વીકલી ડિસ્ક્રાઈબર:વ્હોટ્સએપે શોપિંગ સરળ બનાવી તો અપડેટ માટે મળશે ઈન એપ નોટિફિકેશન, વાંચો આ વીકની તમામ ટેક-એપ અપડેટ્સ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમને ટેક્નોલોજી ક્ષેત્રના સમાચારો પસંદ છે, પરંતુ તમે સમયના અભાવે અપડેટ નથી જોઈ શકતા તો અમે તમારા માટે આ અઠવાડિયાંનું વીકલી ડિસ્ક્રાઈબર તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમે એપની અપડેટ્સ જાણી શકશો જે તમારા માટે જરૂરી છે તો આવો વીકલી ડિસ્ક્રાઈબર શરૂ કરીએ..

1. વ્હોટ્સએપ પર સરળ શોપિંગ
મહામારીને કારણે ઘણા લોકો સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોન્ટેક્ટ-લેસ શોપિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ખરીદી કરવા માટે ડિજિટલ ટૂલ્સની જરૂરિયાત વધી જાય છે. તેથી વ્હોટ્સએપ તેમના યુઝર્સ માટે દરરોજ પ્લેટફોર્મમાં નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. મંગળવારે કંપનીએ ઓવરઓલ શોપિંગ એક્સપરિયન્સને સુધારવા માટે પ્લેટફોર્મ પર નવું કાર્ટ ફીચર ઉમેર્યું છે.

કાર્ટની સાથે યુઝર્સ હવે કેટલોગ બ્રાઉઝ કરી શકશે, મલ્ટીપલ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકશે અને દુકાનદારને એક મેસેજ તરીકે ઓર્ડર મોકલી શકશે. આ ફીચર દુકાનદારના ઓર્ડર ઈન્ક્વાયરીને ટ્રેક રાખવા, ગ્રાહકો સાથે આઈ રિક્વેસ્ટને મેનેજ કરવા અને સેલ ક્લોઝ કરવાને સરળ બનાવવાની સુવિધા આપશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, "કોઈ એક દુકાનમાંથી ખરીદી કરતી વખતે કાર્ટ ઘણું કામમાં આવે છે, જ્યાં તમે એક સાથે ઘણી વસ્તુઓ ખરીદો છો- જેમ કે, રેસ્ટોરાં અથવા કપડાંની દુકાન."

કાર્ટ ફીચરની સુવિધા 8 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જ્યારે બિઝનેસ સામાન્ય રીતે એક સ્થાનિક રેસ્ટોરાં અથવા કપડાંની દુકાનની જેમ એકથી વધારે વસ્તુઓને વેચે છે તો કાર્ટ કામમાં આવે છે.

કાર્ટનો ઉપયોગ કરવો પણ સરળ છે, યુઝરને માત્ર તે પ્રોડક્ટ્સ શોધવી પડશે, જે તે ખરીદવા માગે છે અને ત્યારબાદ 'add to cart' પર ટેપ કરવાનું રહેશે. એક વખત કાર્ટ કમ્પલીટ થઈ ગયા બાદ યુઝર્સને તેને દુકાનદાર (બિઝનેસ)ને મેસેજ તરીકે મોકલવું પડશે.

2. વ્હોટ્સએપ ઈન એપ નોટિફિકેશન ફીચર
વ્હોટ્સએપે યુઝર્સની જરૂરિયાત જોઇને એકવાર ફરીથી નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને વ્હોટ્સએપમાં આવતી દરેક અપડેટની નોટિફિકેશન મળશે. એટલે કે વ્હોટ્સએપમાં જેવી કોઈ નવી અપડેટ આવશે તરત જ યુઝર્સને ખબર પડી જશે.

વ્હોટ્સએપના ફીચર્સ અને અપડેટ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના જણાવ્યા પ્રમાણે, આ નવા ફીચરનું નામ ઈન-એપ નોટિફિકેશન હશે. તેની મદદથી યુઝર વ્હોટ્સએપ પર આવતી દરેક અનાઉન્સમેન્ટ વિશે જાણી શકશે.

