજિટલ રીતે થાય છે.
2. ‘ઇ-રૂપી’ માટે બેંકોની વચેટિયાઓ તરીકે જરૂર નથી
UPIમાં અથવા ઈન્ટરનેટ આધારિત બેન્કિંગ પદ્ધતિઓ જેમ કે, NEFT અથવા RTGS દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને બેન્કમાંથી પસાર થવું આવશ્યક છે, જ્યારે ‘ઇ-રૂપી’ના કિસ્સામાં પૈસા એક ડિજિટલ વોલેટથી બીજા ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર થાય છે.
‘ડિજિટલ રૂપી’ અને ‘UPI’ વચ્ચેનાં તફાવતની સ્પષ્ટતા કરતાં RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે ગયા મહિને એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, ‘કોઈપણ UPI ટ્રાન્ઝેક્શનમાં બેંક મધ્યસ્થી તરીકે સામેલ હોય છે... CBDCમાં જે રીતે કાગળનું ચલણ તમે બેંકમાં જાવ છો, પૈસા ઉપાડો છો અને તેને તમારા પર્સમાં રાખો છો, તેવી જ રીતે તમે એક દુકાન પર જાઓ છો અને તમારા પાકીટમાંથી ચૂકવણી કરો છો... એ જ રીતે, અહીં પણ તમે ડિજિટલ કરન્સીને વોલેટમાં શકો છો અને તેને તમારા વોલેટમાંથી ચૂકવણી કરી શકો છો. જ્યારે તમે કોઈ દુકાનમાં અથવા અન્ય કોઈ વ્યક્તિને જઈને ચુકવણી કરો છો, ત્યારે તે તમારા વોલેટથી તેના વોલેટ પર જશે ... કોઈ જ મધ્યસ્થી નહી.’
3. ‘ઇ-રૂપી’ ફક્ત ચલણ પૂરતું મર્યાદિત નથી
ઈ-રૂપીનો ઉપયોગ પેમેન્ટ સુધી સીમિત નથી કારણ કે, તે એક પ્રકારનું ચલણ છે. ‘ઇ-રૂપી’ એકાઉન્ટનો એકમ અને મૂલ્યનો ભંડાર બનવાનો હેતુ પણ પૂરો પાડે છે. જ્યારે UPI એ ઓવરલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું છે, જેમ કે બેંક એકાઉન્ટ્સ (જેમાં સામાન્ય ચલણ હોય છે), પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ક્રેડિટ કાર્ડ્સ, વગેરે.
4. ‘ઇ-રૂપી’ વધુ અનામી વ્યવહારો લાવે છે
ETના અહેવાલ મુજબ, ‘ઇ-રૂપી’ના વ્યવહારો અન્ય ડિજિટલ વ્યવહારો જેમ કે, UPI, NEFT અને RTGS કરતાં વધુ અનામી છે, જેમ કે નિષ્ણાતોએ જણાવ્યું છે. "રોકડની મૂળભૂત લાક્ષણિકતા અનામીપણું છે. તેથી અનામી હેતુઓ માટે ચલણનો ઉપયોગ કરી શકાય છે. ડિજિટલ રૂપિયાના કિસ્સામાં અનામીપણાની ખાતરી કેવી રીતે કરવામાં આવશે? તેમાં વિવિધ સૂચનો હોઈ શકે છે ... અમે સૌથી પહેલા મોટા પ્રમાણમાં તકનીકી ઉકેલો તરફ ધ્યાન આપી રહ્યા છીએ. નામ ન આપવાની ખાતરી કરવા માટે કાનૂની જોગવાઈ મેળવવી પણ શક્ય છે.’ RBIનાં ડેપ્યુટી ગવર્નર ટી રવિ સંકરે અગાઉ જણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, ‘ઇ-રૂપી’નાં કિસ્સામાં વ્યવહારો સેન્ટ્રલ લેજરમાં રેકોર્ડ કરવામાં આવે છે, તે ખૂબ જ અનામી છે, કારણ કે વોલેટ્સના માલિકો સરકાર અથવા ઇકોસિસ્ટમના વચેટિયાઓને જાણતા નથી. જ્યારે UPI કે NEFT કે RTGS જેવા અન્ય માધ્યમોના કિસ્સામાં બે બેન્ક ખાતાઓ વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય છે એટલે તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. આખરે, UPI વ્યવહારો તમામ બેંક ખાતા સાથે પાછા જોડાયેલા હોય છે અને બેન્કિંગ/નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી મધ્યસ્થીઓ દ્વારા તેને ટ્રેક કરી શકાય છે.
5. ‘ઇ-રૂપી’નાં વ્યવહારો માટે ચોક્કસ મર્યાદા પછી પાનકાર્ડની જરૂર પડે છે
હાલમાં, એક ચોક્કસ મર્યાદાથી વધુ રોકડ વ્યવહાર કરનાર વ્યક્તિએ પોતાનું પાનકાર્ડ સબમિટ કરવું જરૂરી છે. આ જ નિયમ ‘ઇ-રૂપી’ને પણ લાગુ પડે છે. વર્તમાન નિયમો મુજબ ગયા વર્ષે મે મહિનામાં CBDTએ નાણાકીય વર્ષમાં ચાલુ ખાતા, સહકારી બેંકો અને પોસ્ટ ઓફિસ સહિતનાં બેન્ક ખાતાઓમાંથી ₹20 લાખ કે તેથી વધુની થાપણો માટે લોકોનું પાનકાર્ડ અથવા આધાર કાર્ડ નંબર ટાંકવો ફરજિયાત બનાવ્યો હતો. ₹50,000થી વધુ રકમ એક જ દિવસમાં જમા કરતી વખતે પાનકાર્ડ નંબર પણ જરૂરી છે. જ્યાં સુધી UPI ટ્રાન્ઝેક્શનનો સવાલ છે ત્યાં સુધી કોઈ ચોક્કસ મર્યાદાની રકમથી ઉપર પાનકાર્ડની વિગતો આપવાની કે ઉમેરવાની જરૂર પડતી નથી.
RBIનાં ગવર્નર દાસે ઉમેર્યું હતું કે, ‘કાગળનાં ચલણ અને ડિજિટલ ચલણ વચ્ચે કોઈ વિશેષ તફાવત નથી. આવકવેરા વિભાગને રોકડ ચુકવણી માટે કેટલીક મર્યાદાઓ મળી છે જેમ કે, એક ચોક્કસ મર્યાદાથી વધુ રોકડ માટે તમારે પાનકાર્ડનો નંબર આપવો પડશે. CBDCનાં કિસ્સામાં સમાન નિયમો લાગુ પડશે કારણ કે, બંને ચલણ છે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.