ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ નવા આઇટી નિયમો હેઠળ દર મહિને દેશમાં તેનો 'મન્થલી કમ્પલાયન્સ રિપોર્ટ' બહાર પાડે છે. હાલમાં જ કંપનીએ પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ વ્હોટ્સએપે એપ્રિલ મહિનામાં 16 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનું કારણ એ છે કે, કંપની પ્લેટફોર્મની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે તેમજ તેનો દુરૂપયોગ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ આ રિપોર્ટ 1 એપ્રિલથી 30 એપ્રિલ 2022 સુધીનો છે. કંપની મોટાભાગે આ પ્રકારના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે, જે એપ્લિકેશનની નીતિઓ અને ગાઈડલાઈનનો દુરૂપયોગ કરે છે.
આ વ્હોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના કારણોમાં ખોટી માહિતી શેર કરવી તથા ઘણાં સંપર્કોને અનવેરિફાઇડ સંદેશાઓ ફોરવર્ડ કરવાનો સમાવેશ થાય છે. આ સાથે જ પ્લેટફોર્મમાં ફેક ન્યૂઝ પર રોક લગાવવા માટે કંપની અનેક પ્રયાસો કરી રહી છે, જેમકે એક્સટર્નલ લિંક વેરિફાય કરવી, કંપની એપ્લિકેશન પર વારંવાર ફોરવર્ડ કરવામાં આવેલાં સંદેશાઓને માર્ક કરવા વગેરે. વ્હોટ્સએપ પ્લેટફોર્મ યુઝર્સને સુરક્ષિત રાખવા અને ગેરવર્તનને રોકવા માટે ઘણાં સાધનો અને સંસાધનો પર કામ કરે છે.
એકાઉન્ટ પ્રતિબંધ પર કંપનીનું નિવેદન
આ બાબતે ટિપ્પણી કરતાં વ્હોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચેના દુરુપયોગને રોકવામાં ઇન્ડસ્ટ્રીમાં લીડર છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અમે અમારા યુઝર્સને અમારા પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી, ડેટા સાયન્ટિસ્ટ અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.
આઇટી નિયમ 2021 મુજબ અમે એપ્રિલ-2022 મહિનાનો અમારો અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ યુઝર-સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવેલી સંબંધિત કાર્યવાહીની વિગતો તેમજ વ્હોટ્સએપની પોતાની પ્રિવેન્ટિવ એક્શનની વિગતો સામેલ છે. તાજેતરના માસિક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, વ્હોટ્સએપે એપ્રિલ મહિનામાં 1.6 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
નવા એડિટ ફીચર પર કામ કરી રહ્યું છે વ્હોટ્સએપ
યૂઝર્સના ચેટિંગ એક્સપિરિયન્સને સારો બનાવવા માટે વ્હોટ્સએપ નવા એડિટ બટન પર કામ કરી રહ્યું છે. આ અપડેટને થોડાં દિવસો પહેલાં વ્હોટ્સએપને ટ્રેક કરતી સાઇટ WABetaInfo દ્વારા શેર કરવામાં આવ્યું હતું. આ આવનારા ફીચર દ્વારા યૂઝર્સ મોકલેલા મેસેજને ડિલીટ કરવાના બદલે તેને એડિટ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.