3. સ્પોર્ટિફાયનું ઓફલાઈન ફીચર
ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ સ્પોર્ટિફાય લોકલ મ્યુઝિક સપોર્ટ ફીચર પર કામ કરી રહી છે. ટિપ્સ્ટર અને એન્જિનિયર એક્સપર્ટ જેન માનચુન વોંગે કહ્યું કે એન્ડ્રોઈડ પર સ્પોર્ટિફાય એપમાં જલ્દી ઓન ડિવાઈસ અથવા લોકલ ફાઈલ્સ સપોર્ટ મળી શકે છે. ટિપ્સ્ટરે આ ફીચર સંબંધિત એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. તેમાં ‘શો ડિવાઈસ ફાઈલ’ જોવા મળે છે.

હાલ એપ પર યુઝર પોતાના સ્માર્ટફોનના લોકલ મ્યુઝિક પ્લે નથી કરી શકતા. જોકે હાલ તે સ્પષ્ટ થયું નથી કે આ ફીચરને કંપની પ્રીમિયમ યુઝર્સ માટે જ લોન્ચ કરશે કે કેમ.

4. એન્ડ્રોઈડ 11 અપડેટ
શાઓમીએ Mi 10 સિરીઝ સ્માર્ટફોન માટે એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ રોલઆઉટ કરવાની શરૂઆત કરી છે. કંપનીએ આ OS અપડેટ પોતાના બીટા પ્રોગ્રામના 6 મહિના પછી Mi 10માં આપી. હવે યુઝર ફોનમાં MIUI 12 અપડેટ સાથે લેટેસ્ટ એન્ડ્રોઈડ OS પણ અપડેટ કરી શકશે. કંપનીએ Mi 10ને એન્ડ્રોઈડ 10 સાથે મે મહિનામાં લોન્ચ કર્યો હતો.

Mi ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે Mi 10 માટે એન્ડ્રોઈડ 11 રોલઆઉટ કર્યું છે. આ નવી અપડેટનું નામ V12.2.2.0.RJBINXM છે. તેની સાઈઝ 2.8GB છે. યુઝર્સ નવી અપડેટ Settings > About phone થી ચેક કરી શકે છે.

5. 70 લાખ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા લીક
દેશના 7 મિલિયન (70 લાખ)થી વધારે યુઝર્સના ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા લીક થયો છે. એક સિક્યોરિટી રિસર્ચર પ્રમાણે, આ ડેટા ડાર્ક વેબનાં માધ્યમથી ઓનલાઈન લીક થયો છે. લીક ડેટામાં ભારતીય કાર્ડ ધારકોના નામ જ નહિ બલકે મોબાઈલ નંબર્સ, ઈન્કમ લેવલ્સ, ઈમેલ આઈડી અને PAN ડિટેલ સામેલ છે.

સાયબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આ મહિનાની શરૂઆતમાં ડાર્ક વેબ પર ગૂગલ ડ્રાઈવ લિંક શોધી હતી. તેને "Credit Card Holders data"નું નામ અપાયું હતું. આ ગૂગલ ડ્રાઈવ લિંકનાં માધ્મયથી ડાઉનલોડ માટે અવેલેબેલ છે. આ લિંક પબ્લિક એક્સેસ માટે ઓપન છે.

6. માઈક્રોસોફ્ટનું અલર્ટ
માઈક્રોસોફ્ટે બ્રાઉઝરનો ઉપયોગ કરતા યુઝર્સ માટે અલર્ટ જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે, ફાયરફોક્સ અથવા અન્ય વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરતા યુઝર સાવચેત થઈ જાય કારણ કે, આ વેબ બ્રાઉઝરમાં માલવેર આવી ગયો છે. તેનાથી જોખમ વધી ગયું છે.

માઈક્રોસોફ્ટ આ વર્ષે આશરે 159 યુનિક ડોમેનને ટ્રેક કર્યા છે. જે સરેરાશ 17300 યુનિક URLને હોસ્ટ કરે છે. Adrozek (એડ્રોઝેક) નામનો માલવેર આ વર્ષે મે મહિનામાં આવ્યો હતો. ઓગસ્ટ સુધી ડેઈલી આશરે 30 હજારથી વધારે ડિવાઈસિસ પર અટેક કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...