CES 2022ની ટેક્નોલોજી:પેનથી ઈલેક્ટ્રિક સર્કિટ તૈયાર થશે, છત્રીની જેમ સ્ક્રીન ખુલશે તો પેન્ટિંગનાં કેરેક્ટર જીવંત થઈ ડાન્સ કરવા લાગશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • Splay કંપનીનાં અમ્બ્રેલા મોનિટરમાં કાપડ પરની સ્ક્રીન પર વિઝ્યુલ દેખાશે
  • સેમસંગ ઘરના નાનાં કામ કરી આપતો રોબોટ રજૂ કરશે

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉ CES 2022ના શ્રીગણેશ 5 જાન્યુઆરીથી થશે. 7 જાન્યુઆરી સુધી ચાલનારા આ શૉમાં રજૂ થનારા ગેજેટ્સ અને ટેક્નોલોજી ચર્ચામાં રહેશે. ઈવેન્ટમાં રજૂ થનારી ટેક્નોલોજી અત્યારથી ટોક ઓફ ધ ટાઉન બની છે. તેમાં અમ્બ્રેલા મોનિટર, ઈલેક્ટ્રિક સર્કિટ પેન, સેમસંગ હોમ રોબોટ, 3D એજ્યુકેશન, ઓટોનોમસ વ્હીકલ સહિતનાં ગેજેટ્સ સામેલ છે. આ ગેજેટ્સની ખાસિયતો જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો.

1. અમ્બ્રેલા મોનિટર

Splay કંપની અમ્બ્રેલા મોનિટર પર કામ કરી રહી છે. CESમાં તે લોન્ચ થઈ શકે છે. આ એક પ્રકારની પોર્ટેબલ ડિસ્પ્લે અને પ્રોજેક્ટર છે. તેને એક છત્રીની જેમ ખોલી શકાય છે. તેમાં કાપડ પરની સ્ક્રીન પર વિઝ્યુલ દેખાય છે. છત્રીના હેન્ડલમાં પ્રોજેક્ટર ફિટ કરાય છે. આ અમ્બ્રેલા મોનિટર સાથે સ્ટીરિયો સ્પીકર, HDMI પોર્ટ, વાયરલેસ કનેક્શન સહિતની કનેક્ટિવિટી મળે છે. તેને લેપટોપ અને સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ કરી શકાય છે. તેની રિચાર્જેબલ બેટરી 4 કલાકનું બેકઅપ આપે છે. આ મોનિટર ગમે ત્યાં આસાનીથી લઈ જઈ શકાય છે.

2. ઈલેક્ટ્રિક પેન

આ પેનની શાહી એક ઈલેક્ટ્રિક સર્કિટ છે. અર્થાત તે એક વાયર તૈયાર કરે છે જેમાં કરન્ટ ફ્લો થાય છે. આ પેનના વાયરનું લેયર ગમે તે પ્રોડક્ટમાં યુઝ કરી શકાય છે. લાઈટ પિલરની 3D ઈમેજ તૈયાર કરી શકાય છે.

3. સેમસંગ હોમ રોબોટ

અગાઉના CESમાં ballie રોબોટ અને AI હ્યુમન 'NEONS' રજૂ કરનાર સેમસંગ આ વર્ષે પણ હટ કે પ્રોડક્ટ લઈને આવશે. કંપની હોમ રોબોટ રજૂ કરશે. તે ઘરના નાનાં-નાનાં કામ કરી દેશે. આ રોબોટ ગંદાં કપડાં મશીનમાં નાખી દેશે, તમારા માટે પાણી લાવી આવશે, ટ્રેમાં વાસણ ગોઠવી દેશે.

4. 3D એજ્યુકેશન સ્ક્રીન

ટેક્નોલોજીમાં એજ્યુકેશન પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પુસ્તકને બદલે હવે બાળકોને પ્રેક્ટિલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. CESમાં 3D એજ્યુકેશન સ્ક્રીન લોન્ચ થશે. ઈન્ટરેક્ટિવ અને ડાયનેમિક એજ્યુકેશન માટે તે ઘણી કામ આવશે. આ સ્ક્રીન પર સ્ટુડન્ટ 3D ઈમેજ બનાવી શકશે.

5. AR પેન્ટિંગ

પેન્ટિંગ બાદની તમારી ઈમેજિનેશન હવે જીવંત થશે. આ પેન્ટિંગ થશે તો પેપર પર જ પરંતુ તેને સ્માર્ટફોન કે ટેબ્લેટ પર સ્કેન કરવામાં આવે તો તેની અંદરના કેરેક્ટર તમને જીવંત થતા જોવા મળશે. પેન્ટિંગનું કેરેક્ટર ચાલતું ફરતું, ડાન્સ કરતું અને એક પત્થરથી બીજા પથ્થર પર જમ્પ કરતું જોવા મળશે.