ફેસબુક મેસેન્જર એપમાં કંપનીએ એપલોક ફીચરનો ઉમેરો કર્યો છે. તેમાં યુઝર્સ બાયોમેટ્રિક ટચ આઈડી અથવા ફેસ આઈડીથી એપ અનલોક કરી શકે છે. હાલ આ ફીચરનો ઉપયોગ iOS યુઝર્સ જ કરી શકશે. એન્ડ્રોઈડ યુઝર્સે થોડી રાહ જોવી પડશે.
કંપની બાયોમેટ્રિક્સ સ્ટોર નહીં કરે
ફેસબુકના બ્લોગ પોસ્ટ મુજબ, કંપની સિક્યોરિટીને ધ્યાનમાં રાખી યુઝર્સના બાયોમેટ્રિક્સ સ્ટોર કરશે નહીં. આ ફીચરનો ઉપયોગ એપનું સેટિંગ ઓપન કરી પ્રાઈવસી સેક્શનમાં જઈને કરી શકાશે. જોકે આ ફીચરથી એપની નોટિફિકેશન હિડન કે સ્ટોપ નહીં થાય. યુઝરે તેના માટે મોબાઈલ ફોનના સેટિંગનો ઉપયોગ કરવાનો રહેશે.
કંપનીએ કોલિંગ અને મેસેજ કંન્ટ્રોલ ફીચરની જાહેરાત કરી
ફેસબુક મેસેન્જર એપને વધારે સુરક્ષિત બનાવવા માટે કંપનીએ કોલિંગ અને મેસેજ કંન્ટ્રોલ ફીચરની જાહેરાત કરી છે. તેની મદદથી યુઝરને કોણ વીડિયો કે ઓડિયો કોલ અથવા મેસેજ કરી શકશે તેની પસંદગી કરી શકાશે. સાથે જ કંપનીએ વ્હોટ્સએપની જેમ મેસેજ રિક્વેસ્ટ ફોલ્ડરના ફોટોઝને પણ બ્લર કરવાની જાહેરાત કરી છે.
ફેસબુક મેસેન્જરમાં થોડા દિવસ અગાઉ જ કંપનીએ સ્ક્રીન શેરિંગ ફીચરનો ઉમેરો કર્યો હતો. તેની મદદથી યુઝર્સ વીડિયો કોલિંગ દરમિયાન પોતાના ડિવાઈસની સ્ક્રીન શેર કરી શકે છે. ગ્રૂપ કોલિંગમાં પણ આ ફીચર કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.