માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે એક દિવસ પહેલાં જ પોતાના રેઝિડન્ટ ગ્રીવન્સ ઓફિસર તરીકે વિનય પ્રકાશ ગુપ્તાને નિયુક્ત કર્યા છે. ભારત સરકારે 25 ફેબ્રુઆરીથી નવા IT રુલ્સ અમલી કર્યા છે. આ નિયમોનું 3 મહિનાની અંદર અર્થાત 25મે પહેલાં પાલન કરવું અનિવાર્ય હતું, પરંતુ ટ્વિટરે ડેડલાઈન પૂરી થઈ ગયા બાદ પણ આ નિયમોનું પાલન કર્યું નહોતું.
ગ્રીવન્સ ઓફિસર નિયુક્ત કર્યાના 1 દિવસ બાદ જ ટ્વિટરે પોતાનાં પ્લેટફોર્મ પર પોતાનાં અકાઉન્ટને કન્ટ્રોલ કરવાનો નિર્ણય કર્યો છે. નવા IT રુલ પ્રમાણે, ટ્વિટરે તેનો પ્રથમ કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કર્યો છે. તે પ્રમાણે, કંપનીએ 22,564 અકાઉન્ટ બંધ કર્યા છે. તેમાં બાળકોનું યૌન શોષણ, ન્યુડિટી અને આતંકવાદને વેગ આપનારા કન્ટેન્ટને સામેલ કરવામાં આવ્યા છે અને તેને ફેલાવતાં અકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
લોકોની પ્રાઈવસીમાં ખલેલ પહોંચાડતી પોસ્ટ દૂર કરવામાં આવી
આ ડેટા 26મે, 2021થી લઈને 25 જૂન, 2021 વચ્ચેના ટ્વિટર કન્ટેન્ટનો છે. તેમાં એ ફરિયાદોને સામેલ કરાઈ જે કોર્ટ ઓર્ડર અને પર્સનલ આધારે યુઝર્સે કરી હતી. સાથે જ રિપોર્ટમાં જણાવાયું કે 133 એવી પોસ્ટ દૂર કરવામાં આવી જે લોકોની પ્રાઈવસીને ખલેલ પહોંચાડતી હતી.
7 સસ્પેન્ડેડ અકાઉન્ટ પણ ફરી એક્ટિવ થયાં
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતીય ચેનલના ગ્રીવન્સ અધિકારી પાસે અકાઉન્ટ વેરિફિકેશન, અકાઉન્ટ એક્સેસ, ટ્વિટર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી જેવી કેટેગરીમાં સૌથી વધારે ફરિયાદો મળે છે. ઉપર આપેલા ડેટા સિવાય ટ્વિટરે 56 પ્રકારની અન્ય કાર્યવાહી પણ કરી છે. તેમાં ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવું પણ સામેલ છે. આ સમસ્યાઓનું સંપૂર્ણ રીતે સમાધાન કરી તેને સારી રીતે સમજવામાં આવી. સાથે જ 7 સસ્પેન્ડેડ અકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવ્યાં.
કંપનીએ 8 અઠવાડિયાંનો સમય માગ્યો હતો
નવા IT કાયદા પર માઈક્રો બ્લોગિંગ સાઈટે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો. તેમાં કંપનીએ જણાવ્યું કે, ભારતમાં ગ્રીવન્સ ઓફિસરની નિયુક્તિમાં 8 અઠવાડિયાંનો સમય લાગી શકે છે. હાઈકોર્ટમાં ટ્વિટરે જણાવ્યું કે, નવા IT નિયમો હેઠળ 11 જુલાઈ સુધી પ્રથમ કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે 8 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો.
ફેસબુક, કૂ અને ગૂગલે પણ કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કર્યો
નવા નિયમો બાદ દેશમાં 50 લાખથી વધારે યુઝર્સ ધરાવતાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કરવો અનિવાર્ય છે.
ફેસબુક
ફેસબુકે 15મેથી 15 જૂન વચ્ચે પોતાનાં પ્લેટફોર્મ અને ઈન્સ્ટાગ્રામ પરથી 'ખતરનાક સંગઠન અને વ્યક્તિ: સંગઠિત નફરત' નીતિ હેઠળ, 75,000 કન્ટેન્ટ, 'ખતરનાક સંગઠન અને વ્યક્તિ: આતંકી દુષ્પ્રચાર' નીતિ હેઠળ 106,000 કન્ટેન્ટ અને ઉત્પીડન સબંધિત કન્ટેન્ટની 1,18,000 પોસ્ટ દૂર કરી છે.
ગૂગલ
ગૂગલના કમ્પ્લાયન્સ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કંપનીને આ વર્ષે એપ્રિલમાં યુઝર્સની લોકલ કાયદા અને વ્યક્તિગત અધિકારોના ઉલ્લંઘન સંબંધિત 27,700થી વધારે ફરિયાદ મળી છે. તેમાંથી કંપનીએ 59,350 કન્ટેન્ટ દૂર કર્યા છે.
Kooએ 22.7% પોસ્ટ દૂર કરી
કંપનીએ જૂન મહિનાનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કર્યો છે. તે મુજબ તેને 5502 પોસ્ટ સંબંધિત ફરિયાદ મળી હતી તેમાંથી 22.7% અર્થાત 1253 પોસ્ટ દૂર કરી હતી બીજી 4249 પોસ્ટ પર અન્ય કાર્યવાહી થઈ હતી. Koo એપના 60 લાખથી પણ વધારે યુઝર્સ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.