ડિજિટલ આફ્ટરલાઇફ:મૃત્યુ પછી યુઝર્સના ફેસબુક, વ્હોટ્સએપ અને અન્ય એકાઉન્ટ્સનું શું થાય છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમને ક્યારેય એવો ખ્યાલ આવ્યો છે કે, કોઈપણ સોશિયલ મીડિયા યુઝ કરતો કોઈપણ વ્યક્તિ પ્રાકૃતિક કે આકસ્મિક રીતે મૃત્યુ પામે તો પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થાય છે? આવા એકાઉન્ટ્સ માટે ફેસબુક, માઇક્રોસોફ્ટ, એપલ, વ્હોટ્સએપ અને અન્ય ટેક કંપનીઓની નીતિઓ શું છે તે અહીં જાણીએ.

ફેસબુક
ફેસબુક યુઝરના મૃત્યુ પછી તેમના એકાઉન્ટ્સને મેનેજ કરવા માટે ઘણાં બધા વિકલ્પો આપે છે. એક સ્પષ્ટ વિકલ્પ એ છે કે, એકાઉન્ટને કાયમી ધોરણે ડિલીટ કરી નાખવું. વેરિફાઇડ થયેલાં નજીકના પરિવારના સભ્યો ફેસબુક પરથી તેમના પ્રિયજનનું એકાઉન્ટ દૂર કરવાની વિનંતી કરી શકે છે એટલે ફેસબુક પરથી તમારા બધા ફોટા, મેસેજ, પોસ્ટ અને કોમેન્ટ ડિલીટ થઈ જશે. બીજો વિકલ્પ એ છે કે, એકાઉન્ટને મેમોરિયલાઇઝ કરવું. મેમોરિયલાઇઝ્ડ એકાઉન્ટ્સ એ મિત્રો અને પરિવાર માટે કોઈ વ્યક્તિના અવસાન પછી યાદોને એકત્રિત કરવા અને શેર કરવા માટેનું સ્થાન છે. સ્મારકકૃત એકાઉન્ટ્સમાં તેમની પ્રોફાઇલ પર વ્યક્તિના નામની બાજુમાં 'Remembering' શબ્દ બતાવવામાં આવે છે. એકાઉન્ટના પ્રાઇવસી સેટિંગ્સના આધારે મિત્રો યાદગાર સમયરેખા પર યાદો શેર કરી શકે છે. વ્યક્તિએ શેર કરેલી વસ્તુઓ (દા.ત. ફોટા, પોસ્ટ્સ) ફેસબુક પર રહે છે અને તે તેને દેખાય છે, જેની સાથે તે શેર કરવામાં આવી હતી.

ટ્વિટર
આ માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં માત્ર એક જ વિકલ્પ આપવામાં આવ્યો છે – મૃતકનું એકાઉન્ટ ડિલીટ કરવાનું. અધિકૃત વ્યક્તિ અથવા પરિવારના સભ્ય મૃત્યુનું પ્રમાણપત્ર અને ઓળખનો પુરાવો આપીને એકાઉન્ટને દૂર કરવા વિશે ટ્વિટર પર વિનંતી કરી શકે છે.

વ્હોટ્સએપ
નિષ્ક્રિયતાના ચોક્કસ સમયગાળા પછી એકાઉન્ટ ડિલીટ કરવામાં આવે છે. વ્હોટ્સએપ યુઝરના મૃત્યુ પછી એકાઉન્ટની સંભાળ રાખવા માટેનો કોઈ વિકલ્પ પૂરો પાડતું નથી. તેમાં 120 દિવસની નિષ્ક્રિયતા નીતિ છે. આના ભાગરૂપે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ એકાઉન્ટને આપમેળે ડિલીટ કરી દે છે. આનો અર્થ એ થયો કે, જો છેલ્લા ચાર મહિનાથી વ્હોટ્સએપ એકાઉન્ટ ઇન્ટરનેટ સાથે કનેક્ટ ના થયું હોય તો તે એકાઉન્ટ આપમેળે ડિલીટ થઇ જશે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે જ્યાં સુધી એપ ડિલીટ નહીં થાય ત્યાં સુધી સ્માર્ટફોનમાં સ્ટોર કરવામાં આવેલો તમામ ડેટા ત્યાં જ રહેશે.

