સોશિયલ મીડિયા કંપનીઓ પર ભારત સરકારના નવા IT કાયદાઓની અસર દેખાવા લાગી છે. ફેસબુકના માલિકીની એપ વ્હોટ્સએપે ગુરુવારે તેનો પ્રથમ કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કર્યો. એ પ્રમાણે વ્હોટ્સએપે ગુરુવાર સુધી આપત્તિજનક કન્ટેન્ટ ધરાવતાં 20 લાખ ભારતીય અકાઉન્ટ બૅન કર્યા છે.
કંપનીના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે 15 મેથી 15 જૂન વચ્ચે ભારતમાં 20 લાખ અકાઉન્ટ બૅન કર્યા, જ્યારે આ દરમિયાન કંપનીને 345 ફરિયાદ મળી. વ્હોટ્સએપ દુનિયાભરમાં દર મહિને આશરે 80 લાખ અકાઉન્ટ બૅન કરી રહી છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ, કૂ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે પણ એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કર્યો છે.
95% પ્રતિબંધ સ્પૅમને કારણે
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 95%થી વધારે બૅન ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ (સ્પૅમ)ના ગેરવાજબી ઉપયોગને કારણે કરવામાં આવ્યો. વ્હોટ્સએપે જણાવ્યું હતું કે બૅન થયેલાં અકાઉન્ટની સંખ્યા 2019 બાદ વધી છે, કારણ કે કંપનીનીની એડવાન્સ સિસ્ટમને કારણે આ પ્રકારના અકાઉન્ટ્સની ઓળખ કરવામાં મદદ મળી રહી છે.
નવા IT નિયમો હેઠળ કમ્પ્લાયન્સ રિપોર્ટ આપવો જરૂરી
નવા IT નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ માટે કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવો અનિવાર્ય છે. નવા નિયમો હેઠળ 50 લાખથી વધારે યુઝર્સ ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મ્સે દર મહિને તેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે. એમાં કંપનીએ યુઝર્સ તરફથી મળેલી ફરિયાદો અને એના પર થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
નવા IT મંત્રીએ ચેતવણી આપી હતી
આ પહેલાં નવા IT કાયદા અંગે ટ્વિટર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે નવા IT મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદનઆપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં કામ કરનારી દરેક કંપનીએ ભારતના કાયદાનું પાલન કરવું જોઈએ. અશ્વિની વૈષ્ણવે ચેતવણી આપતાં કહ્યું હતું કે ભારતમાં કોઈ કામ કરે છે તો તેણે દેશનો કાયદો માનવો જ પડશે. અશ્વિની વૈષ્ણવે 7 જુલાઈએ IT મંત્રીનો પદભાર સંભાળ્યો છે. રવિશંકર પ્રસાદને બદલે તેમને આ જવાબદારી સોંપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.