નવાં નામકરણ 'મેટા' સાથે ફેસબુક હવે પોતાના અપગ્રેડેશન મોડમાં છે. મેટા નામનો અર્થ મેટાવર્સ થાય છે. મેટાવર્સ એટલે વર્ચ્યુઅલ રિયાલિટી. અર્થાત એક આભાસી દુનિયા. અર્થાત એક એવી દુનિયા જ્યાં તમારા અસલ અસ્તિત્વ સિવાય પણ તમે એક પેરેલલ દુનિયામાં રહો છો. આ આભાસી દુનિયામાં તમે હરી ફરી શકો છો, શૉપિંગ કરી શકો છો આટલું જ નહિ તમારા ફ્રેન્ડ્સ સાથે હેન્ગઆઉટ પણ કરી શકો છો. આ ટેક્નોલોજીની તમે કેવી રીતે મજા માણી શકો છો તે દર્શાવવા માટે કંપનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
1:13 મિનિટના વીડિયોમાં અલગ જ દુનિયાનો અહેસાસ
મેટાએ શેર કરેલા વીડિયોમાં વર્ચુયઅલ વર્લ્ડની ઝલક છે. વીડિયોમાં 2 લોકોએ હેપ્ટિક હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કર્યો છે. આ એક પ્રકારનું ગેજેટ છે. આ સાથે જ તેમણે VR (વર્ચ્યુઅલ રિયાલિટી) હેન્ડ સેટ પણ પહેર્યો છે. તેઓ જે ટેબલ આગળ બેઠા છે ખરેખર તેની ઉપર કશું જ નથી પરંતુ મેટાવર્સમાં તેમને ટેબલ પર વિવિધ વસ્તુ દેખાય છે. આટલું જ નહિ હેન્ડ ગ્લવ્ઝથી તેઓ આ વસ્તુઓ ઉપાડતાં પણ નજરે ચડે છે. આ વીડિયો મેટાવર્સની રિયાલિટી લેબ્સ રિસર્ચનો છે.
આટલું જ નહિ આ ટેક્નોલોજીથી યુઝર્સ ભલે દુનિયાના ગમે તે છેડે બેઠાં હોય તો પણ એકબીજા સાથે હેન્ડ શેકનો અનુભવ લઈ શકે છે. VR હેન્ડ સેટ અને ગ્લવ્ઝની મદદથી યુઝર્સ ગેમ પણ રમી શકે છે. યુઝરને આ ટેક્નોલોજીમાં આ તમામ પ્રવૃત્તિઓ અસલમાં કરી હોય તેવો અનુભવ થયો. આ વર્ચ્યુઅલ વર્લ્ડ 3D અવતારમાં હતું.
વર્ચ્યુઅલ વર્લ્ડ અને ટેક્નોલોજી
વર્ચ્યુઅલ વર્લ્ડમાં વસ્તુઓના સ્પર્શનો અનુભવ થાય તે માટે હેપ્ટિક ગ્લવ્ઝ ડેવલપ કરાયા છે. આ મિકેનિકલ ગ્લવ્ઝથી વસ્તુના સ્પર્શ નહિ પણ તેના વજનનો પણ અનુભવ થાય છે.
હાલના મિકેનિકલ ગ્લવ્ઝ આખો દિવસ પહેરવાથી ગરમી લાગે છે. તેથી કંપની નવા સોફ્ટ એક્યુએટર્સ ડેવલપ કરી રહી છે. તે સામાન્ય ગ્લવ્ઝની સરખામણીએ નાના, વજનમાં હળવાં અને સોફ્ટ હશે.
મેટા દુનિયાનું પ્રથમ હાઈ સ્પીડ માઈક્રોફ્લુઈડિક પ્રોસેસર ડેવલપ કરશે. તે એકદમ નાની ચિપ હશે, જ હવાનો પ્રવાહ નિયંત્રિત કરશે. વર્ચ્યુઅલ રિયાલિટી દરમિયાન ગ્લવ્ઝ પહેર્યા બાદ યુઝરના હાથ યોગ્ય દિશામાં જાય છે કે કેમ તે જાણવા માટે હેન્ડ ટ્રેકિંગ ટેક્નોલોજી ડેવલપ કરવામાં આવશે.
આ કારણે 'મેટાવર્સ' નામ રાખ્યું
મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટીનું નેક્સ્ટ લેવલ છે. હાલ VRમાં જે તમારી નજર સમક્ષ નથી તમે તેને જોઈ શકો છો. ફ્યુચરની ટેક્નોલોજી એકદમ પ્રો લેવલની હશે. મેટાવર્સમાં વસ્તુનો સ્પર્શ ઈવન તેની ગંધનો પણ અહેસાસ કરી શકાશે. મેટાવર્સ શબ્દનો ઉલ્લેખ સાયન્સ ફિક્શન લેખક સ્ટીફેન્સને 1992માં તેમના નોવેલ 'સ્નો ક્રશ'માં કર્યો હતો.
ફેસબુકનું નામ બદલવાનું કારણ
ફેસબુક વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સહિત ઘણી કંપનીની પેરન્ટ કંપની છે. CEO માર્ક ઝકરબર્ગ કંપનીનાં નાનાં-મોટાં પ્લેટફોર્મને એક કંપનીની અંદર આવરી લેવા માગે છે, તેથી તેમણે મેટાવર્સ તૈયાર કર્યું છે. મેટા હવે 93 કંપનીઓની પેરન્ટ કંપની બની ચૂકી છે. ઝકરબર્ગનું માનવું છે કે ટેક્નોલોજીની શરૂઆત કરનારી કંપની રેસમાં પાછળ રહેવા માગતી નથી, તેથી મેટાવર્સ તૈયાર કરવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.