ઈન્સ્ટાગ્રામ
ફેસબુકની જેમ ઈન્સ્ટાગ્રામ પણ યુઝર્સને તેમના મૃત્યુ પછી તેમના એકાઉન્ટ્સને મેમોરિયલાઇઝ કરવાની મંજૂરી આપે છે. નોંધનીય છે કે, કોઈપણ વ્યક્તિ મેમોરિયલ એકાઉન્ટમાં લોગ-ઈન કરી શકશે નહીં અને તેની પ્રોફાઇલ પર તે વ્યક્તિના નામની આગળ 'રિમેમ્બરિંગ' શબ્દ બતાવવામાં આવશે. મૃતક વ્યક્તિએ શેર કરેલા તમામ ફોટા અને વીડિયો પ્રોફાઇલમાં ઉપલબ્ધ રહે છે.

એપલ એકાઉન્ટ
iOS 15.2, આઇપેડ OS15.2 અને mac OS 12.1 સાથે, એપલે લેગસી કોન્ટેક્ટ્સ ફીચર ઉમેર્યું હતું, જે યુઝર્સને વિશ્વસનીય સંપર્કો ઉમેરવાની મંજૂરી આપે છે, જે વ્યક્તિના મૃત્યુ પછી એપલ એકાઉન્ટ સાથે સંગ્રહિત તમામ ડેટાની ઍક્સેસ પ્રાપ્ત કરશે.​​​​​​​ કયો ડેટા શેર કરવામાં આવશે? તે વિશે પણ એપલ ખૂબ જ સ્પષ્ટ છે. આમાં તે ચોક્કસ એપલ આઈડી સાથે જોડાયેલા ફોટા, મેસેજ, નોટ્સ, ફાઇલો, એપ્લિકેશનો, ડિવાઇસ બેકઅપ્સ વગેરે સામેલ છે. આ ઉપરાંત, લેગસી કોન્ટેક્ટ્સને એપલ આઇડી સાથે સંબંધિત મૂવીઝ, પુસ્તકો અને સબ્સ્ક્રિપ્શન્સ જેવી માહિતીનો ઍક્સેસ મળશે નહીં. ચુકવણીની માહિતી અને પાસવર્ડ્સ જેવા સંવેદનશીલ ડેટા પણ શેર કરવામાં આવશે નહીં.

ગૂગલ એકાઉન્ટ
ગૂગલમાં ઇનએક્ટિવ એકાઉન્ટ મેનેજર નામની સેવા છે. આ ટૂલ યુઝર્સને તેમના મૃત્યુ પછી તેમની ડિજિટલ માહિતીનું શું થાય છે? તેના માટે જવાબદાર રહેવાની મંજૂરી આપે છે. તે યુઝર્સને એકાઉન્ટ માટે ઇનએક્ટિવ સમયગાળો સેટ કરવા દે છે.

માઇક્રોસોફ્ટ એકાઉન્ટ
માઇક્રોસોફ્ટ બે વર્ષની નિષ્ક્રિયતા પછી એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરે છે. માઇક્રોસોફ્ટના તમામ સબ્સ્ક્રિપ્શન્સ રદ કરવામાં આવે છે અને યુઝર બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ બંધ કરીને પણ તે કરાવી શકે છે. વનડ્રાઇવ અને આઉટલુક એકાઉન્ટ્સ એક વર્ષની નિષ્ક્રિયતા પછી ફ્રીઝ કરવામાં આવશે અને વનડ્રાઇવ અને આઉટલુકમાં સંગ્રહિત ફાઇલો થોડા સમય પછી કાઢી નાખવામાં આવશે. સંગ્રહિત ડેટાને ઍક્સેસ કરવા માટે પરિવાર અથવા મિત્રોને કાનૂની માર્ગદર્શનની જરૂર પડશે.