રોમાન્સ સ્કેમથી સાવધાન:ડેટિંગ એપ્સ પર પાર્ટનરની શોધમાં તમે સ્કેમર્સના શિકાર બની શકો છો, સ્કેમર્સ તમને ઈમોશનલ બનાવી બેંક અકાઉન્ટ ખાલી કરી દેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન ડેટિંગ એપ્સ પર ચેટ દરમિયાન પર્સનલ ડિટેલ શેર ન કરો
  • સ્કેમર્સ તમને ઈમોશનલ કહાની સંભળાવી પૈસા માગે તો અલર્ટ થઈ જાઓ

વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયો છે. 14 ફેબ્રુઆરી પહેલાં સ્કેમર્સ પણ એક્ટિવ બન્યા છે. તે ઈન્ટરનેટ યુઝર્સને પોતાનો શિકાર બનાવવા પ્રેમનો જાળ પાથરી રહ્યા છે. સ્કેમર્સ હવે ડેટિંગ એપ્સની મદદથી પૈસા ચાઉં કરી રહ્યા છે. ઘણા લોકો પાર્ટનરની શોધમાં ટિન્ડર, બમ્બલ, OKક્યુપિડ સહિતની ઓનલાઈન ડેટિંગ એપનો ઉપયોગ કરે છે. જો તમે આવી એપ્સનો ઉપયોગ કરો છો તો તમારે અલર્ટ થવાની જરૂર છે.

ખોટી ઓળખથી દિલ જીતવાનો પ્રયાસ

સ્કેમર્સ ડેટિંગ એપ્સ પર ખોટી ઓળખાણ આપી યુઝર્સને ફસાવવાનો પ્રયત્ન કરે છે. એપ પર ફ્રેન્ડશિપ કર્યા બાદ તે પોતાના શિકાર સાથે લાંબી વાતો કરે છે અને ઈમોશનલી અટેચ થવાનો દેખાડો કરે છે. સ્કેમર્સ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોવાનો ખોટો દાવો કરી શિકાર પાસેથી પૈસા ઉધાર માગી તેને પરત કરવાનો વાયદો કરે છે. એક વખત તેમનાં અકાઉન્ટમાં પૈસા જતા રહે એટલે સ્કેમર્સ અને અકાઉન્ટ બંને ભૂત બની જાય છે.

ઈમોશન્સનો ફાયદો ઉઠાવી રહ્યા છે સ્કેમર્સ
સાયબર સુરક્ષા ફર્મ બુલ ગાર્ડે આ રોમાન્સ સ્કેમર્સને 'ડેડ આઈડ શાર્ક્સ' ગણાવ્યા છે. આ સ્કેમર્સ ઈન્ટરનેટ યુઝર્સના ઈમોશન્સનો ફાયદો ઉઠાવે છે. તેથી ઓનલાઈન ફ્રેન્ડશિપમાં ઈમોશનલ થતાં પહેલાં અલર્ટ રહેવાની જરૂર છે.

આવા સ્કેમર્સથી કેવી રીતે બચશો?
ઓનલાઈન રોમાન્સ સ્કેમર્સનો પ્રયાસ વિક્ટિમનો ભરોસો જીતવાનો હોય છે. તે પહેલાં ફૂલ, ચોકલેટ અને ગિફ્ટ્સ મોકલે છે અને ઈમોશનલ બોન્ડ બનાવે છે. સ્કેમર્સ વિક્ટિમ પાસેથી તમામ પર્સનલ માહિતી જાણી લે છે પરંતુ પોતાના વિશે કશું જણાવતા નથી. જો તમારો ડેટિંગ પાર્ટનર પણ આવું કરતો હોય તો તમારે અલર્ટ થવાની જરૂર છે.

પર્સનલ માહિતી અને પૈસા આપવા મોંઘું પડી શકે છે
ઓનલાઈન ડેટિંગ પાર્ટનરને પર્સનલ માહિતી અને પૈસા ટ્રાન્સફર કરવા ભારે પડી શકે છે. ડેટિંગ એપ પછી સ્કેમર્સ ઈમેલ અને ફોન નંબર માગે છે. તમે ઈમોશનમાં આવી ફોન નંબર સહિતની ડિટેલ ન આપો તે જરૂરી છે. ગમે તેટલી ઈમોશનલ કહાની સંભળાવી તમારી પાસે કોઈ પૈસા માગે તો કોઈ પણ ભોગે આપવા નહિ.

ઓનલાઈન ડેટિંગની સાચી રીત કઈ?
ડેટિંગ એપમાં મેચ મળે તો વાતો કરી સમય લો. એકબીજાને સમજો અને પાર્ટનરને પણ પોતાની પર્સનલ વાત જણાવવા દો. ક્યારેય પણ બેંક ડિટેલ સહિતની પર્સનલ ડિટેલ શેર ન કરો. પહેલાં કોઈ પબ્લિક પ્લેસ પર મુલાકાત કરો અને ઓળખની ખાતરી કરો. ત્યારબાદ તમે ફોન નંબર શેર કરી વાત આગળ વધારી શકો છો.

અન્ય સમાચારો પણ છે...