• Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Postpones Privacy Update, Steps Taken Due To Increasing Problems, No Account Will Be Closed On February 8

વ્હોટ્સએપ એક ડગલું પાછળ ખસ્યું:વૉટ્સએપે નવી નીતિ 3 મહિના ટાળી, હવે 15 મેથી લાગુ થશે; કહ્યું - નવી નીતિની સમીક્ષા કરવા લોકો પાસે જઈશું

2 વર્ષ પહેલા

વૉટ્સએપે તેની વિવાદિત નવી પ્રાઈવેસી પોલિસી ત્રણ મહિના ટાળી દેવાની જાહેરાત કરી છે. ફેસબુકની માલિકીની કંપની વૉટ્સએપે જણાવ્યું છે કે અમે આ ફેરફાર હવે 8 ફેબ્રુઆરીના બદલે 15 મેથી લાગુ કરીશું.

નવી નીતિ જાહેર કરવાથી વોટ્સએપને મોટો ઝટકો
કંપનીએ કહ્યું છે કે 8 ફેબ્રુઆરીએ કોઈ પણ એકાઉન્ટ બંધ કે સસ્પેન્ડ નહીં થાય. અમે નીતિની સમીક્ષા કરવા લોકો પાસે જઈશું. બાદમાં 15 મેના રોજ નવા વિકલ્પો પણ આપીશું. જોકે, વૉટ્સએપની નવી પ્રાઈવેસી સંબંધિત નીતિમાં યુઝર્સ પાસે ડેટા શેરિંગની સંમતિ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો યુઝર્સ સંમત નહીં હોય તો યુઝર્સના મોબાઈલ પર વૉટ્સએપ નહીં ચાલે. આ જાહેરાત પછી લાખો લોકો ‘સિગ્નલ’ અને ‘ટેલિગ્રામ’ જેવી મેસેજિંગ એપ પર ટ્રાન્સફર થઈ ગયા હતા, જેથી વૉટ્સએપને મોટો ઝટકો લાગ્યો હતો. આ કારણસર વૉટ્સએપે નવી નીતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

બ્લોગ દ્વારા પોલિસી લંબાવાની જાહેરાત કરી
કંપનીએ બ્લોગમાં લખ્યું, ‘અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ, જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ અકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલિટ થશે નહિ. વ્હોટ્સએપ પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે એને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણુંબધું કરવા જઈ રહ્યા છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને એ પહેલાં તેમને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.’

ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, પ્રાઈવસી અપડેટની જાહેરાત પછી ઘણા યુઝર્સ અને ઘણી મીડિયા કંપનીઓએ એને લોકોની ખોટી જાણકારી સાથે જોડી હતી. તેમનું કહેવું હતું કે નવી પોલિસી પછી વ્હોટ્સએપ લોકોનાં ચેટ અને અન્ય પર્સનલ ડેટા વાંચી શકશે.

સિગ્નલ એપના વધારે ઉપયોગની કંપની પર અસર થઈ
વ્હોટ્સએપની નવી પોલિસીની જાહેરાત પછી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી અન્ય મેસેજિંગ એપ પર યુઝર્સ શિફ્ટ થઈ રહી છે. ભારતમાં આ અઠવાડિયે સિગ્નલ નંબર 1 એપ બની ગઈ. યુઝર્સની ચિંતા વચ્ચે તેમને વિશ્વાસ આપવા વ્હોટ્સએપે કહ્યું છે કે ‘નવાં અપડેટ પછી લોકો પાસે ઘણાબધા ઓપ્શન હશે. તમારે માત્ર એક બિઝનેસને મેસેજ કરવાનો રહેશે અને તમને ખૂબ જ પારદર્શક રીતે સમજાવવામાં આવશે કે વ્હોટ્સએપ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે.

હાલ બહુ ઓછા લોકો વ્હોટ્સએપ દ્વારા ખરીદી કરે છે, પણ ભવિષ્યમાં આ લોકોનો આંકડો વધવાનો છે અને સારું છે કે લોકો અત્યારથી એ વસ્તુઓ માટે જાગ્રત છે. આ અપડેટ કોઈપણ પ્રકારે અમને તમારો ડેટા ફેસબુક સાથે શેર કરવાની પરવાનગી આપતી નથી.’

‘સિગ્નલ’ ડાઉન, ટેક્નિકલ ખામી સ્વીકારી
વૉટ્સએપમાં પ્રાઈવેસી વિવાદ પછી નવી મેસેજિંગ એપ ‘સિગ્નલ’ના યુઝર્સ ઝડપથી ‌વધતા તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. દુનિયાભરના યુઝર્સ શુક્રવાર રાતથી આ એપ પર મેસેજ નથી મોકલી શકતા. તેના મોબાઈલ અને ડેસ્કટોપ બંને વર્ઝનમાં મુશ્કેલી આવી રહી છે. આ અંગે કંપનીને હજારો ફરિયાદ પણ મળી છે. બાદમાં કંપનીએ એપમાં ટેક્નિકલ ખામી સર્જાયાની કબૂલાત કરતા જણાવ્યું કે, હવે અમે ‘સિગ્નલ’ની ક્ષમતાને વધારી રહ્યા છે અને નવા સર્વર લગાવી રહ્યા છીએ.

CAIT એ સુપ્રીમમાં નવી નીતિ પડકારી
ધ કન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સે વૉટ્સએપની નવી નીતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ સંસ્થાએ કહ્યું છે કે કંપનીની નીતિ નાગરિકોના મૂળ અધિકારોનું ઉલ્લંઘન કરનારી છે. આ અરજીમાં તેણે માંગ કરી છે કે સુપ્રીમકોર્ટ વૉટ્સએપને આ નીતિ પાછી ખેંચવાનો નિર્દેશ આપે.