ઓનલાઈન શૉપિંગમાં એમેઝોન હિટવિકેટ:કંપનીએ ભૂલથી 1 લાખ રૂપિયાનું AC માત્ર 6 હજાર રૂપિયામાં લિસ્ટ કર્યું, 278 રૂપિયાની EMIનો પણ ઓપ્શન આપ્યો

6 મહિનો પહેલા
  • ભૂલથી કંપનીએ તોશિબા કંપનીનું AC 94% ડિસ્કાઉન્ટ સાથે 5900 રૂપિયામાં લિસ્ટ કરી દીધું
  • કંપનીને ભૂલ સમજાય તે પહેલાં ગ્રાહકોએ તેની ખરીદી કરી દીધી
  • હવે કંપનીએ આ ACને 20% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કર્યું

ઈ કોમર્સ સાઈટ એમેઝોનથી સોમવારે મોટી ભૂલ થઈ ગઈ. કંપનીએ આશરે 1 લાખ રૂપિયાની કિંમતનું તોશિબા AC માત્ર 5900 રૂપિયામાં લિસ્ટ કરી દીધું. કંપનીને પોતાની ભૂલ સમજાય ત્યાં સુધીમાં તો અનેક ગ્રાહકોએ આ પ્રોડક્ટ ખરીદી લીધી હતી.

278 રૂપિયાની EMIની પણ ઓફર
એમેઝોન પર સોમવારે આ AC લિસ્ટ થયું. તોશિાબા કંપનીનું આ ઈન્વર્ટર AC 1.8 ટનનું છે અને તે 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. કંપનીએ તેની મૂળ કિંમત 96,700 રૂપિયાને બદલે 94% ડિસ્કાઉન્ટ સાથે તેને 5900 રૂપિયામાં લિસ્ટ કરી દીધું.

એમેઝોનનાં લિસ્ટિંગમાં ACની મૂળ કિંમત પર 90,800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું. તેના પર કંપની 278 રૂપિયા પ્રતિ મહિનાની EMI પણ ઓફર કરી રહી હતી. ગ્રાહકોએ આ ભૂલ પકડી પાડી અને તેની ખરીદી કરી.

ભૂલ જણાતાં ફરી 59,490 રૂપિયામાં AC લિસ્ટ કર્યું
એમેઝોનને ભૂલ જણાતાં આ જ AC હવે 59,490 રૂપિયામાં લિસ્ટ કર્યું છે. તેના પર હવે મૂળ કિંમત પર 20% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

તોશિબા ACના કોમ્પ્રેસર, PCB, સેન્સર, મોટર્સ અને ઈલેક્ટ્રિકલ પાર્ટસ પર 9 વર્ષ સાથે વધારાની 1 વર્ષની વોરન્ટી મળે છે. આ AC ફિલ્ટરને ડ્રાય રાખવા માટે આપમેળે પોતાની સફાઈ કરે છે. તેને કારણે તેમાં દુર્ગંધ કે મોલ્ડ ફોર્મેશન જેવી સમસ્યા આવતી નથી. તેનાથી તેની મેન્ટેનન્સ કોસ્ટ ઘટી જાય છે.

2019માં 9 લાખનો કેમેરા 6500 રૂપિયામાં વેચ્યો હતો
પ્રાઈમ ડે 2019 સેલ દરમિયાન પણ એમેઝોનથી ભૂલ થઈ હતી. એમેઝોને 9 લાખ રૂપિયાનો કેમેરા ગિયર 6500 રૂપિયામાં વેચ્યો હતો. ગ્રાહકોને આ ભૂલ સમજાતાં આ કેમેરાની ખરીદી માટે ઓનલાઈન ધસારો જોવા મળ્યો. આ ગિયર સોની, ફુજીફિલ્મ અને કેનન સહિત હાઈ એન્ડ કેમેરા બ્રાન્ડ્સના હતા.

એમેઝોનો 15-16 જુલાઈ, 2019માં દુનિયાભરમાં પ્રાઈમ ડેઝ સેલનું આયોજન કર્યું હતું. અમેરિકામાં તે દરમિયાન એક બગ જોવા મળ્યો હતો. તેને લીધે કેનન EF 800 લેન્સ 99%નાં ડિસ્કાઉન્ટ સાથે માત્ર 6500 રૂપિયામાં મળી રહ્યો હતો. તેની મૂળ કિંમત 99 લાખ રૂપિયા હતી.