ટેક કંપની ગૂગલ 2 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય જીમેઇલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહી છે. નિષ્ક્રિય એકાઉન્ટ નીતિને અપડેટ કરતા, કંપનીએ કહ્યું કે આ નિર્ણય જીમેઇલ યુઝર્સ સ્પામ, ફિશિંગ અને એકાઉન્ટ હાઇજેકિંગ જેવાં જોખમોથી બચાવવા માટે લેવામાં આવ્યો છે.
કંપનીનું માનવું છે કે, જે એકાઉન્ટ્સનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવ્યો નથી તેની સાથે ચેડાં થવાની શક્યતા વધુ છે. આવી સ્થિતિમાં ગુનેગારો આ એકાઉન્ટનો ઉપયોગ ખોટા કામો માટે કરી શકે છે.
ગૂગલ આ વર્ષે ડિસેમ્બરથી જીમેલ એકાઉન્ટ ડીલીટ કરશે
ગૂગલે એક બ્લોગ પોસ્ટ દ્વારા જણાવ્યું કે નિષ્ક્રિય એકાઉન્ટ પોલિસી આજથી જ અમલમાં આવી ગઈ છે, પરંતુ નિષ્ક્રિય એકાઉન્ટને તાત્કાલિક ડીલીટ કરવામાં આવશે નહીં. કંપની ડિસેમ્બર 2023થી આવા એકાઉન્ટ્સ ડીલીટ કરવાનું શરૂ કરશે. જીમેલ એકાઉન્ટ ડીલીટ થવાથી યુઝર્સ મેઈલ, ગૂગલ ડ્રાઈવ, ડોક્યુમેન્ટ્સ, ગૂગલ ફોટોઝ સહિત તે એકાઉન્ટ સાથે સંકળાયેલ ગૂગલ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં.
જો કે, આ નીતિ હેઠળ ફક્ત વ્યક્તિગત એકાઉન્ટ જ ડીલીટ કરી નાખવામાં આવશે. કોઈપણ શાળા, સંસ્થા અથવા વ્યવસાયનાં એકાઉન્ટ ડીલીટ કરવામાં આવશે નહીં.
એકાઉન્ટ ડીલીટ કરતાં પહેલા કંપની સૂચના મોકલશે
ગૂગલે કહ્યું છે કે, યુઝર્સના એકાઉન્ટ ડીલીટ કરતાં પહેલાં તેમને નોટિફિકેશન મોકલવામાં આવશે. આ પહેલા એલોન મસ્કે પણ કહ્યું હતું કે, જે ટ્વીટર એકાઉન્ટનો ઘણાં વર્ષોથી ઉપયોગ કરવામાં આવ્યો નથી તેને ડીલીટ કરીને આર્કાઈવમાં મૂકવામાં આવશે.
તમારું એકાઉન્ટ કેવી રીતે સક્રિય રાખવું?
તમારું જીમેઇલ એકાઉન્ટ સક્રિય રાખવા માટે, તમારે દર 24 મહિનામાં ઓછામાં ઓછું એક વાર સાઇન ઇન કરવું આવશ્યક છે. ગૂગલ કહે છે કે 'જો વપરાશકર્તા ગૂગલ એકાઉન્ટ વડે કોઈપણ સેવામાં સાઇન ઇન કરે છે, તો એકાઉન્ટ સક્રિય માનવામાં આવશે અને તેને રદ કરવામાં આવશે નહીં'.
તમે તમારા એકાઉન્ટમાંથી મેઇલ મોકલીને, ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરીને, યુટ્યુબ વિડિઓઝ જોઈને, ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરીને અથવા અન્ય જગ્યાએ એકાઉન્ટ વડે સાઇન ઇન કરીને તમારા એકાઉન્ટને સક્રિય રાખી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.